Advertisement
Author: નોબત સમાચાર

અયોધ્યાથી ઉપરકોટ સુધી... ટપકતું પાણી... પહેલા વરસાદે દેશની રાજધાની જળબંબાકાર...!

ભ્રષ્ટાચાર ટોપ-ટુ-બોટમ... શાસકો મસ્ત, તંત્રો બેશરમ કોને કહેવું?

જામનગર તા. ર૯: ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે, અને વિશ્વવ્યાપી છે, તેના ઘણાં દૃષ્ટાંતો ઉજાગર થઈ રહ્યા છે. દિલ્હીની એરપોર્ટ દુર્ઘટના ઉપરાંત દિલ્હી શહેરમાં પહેલા વરસાદે જ જળબંબાકાર થઈ જતા દેશની રાજધાનીના આ દૃશ્યો આપણા દેશની ગરિમાને કાળી ટીલી લગાવે તેવા છે આજ પર્યંત જ્યાં પાણીની અછત હતી, ત્યાં કુદરતે જળબંબાકાર કરી દીધું, પરંતુ આ પાણીનું વ્યવસ્થાપન કરવાની ત્રેવડ કદાચ ત્યાંના શાસકોમાં નથી!

અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં પાણી ટપકતું હોવાના અહેવાલો તો જુના થઈ ગયા, પરંતુ તેમાં ભ્રષ્ટાચારની બૂ આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજનેતાઓ માટે આ રાજનીતિનો મુદ્દો હશે, પરંતુ શ્રદ્ધાળુઓ માટે આ મુદ્દો આસ્થા અને વિશ્વાસનો છે, જો કે અયોધ્યાનું રામમંદિર એક સ્વતંત્ર ટ્રસ્ટને આધીન છે, છતાં નવનિર્મિત મંદિરમાં પાણી ટપકે કે જલભરાવ થાય, ત્યારે સવાલો તો ઊઠે જ ને?

ગુજરાતમાં પણ આવા જ દૃષ્ટાંતો જોવા મળે છે. પુરાતત્ત્વખાતા દ્વારા આરક્ષિત અને અને પ્રવાસન વિભાગ, સ્થાનિક તંત્રો, રાજ્યસરકાર કે કઈ સમિતિ કે ટ્રસ્ટ દ્વારા સંચાલિત એવા ઘણાં સ્થળો છે, જ્યાં ચોમાસામાં અયોધ્યાના નવનિર્મિત રામમંદિર જેવી જ સ્થિતિ સર્જાય છે.

મીડિયા અહેવાલો મુજબ જૂનાગઢના ઉપરકોટમાં આવેલા રાણકદેવીના ઈતિહાસને સાંકળતા કિલ્લાનું કરોડોના ખર્ચે તાજેતરમાં રિનોવેશન થયું છે, તેમાં પણ અયોધ્યાના રામમંદિરની જેમ જ પહેલા વરસાદમાં જ પાણી ટપકવા લાગ્યું છે. આ અંગે પ્રાચીન બાંધકામ શૈલી અને વર્તમાન બાંધકામ શૈલીના તફાવતના બહાના કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તો લોટ, પાણી અને લાકડાની કહેવત જેવું જ કાંઈક થયું હશે ને?

દિલ્હીમાં જળબંબાકાર માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીની રાજ્ય સરકાર તથા એનડીએની કેન્દ્ર સરકારને દોષિત ઠરાવે, એરપોર્ટ દુર્ઘટના માટે એનડીએ તથા યુપીએ સરકારના સમયગાળાઓને સાંકળીને આક્ષેપો પ્રતિઆક્ષેપો થાય, ઉપરકોટના કિલ્લામાં ટપકતા પાણી માટે પુરાતત્ત્વ ખાતુ, પ્રવાસન ખાતુ અને સ્થાનિક તંત્રોના બદલે ઈજારેદાર ચોખવટો કરે ત્યારે કહી શકાય કે ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે, અને તેમાં સત્તાધારીઓ મસ્ત છે, તંત્રોને હવે કોઈનીયે શરમ કે ડર રહ્યો નથી. રાજનેતાઓ એકબીજાને છાવરી રહ્યા હોય, ત્યારે કોને કહેવા જવું?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh