Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચક્કર આવતા ફસડાઈ પડેલા મહિલા પર કાળનો પંજોઃ બે બાઈક ટકરાતા મહિલાનું મૃત્યુઃ
જામનગર તા.૧૪ : જામનગરના ઠેબા બાયપાસ પાસે પુત્રના સ્કૂટર પરથી લપસી પડેલા પ્રૌઢાનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ફલ્લા પાસે એક બાઈક પાછળ બીજું બાઈક ટકરાઈ પડતા પરપ્રાંતીય શ્રમિકના પત્ની મોતને શરણ થયા છે. પતિ સાથે બાઈક પર જતાં મહિલા ચક્કર આવતા ફસડાઈ પડ્યા પછી માથામાં ઈજા થવાથી મૃત્યુ પામ્યા છે અને ખંભાળિયાના યુવાન હિટ એન્ડ રનનો ભોગ બન્યા છે. જોગવડ ચાલીને જતી વખતે તેઓને દાતા ગામની ગોળાઈમાં અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ છે.
ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં આવેલા જયપાલસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના બર્જર ગામના વતની બદીયાભાઈ દીતીયા ભાઈ માવી નામના ૩૫ વર્ષના ખેતમજુર શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે પોતાના પત્ની મીનાબેન (ઉ.વ.૩૩) સાથે જીજે-૩-એનએન ૨૪૬૦ નંબરના મોટરસાયકલમાં ખરીદી માટે ફલ્લા ગામ તરફ ગયા હતા.
ત્યાંથી આ દંપતી સાંજે પાંચેક વાગ્યે સગાડીયા ગામ તરફ જવા માટે નીકળ્યું હતું. તેઓનું મોટરસાયકલ જ્યારે ધ્રોલ પાસે શિવશક્તિ હોટલ સામે રોડ પર પહોંચ્યું ત્યારે જીજે-૩-પીપી ૪૦૪૫ નંબરના મોટરસાયકલના ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી પાછળથી ટક્કર મારી દીધી હતી. જેના પગલે પાછળ બેસેલા મીનાબેન રોડ પર પછડાયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી ૪૦૪૫ નંબરના બાઈકનો ચાલક બાઈક સાથે નાસી ગયો હતો તેની સામે બદીયાભાઈએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના એરપોર્ટ રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં રહેતા રાહુલ પુરષોત્તમભાઈ સાવલિયા ગામના યુવાન અને તેમના માતા મંજુબેન પરસોત્તમભાઈ (ઉ.વ.૬૦) રવિવારે સવારે પોતાના ઘરેથી જીજે-૧૦ બીકે ૭૩ નંબરના એકટીવા સ્કૂટરમાં જામનગરથી મોટા થાવરીયા ગામ જવા માટે નીકળ્યા હતા. આ માતા પુત્રનું સ્કૂટર જ્યારે કાલાવડ ધોરીમાર્ગ પર ઠેબા બાયપાસ થી આગળ આઈઓસી નજીક ગોળાઈમાં પહોંચ્યું ત્યારે કોઈ રીતે સ્કૂટર પરનો કાબુ રાહુલે ગુમાવતા સ્કૂટર રોડ પરથી ઉતરીને સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં પાછળ બેસેલા મંજુબેન પછડાયા હતા માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધાને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે રાહુલ સાવલીયાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના હરીપર ગામના ધીરજભાઈ રામજી ભાઈ ભંડેરી તથા તેમના પત્ની મધુબેન (ઉ.વ.૪૧) ગઈકાલે સવારે જીજે-૧૦-ડીએસ ૯૮૫૨ નંબરના બાઈકમાં હરીપર ગામથી પસાયા જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે ચાવડા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પાછળ બેસેલા મધુબેનને ચક્કર આવી જતાં તેઓ સરકી પડ્યા હતા. રોડ પર પછડાયેલા આ મહિલાને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થતાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું તબીબે જાહેર કર્યું છે. ધીરજભાઈએ પંંચકોશી એ ડિવિઝનમાં જાણ કરી છે.
ખંભાળિયાની વીનાયક સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા શનિવારે રાત્રે ખંભાળિયાથી મિત્રો સાથે જામનગર રોડ પર આવેલા જોગવડ ગામમાં મંદિરે દર્શન કરવા માટે ચાલીને નીકળ્યા હતા. આ યુવાનો જ્યારે દાતા ગામની ગોળાઈ પાસે પહોંચ્યા ત્યારે દોઢેક વાગ્યે એક અજાણી મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી અને ધર્મેન્દ્રસિંહને હડફેટે લઈ નાસી છૂટી હતી. ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરમાં રહેતા તેમના સંબંધી બ્રિજરાજસિંહ વી. જાડેજાએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં મોટરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial