Advertisement
Author: નોબત સમાચાર

દશેરાના દિવસે ઘોડું દોડ્યું ખરૃં... ભારતીય ટીમના વિજયના વધામણાં...

આજે વિવિધ ક્ષેત્રોની ઘણી વાતો ચર્ચાઈ રહી છે, પરંતુ સૌથી વધુ ચર્ચા તો પાકિસ્તાન સામે ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં ભારતની ટીમે મેળવેલા શાનદાર વિજયની જ થઈ રહી છે. કોઈપણ ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ હોય કે વર્લ્ડકપ હોય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં ફાયનલ મેચ કરતા પણ વધુ રોમાંચ ભારત-પાકિસ્તાન સામસામે ટકરાય, તેમાં જ હોય છે, આ કારણે જ જે ટુર્નામેન્ટ કે વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન સામેલ હોય અને તેની પરસ્પર મેચ હોય, ત્યારે તેની અલગ ઢબે જ ચર્ચા થતી હોય છે. પાકિસ્તાન હવે ભાગ્યે જ ચેમ્પિયન્સ ટ્રોફીની સ્પર્ધામાં ટકી શકે તેમ હોવાથી તેની હવે પછીની મેચ માત્ર ફાર્મોલિટી બની રહેશે, તેમ કહેવાય છે. વિશ્લેષકો વર્ષ ર૦૧૭ ની ચેમ્પિયન ટ્રોફીનો બદલો ૬ વિકેટે જીતીને ટીમ ઈન્ડિયાએ લઈ લીધો હોવાના અભિપ્રાયો આપી રહ્યા છે, અને આજે ન્યુઝીલેન્ડ જીતે તો પાકિસ્તાન આ સ્પર્ધામાંથી બહાર થઈ જશે, તેવા તારણો કાઢવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગઈકાલે વિરાટ કોહલી મૂળ ફોર્મમાં આવી ગયો અને ટીમ ઈન્ડિયાનો વિજય વધુ નિશ્ચિત બનાવી દીધો, તેની સૌથી વધુ પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યાની કિંમતી રિસ્ટ વોચ પણ ક્રિકેટ રસિયાઓના ચર્ચાનો વિષય છે!

જામનગરમાં પણ પાકિસ્તાન સામે ભારતીય ટીમના વિજયની ઉજવણી થઈ અને ફટાકડા ફૂટ્યા તો રાજકોટ, અમદાવાદ, સુરત, ભરૂચ, ભૂજ, જૂનાગઢ, ઉપરાંત રાજ્યભરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ક્રિકેટ રસિયાઓ જ નહીં, પરંતુ અન્ય લોકોએ પણ જુદી જુદી રીતે ઉજવ્યો.

ટીમ ઈન્ડિયાના વિજયને નેતાઓએ પણ રાજકરણને બાજુ પર મૂકીને એક સૂરે વધાવ્યો અને રાહુલ ગાંધી, અમિત શાહ, મલ્લિકાર્જુન ખડગે, મમતાબેનર્જી પુષ્કરસિંહ ધામી સહિતના નેતાઓએ પણ ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીને અભિનંદન વરસાવ્યા છે. આજે સોશિયલ મીડિયામાં તો ટીમ ઈન્ડિયા અને ગઈકાલની મેચના વિજયમાં સહભાગી થયેલી આખી ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ખાસ કરીને 'વિરાટ' સદીની મૂકતકંઠે પ્રશંસા થઈ રહી છે.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું એક અલગ જ મહત્ત્વ પણ છે, જો કે વર્ષ ર૦૧૮ થી ર૦રપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે જુદી જુદી આંતરરાષ્ટ્રીય કક્ષાની ૬ વન-ડે ક્રિકેટ મેચ રમાઈ, તેમાં ક્યારેય પાકિસ્તાનની ટીમ જીતી શકી નથી.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા યોજાતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને ક્રિકેટના વર્લ્ડકપ પછીની સૌથી મોટી વૈશ્વિક ક્રિકેટ સ્પર્ધાત્મક શ્રેણી ગણવામાં આવે છે, જેથી તેને મીની વિશ્વકપ પણ ગણવામાં આવે છે.

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વર્ષ ૧૯૯૮ થી અત્યાર સુધીમાં દ. આફ્રિકા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને ભારત ચેમ્પિયન બન્યા છે, જ્યારે વર્ષ ર૦૦ર માં આ ટ્રોફી તે સમયના સંજોગો મુજબ ભારત અને શ્રીલંકાને સંયુક્ત રીતે મળી હતી. આ ઉપરાંત ભારત બે વખત રનર્સ-અપ એટલે કે દ્વિતીય ક્રમે પણ રહી હતી. દર બે વર્ષે યોજાતી આ સ્પર્ધાત્મક ટુર્નામેન્ટ દર બે વર્ષે યોજાય છે અને પ્રત્યેક સ્પર્ધાત્મક શ્રેણીની યજમાની અલગ-અલગ દેશ કરે છે. આ વખતે પાકિસ્તાન યજમાન છે, જો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચો યુએ (દુબઈ) માં યોજાતી હોય છે. ગઈકાલની વન-ડે ક્રિકેટ મેચ પણ દુબઈમાં યોજાઈ હતી. આજે બોલિવૂડ, ગોલિવૂડના દિગ્ગજો, ક્રિકેટ ઉપરાંત અન્ય ક્ષેત્રના ગોલ્ડમેડલિસ્ટો, સહિતના ખ્યાતનામ ખેલાડીઓ, સેલિબ્રિટીઝ અને ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્રના દિગ્ગજો દ્વારા પણ ભારતીય ટીમને અભિનંદન અપાઈ રહ્યા છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચમાં ભારતીયોનો જુસ્સો અને માત્ર ક્રિકેટરસિયા જ નહીં, અન્ય દેશવાસીઓની જનભાવનાઓ પણ દર્શાવે છે.

વર્ષ ર૦૧૭ માં આઈસીસી ચેમ્પીયન્સ ટ્રોફીની ફાયનલ મેચમાં ભારત અને પાકિસ્તાન ટકરાયા હતાં, ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. પાકિસ્તાને ચાર વિકેટે ૩૩૮ રન બનાવ્યા હતાં, જેની સામે ટીમ ઈન્ડિયા માત્ર ૩૦.૩ ઓવરમાં ૧પ૮ રને સમેટાઈ ગઈ હતી, અને પાકિસ્તાન ૧૮૦ રને જીત્યું હતું. તે સમયે સમગ્ર દેશના ક્રિકેટપ્રેમીઓમાં હતાશા ફેલાઈ ગઈ અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યો હતો. તે પછી પાકિસ્તાન જુદી જુદી ટુર્નામેન્ટોમાં અડધો ડઝન જેટલી વન-ડે ક્રિકેટ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું, પરંતુ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ પાકિસ્તાનને ૬ વિકેટે માત્ર ૪૩ ઓવરમાં જ હરાવીને ભારતે વિજય મેળવ્યો, તેથી વર્ષ ર૦૧૭ ની કારમી હારનું સાટુ વળી ગયું છે, ખરૃં કે નહીં?

હાર જીત કોઈપણ રમતનો એક ભાગ હોય છે, અને તેનો સહર્ષ સ્વીકાર કરવો જ પડે, પરંતુ ભારત અને પાકિસ્તાનનો બ્રિટિશ ઈન્ડિયા વખતે જે ટીમ હતી, તેમાંથી જ નીકળેલી સહોદર ટીમો છે, તે ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય ભાવનાઓ ભળી જતી હોવાથી હંમેશાં રોમાંચક બની રહેતી હોય છે, જો કે આ બન્ને પ્રતિસ્પર્ધી ટીમોના ખેલાડીઓ વચ્ચેના સંબંધો હંમેશાં મોટાભાગે ઉષ્માભર્યા જ રહ્યા છે. આવો, આપણે ટીમ ઈન્ડિયાના વિજયને વધાવીએ... પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ ભારતીય ક્રિકેટ ટીમને તથા સમયસર સદી ફટકારવા બદલ વિરાટ કોહલીને ખૂબ ખૂબ અભિનંદન... દશેરાના દિવસે ઘોડું દોડ્યું ખરૃં...!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh