Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં એકતા, લાગણી, સુમેળભર્યાે માહોલ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છેઃ સાંસદ પરિમલભાઈ નથવાણી

જામનગર તા. ૧: લોકસભાની ચૂંટણીનો પ્રચાર અત્યારે ચારે તરફ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશ્યલ મિડીયાના ખોટા સનસનાટી ભર્યા સમાચારો વિડીયો તથા દુષ્પ્રચાર સામે સાવધાન રહેવા અપીલ કરી છે.

જેમની જન્મભૂમિ ખંભાળીયા અને કર્મભૂમિ જામનગર છે તેવા રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ તથા રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણએ હોટલ આરામમાં જામનગરના મિડીયા પ્રતિનિધિઓ સાથે ગેટ-ટુ-ગેધરનો કાર્યક્રમ યોજ્યો હતો.

જેમાં પરિમલભાઈ નથવાણીએ તેમના વિચારો રજુ કરતાં જણાવ્યું હતું કે હાલારમાં રિલાયન્સ, ન્યારા જેવા મહાકાય ઉદ્યોગો ઉપરાંત અન્ય ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આગામી દિવસોમાં રિલાયન્સના બેટરી ઉત્પાદન તથા સોલાર પ્લાન્ટના બે મોટા પ્રોજેક્ટ પણ કાર્યરત થશે ત્યારે ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે સમગ્ર પંથકમાં શાંતિ અને સુમેળનો માહોલ જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે.

તેમણે ખાસ કરીને ચૂંટણી સંદર્ભમાં જણાવ્યું હતું કે અગાઉની ચૂંટણીઓમાં પણ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડયા હતાં. લોકસભાની કે ધારાસભાની ચૂંટણી હોય ત્યારે રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચાર કરે તે સ્વાભાવિક છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના જ નહીં પણ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય અને શક્તિશાળી નેતા છે. તેમના પ્રતિનિધિ તરીકે ભાજપ તરફથી પૂનમબેન માડમ ચૂંટણી લડી રહ્યા છે. સામા પક્ષે કોંગ્રેસમાંથી જે.પી. મારવીયા મેદાનમાં છે.

પણ... આ વખતની ચૂંટણીમાં હાલારમાં વાતાવરણ ડહોળાય તેવી સ્થિતિ છે ત્યારે અત્યાર સુધીની અગાઉની ચૂંટણીમાં જેમ લોકશાહી ઢબે શાંતિથી અને તંદુરસ્ત સ્પર્ધા સાથે ચૂંટણીઓ પૂર્ણ થઈ હતી. હાલારના સુમેળભર્યા વાતાવરણને ચૂંટણી પ્રચાર કે ચૂંટણી સમયના મતમતાંતર કે મતભેદની અસર ચૂંટણી પછી થઈ નથી.

હાલ સોશ્યલ મિડીયામાં ગમે તેવા ટપોરીઓ મનફાવે તેવા ખોટા સમાચારો, વિડીયો મુકીને શાંતિભર્યા વાતાવરણને ડહોળે તેવી સ્થિતી છે. આ સંજોગોમાં અસામાજિક તત્વો ચૂંટણી પ્રક્રિયામાં હાવી ન થઈ જાય તે જોવાની આપણા સૌની ફરજ છે. સોશ્યલ મિડીયાના આવા દુષ્પ્રચાર સામે સૌએ સાવધાન રહેવાની જરૂર છે.

ચૂંટણી તો આવે ને જાય, હમણાં સાત તારીખે મતદાન પૂર્ણ થઈ જશે. પણ ત્યાર પછી સમગ્ર હાલારમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ તો જ જળવાશે, જ્યારે આવા સોશ્યલ મિડીયાના કડવાશ ફેલાવતા પ્રચારથી આપણે અળગા રહીશું.... હાલાર મોટું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે અને વધુ વિશાળ બની રહ્યું છે. ત્યારે એકબીજાની વચ્ચે એકતા, ભાઈચારો અને સોહાર્દ ભર્યું વાતાવરણ કાયમી જળવાઈ રહેવું જોઈએ.

આ મિડીયા મિલનમાં તેમણે સૌ પ્રતિનીધિઓને સૂચનો કરવા જણાવ્યું હતું. જેમાં રિલાયન્સના ઝુ અંગે તેમણે જણાવ્યું કે ઝુ માટે પ્રાણીઓ આવી ગયા છે અને તમામ જરૂરી મંજુરીઓ મળી ગઈ છે પ્રાણીઓ માટેની સુવિધાઓ અંગે કાર્યવાહી હવે અંતિમ ચરણમાં છે.

દ્વારકાનાં પંચકુઈ વિસ્તારમાં ભગવાનશ્રી કૃષ્ણની વિરાટ પ્રતિમા પ્રસ્થાપિત કરવાનું આયોજન છે. જામનગરમાં ઐતીહાસિક અને પૌરાણિક સુપ્રસિધ્ધ મંદિરોના જિર્ણાેધ્ધાર તથા તેના ઈતિહાસ અંગે રિલાયન્સ દ્વારા કાર્ય કરવામા આવશે.

જામનગરના રંગમતિ-નાગમિત નદીના રીવર ફ્રન્ટ મેગા પ્રોજેક્ટને રિલાયન્સ દ્વારા મૂર્તિમંત કરવામાં આવે તો જામનગરને એક મોટી ભેટ રિલાયન્સ તરફથી મળશે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગર-મુંબઈ વચ્ચે ફલાઈટની વધુ સુવિધા, વંદે ભારત ટ્રેનને સુરત સુધી લંબાવવા જેવા સૂચનો પણ મિડીયા પ્રતિનિધિઓએ રજુ કર્યા હતાં. તમામ સૂચનો પરિમલભાઈએ ખૂબ જ શાંતિથી સાંભળ્યા હતાં અને તેની નોંધ કરાવી આ સૂચનોના અમલ માટે ચોક્કસ પ્રયાસો કરીશ તેવી ખાત્રી આપી હતી. સોશ્યલ મિડીયાના ગેર ઉપયોગ સામે કડકમાં કડક સજાની જોગવાઈ સાથેનો કાયદો અમલમાં આવે તે માટે સંસદમાં રજુઆત કરીશ તેવી ખાત્રી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh