Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢસોના બદલે ૧પ હજારનું ડિજિટલ પેમેન્ટ પરત કરનારની પ્રામાણિક્તાને સલામ!
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં મુંબઈના એક રિક્ષાવાળાની પ્રામાણિક્તાનો કિસ્સો ખૂબ જ વાયરલ થયો હતો અને તે પછી તેની ચર્ચા પ્રેસ-મીડિયામં પણ થઈ હતી. આમ તો ઘણાં બધા રિક્ષાવાળાઓ મુસાફરોની ભૂલાયેલી કિંમતી ચીજવસ્તુઓ કે પૈસા-પાકીટ પ્રામાણિક્તાથી મૂળ માલિકને પરત કરી દેતા હોય છે, પરંતુ ભૂલથી અપાઈ ગયેલી રકમ પરત કરવા માટે કલાકો સુધી વિદેશથી આવેલી વ્યક્તિની રાહ જોવી અને તેના બદલે ઈનામ લેવાના બદલે રિક્ષાભાડુ પણ જતું કરવાની ઉદારતાએ એ રિક્ષાવાળાની અમીરી અને દરિયાદિલીને સાત સમંદર પાર પહોંચાડી દીધી હોવાથી એ કિસ્સો કાંઈક વિશેષ હતો. આ નાની સરખી જણાતી ઘટના વર્તમાન યુગમાં ઘણી જ નોંધપાત્ર ગણાય. એક તરફ પચીસ-પચાસ રૂપિયા માટે મારામારી અને જીવલેણ હુમલાઓની ઘટનાઓ બની રહી છે, તો બીજી તરફ બળબળતા રણની વચ્ચે મીઠી વીરડી જેવા આ પ્રકારના કિસ્સાઓ પણ બને છે.
ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ
અત્યારે ઓનલાઈન (ડિજિટલ) પેમેન્ટની વ્યાપક્તા વધી રહી છે, અને હવે તો શાકભાજી, લારી-ગલ્લા કે ભંગારની લે-વેચ કરતા લોકો પણ નાની-નાની ચૂકવણીઓ ડિજિટલ માધ્યમથી કરી રહ્યા છે, અને તે માટે ઓનલાઈન પેમેન્ટની જુદી જુદી એપ્સ અને પ્લેટફોર્મ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. બસ અને રેલવે-એરલાઈન્સ પછી હવે ઓટો રિક્ષાવાળાઓ પણ જુદી જુદી પેમેન્ટ સિસ્ટમ્સના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ કરે છે, ત્યારે મુંબઈમાં એક એવો કિસ્સો આવ્યો છે, જેમાં પ્રામાણિક્તાને પ્રાયોરિટી આપનાર એક કોમનમેનની મહાનતા, સરળતા અને દરિયાદિલી ઝળકી હતી.
કંપનીના સીઈઓનો અનુભવ
મુંબઈની એક લબ્ધપ્રતિષ્ઠિત કંપનીના સ્થાપક અને સીઈઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના વિદેશથી આવેલા એક ક્લાયન્ટનો અનુભવ શેર કર્યો હતો. એ કંપનીનો એક ક્લાયન્ટ માત્ર એક દિવસ માટે જ મુંબઈ આવ્યો હતો. તેની સાથે મહત્ત્વપૂર્ણ મિટિંગ માટે નક્કી કરાયેલા સમયથી મોડું થઈ રહ્યું હોવાથી તેમણે લોકલ પરિવહન માટે ઓટો રિક્ષામાં મુસાફરી કરી. રિક્ષાવાળાને પોતાને ઉતાવળ હોવાનું કહ્યું તો રિક્ષાચાલકે પણ શક્ય તેટલી ઝડપે રિક્ષા ચલાવીને તેને નક્કી કરેલા સ્થળે પહોંચાડી દીધો. તેમણે રિક્ષાવાળાને ગુગલ પે દ્વારા ભાડું ચૂકવ્યું, પરંતુ માત્ર રૂ।. દોઢસ્સોથી થોડું વધુ ભાડુ થતું હતું, તેના બદલે તેમણે ઉતાવળમાં રૂ।. ૧પ હજારથી વધુનું 'ડિજિટલ' પેમેન્ટ કરી દીધુ. ઉતાવળ હોવાથી પેમેન્ટ પછી સેલફોનમાં સ્ક્રીન પણ જોઈ નહીં અને મિટિંગ એટેન્ડ કરી.
મિટિંગ પણ માયુસ કરી ગઈ
સી.ઈ.ઓ. સાહેબનો તે દિવસ જ કદાચ ખરાબ હશે, કે તેઓ પહેલા તો માંડ માંડ મિટિંગમાં પહોંચ્યા હતાં, પરંતુ મિટિંગ પણ નિષ્ફળ ગઈ. તેઓ જે અપેક્ષા રાખતા હતાં, તેવી સફળતા મળી નહીં.
રિક્ષા ડ્રાઈવરે આપી સરપ્રાઈઝ
તેઓ હતાશ અને નિરાશ થઈને બહાર નીકળ્યા, તો તેના આશ્ચર્ય વચ્ચે કલાકો પહેલા તેઓ જે ઓટોરિક્ષામાં આવ્યા હતાં, તે રિક્ષા ડ્રાઈવર ત્યાં જ ઊભો હતો.
પહેલા તો રિક્ષાવાળો કદાચ ઓછું મળેલુ ભાડુ વસૂલવા ઊભો હશે અથવા રિટર્ન ભાડાની આશાએ ઊભો રહ્યો હશે, તેવું લાગ્યું, એટલે હતાશ-નિરાશ સીઈઓ હાંફળા-ફાંફળા થઈ ગયા, એટલે રિક્ષાવાળો પણ કદાચ સમજી ગયો હશે કે સાહેબની મિટિંગ સફળ થઈ નથી. આથી તેમણે દોઢસોના બદલે પંદર હજારના ડિજિટલ પેમેન્ટની ભૂલ અંગે જાણ કરીને તમામ રકમ પરત ઓનલાઈન જ પેઈડ કરી દીધી. તેમણે કહ્યું કે સાહેબ, આજે આપણા બન્નેનો દિવસ છે...!
તે પછી પેલા રિક્ષાવાળાને કમ-સે-કમ રિક્ષાભાડાની રકમ રાખી લેવા કહ્યું પણ રિક્ષાવાળો માન્યો નહીં, અને ત્યાંથી ચાલ્યો ગયો, અને સીઈઓ સાહેબ પણ ચાલ્યા ગયા.
અઠવાડિયા પછી સાનંદાશ્ચર્ય-
બીજું સરપ્રાઈઝ
આ ઘટનાના અઠવાડિયા પછી તે સીઈઓને પેલા ઈન્ટરનેશનલ ક્લાયન્ટનો ફોન આવ્યો અને મિટિંગમાં તે દિવસે લેવાયેલા નિર્ણયથી વિપરીત કંપની સાથે કામ કરવાની ક્લાયન્ટે તૈયારી બતાવી. આ સાનંદાશ્ચર્ય હતું... બીજુ સરપ્રાઈઝ હતું... ખુશીનો સંદેશ હતો...
પ્રામાણિક્તાનું પરિણામ
સીઈઓ સાહેબને એવું લાગ્યું કે તે દિવસે પેલા રિક્ષાવાળાએ જે પ્રામાણિક્તા દાખવી હતી, તેની પોઝિટિવિટીની જ આ અસર હતી. તેની પાસે રિક્ષાવાળાએ ડિજિટલ પેમેન્ટ કર્યું હોવાથી તેના ફોન નંબર તો હતા જ...
સીઈઓ સાહેબે તરત જ એ રિક્ષાવાળા ભાઈને રૂ।. પ૦૦ ઓનલાઈન મોકલ્યા અને રિક્ષાભાડા તરીકે સ્વીકારી લેવાની વિનંતી સાથે સંક્ષિપ્તમાં આભારદર્શન પણ કર્યું.
સીઈઓ સાહેબે આ આખો કિસ્સો સોશિયલ મીડિયામાં મૂક્યો અને જોતજોતામાં તે પોસ્ટ એટલી બધી વાયરલ થઈ ગઈ કે તેના પર દેશભરમાંથી જ નહીં, પરંતુ સાત સમંદર પાર વિદેશથી પણ કોમેન્ટો થવા લાગી. રિક્ષાવાળાની આ પ્રામાણિક્તાને ઘણાં લોકોએ રણમાં મીઠી વીરડી ગણાવી, તો ઘણાંએ હળહળતા કળીયુગમાં પણ ધબકતી આ પ્રામાણિક્તાને ભારતીય સંસ્કૃતિની ફલશ્રૂતિ ગણાવી.
નાની ઘટના-મોટો સંદેશ
અવનવી કોમેન્ટો આવી. કોઈએ લખ્યું કે સીઈઓ સાહેબે પણ રિક્ષાવાળાને બીરદાવ્યો, પરંતુ રિક્ષાવાળાએ માત્ર પ્રામાણિક્તા નહીં, પણ માનવતા અને સહાધ્યતા સાથે દરિયાદિલી પણ બતાવી હતી. સીઈઓ હતાશ હોવાથી તેેમણે રિક્ષાભાડા સહિતની તમામ રકમ પરત કરી દીધી. તે તેની દરિયાદિલી અને અમીરી હતી. કોઈએ લખ્યું કે, કોઈની ચીજવસ્તુ ખોવાઈ જાય કે આ રીતે ભૂલથી પેેમેન્ટ થઈ જાય, તો તે જ્યારે પરત માંગે ત્યારે પરત કરે, અથવા સામેની વ્યક્તિ તરફથી ફોન આવે, ત્યારે ચીજવસ્તુ પાછી આપી દેવામાં આવે, તે પ્રામાણિક્તા જ ગણાય, પરંતુ અહીં તો ઉતાવળ અને હતાશામાં ઘેરાયેલી વ્યક્તિએ ભૂલમાં આપી દીધેલી રકમની સાથે પોતાના હક્કનું રિક્ષાભાડુ પણ પરત કરી દીધુ હતું, તે તેની ઉદારતા અને સહાનુભૂતિ હતી, તો અઠવાડિયે સારા સમાચાર મળ્યા પછી સીઈઓ સાહેબે રૂ।. પ૦૦ મોકલીને આભારદર્શન કર્યું, તે તેઓની પણ વિલંબિતા સમજદારી હતી.
અમદાવાદનો બીજો કિસ્સો
અમદાવાદમાં પણ રિક્ષામાં ભૂલાયેલા રૂ।. ૧ર લાખના આભૂષણો મૂળ માલિકને પરત મળ્યા હોવાનો એક કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો, પરંતુ એ કિસ્સામાં પોલીસતંત્રની સક્રિયતાને બીરદાવવી પડે. એક મહિલા સોનાના આભૂષણોની ભરેલી બેગ ભૂલી ગયા હતાં, અને તેની શોધખોળ કર્યા પછી પોલીસ તંત્રનો સંપર્ક કર્યો હતો. પોલીસે સમય ગુમાવ્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી અને સીસી ટીવી કેમેરા ખંગાળીને તે રિક્ષાચાલકને શોધી કાઢ્યો હતો. આ માટે લગભગ ત્રણેક ડઝન સીસી ટીવી કેમેરા ખંગાળ્યા હતાં અને ગણતરીના કલાકોમાં જ સોનાની ભરેલી બેગ તે મહિલાને પરત મળી હતી.
મુંબઈના સીઈઓના કિસ્સામાં પણ રિક્ષાચાલકની વાત હતી, અને અમદાવાદના કિસ્સામાં પણ રિક્ષાચાલકની જ વાત હતી, પરંતુ એક કિસ્સામાં રિક્ષાચાલકે થોડી-ઘણી નહીં, પણ કલાકો સુધી વધુ ચૂકવાઈ ગયેલા નાણા પરત કરવા માટે રાહ જોઈ હતી, તો બીજા કિસ્સામાં રિક્ષચાલકની પોલીસે કલાકો સુધી શોધખોળ કરવી પડી હતી. અમદાવાદના કિસ્સામાં રિક્ષાવાળાનું પણ કદાચ પડ્યું નહીં હોય કે પછી પોલીસને તેને શોધવામાં કલાકો લાગ્યા ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાઈ શક્યો નહીં હોય, જે હોય તે ખરૂ, કારણ કે આ અંગે જે અહેવાલો આવ્યા, તેમાં આ પ્રકારની કોઈ ઊંડી કે વિગતવાર વિગતો બહાર નહોતી આવી, પરંતુ બન્ને કિસ્સામાં પ્રામાણિક્તા, સક્રિયતા અને ઈન્સાનિયત તો પ્રગટી જ હતી... આ પ્રકારના પ્રામાણિક લોકો અન્યોને છેતરીને કે ઠગીને નાણા કમાતા લોકો માટે બોધપાઠ રૂપ છે. નિયત હોય ત્યાં નિયતી હંમેશાં મદદરૂપ થતી જ હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial