Advertisement
Author: નોબત સમાચાર

એસઆઈઆરની કામગીરીથી કંટાળીને કોડિનારના શિક્ષકે આત્મહત્યા કરી લેતા અરેરાટીઃ આક્રોશ

સ્યુસાઈડ નોટમાં કર્યો ઉલ્લેખ

                                                                                                                                                                                                      

કોડિનાર તા. ૨૧: કોડિનારના શિક્ષકે એસઆઈઆરની કામગીરીથી કંટાળીને આપઘાત કરીને સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ કર્યો હોવાથી અરેરાટી ફેલાવા પામી છે. અને શિક્ષણ જગતમાં આક્રોશ ફેલાયો છે.

રાજ્યમાં શિક્ષણ જગતને હચમચાવી દેતી એક દુઃખદ ઘટના ગીર સોમનાથના કોડીનારમાં સામે આવી છે. ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ અને તણાવને કારણે એક શિક્ષકે આજે (૨૧ નવેમ્બર) ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કોડીનારના દેવળી ગામના વતની અને છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે જીવન ટૂંકાવ્યું છે.

મૃતક પાસેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે એસઆઈઆર (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) ની કામગીરીના તણાવનો ઉલ્લેખ કર્યો છે. અરવિંદભાઈ વાઢેર ૨૦૧૦થી શિક્ષક તરીકે સેવામાં હતા. હાલમાં શિક્ષકોને બીએલઓ (બુથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરી સોંપવામાં આવી છે. અરવિંદભાઈએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ એસઆઈઆરની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવને લીધે તેમણે આ પગલું ભર્યું છે. આ ઘટનાએ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને શિક્ષકો પર લાદવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

હાલની સ્થિતિ એવી છે કે, એસઆઈઆરની કામગીરીના કારણે બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે.'એસઆઈઆરની કામગીરીમાં શિક્ષકો જોતરાયેલા હોવાથી શાળાઓ સુમસામ ભાસી રહી છે અને શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે.'

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૩ દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ બીજી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહૃાો છે.

સંઘે આક્ષેપ કર્યો છે કે બીએલઓની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહૃાા છે. શિક્ષકોને ભણાવવાને બદલે અન્ય કામગીરીમાં જોતરી દેવાતા આવા ગંભીર પરિણામો આવી રહૃાા હોવાનું સંઘનું કહેવું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh