Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શ્રી કૃષ્ણની લીલા અપરંપાર છે. તેમણે મથુરા-ગોકુળથી દ્વારકા સુધીની અનેક લીલાઓ કરી છે. એટલું જ નહીં શ્રધ્ધાળુ ભક્તોને સમય સમય પર પોતાની ભક્તિનો ફળ પણ આપ્યું છે. ગામથી થોડે દૂર ભગવાન શ્રી કૃષ્ણની હવેલી હતી તેમાં ભક્તિદાસ નામના મુખ્યાજી સેવા કરે સામાન્ય રીતે વૈષ્ણવ સંપ્રદાયના ઠાકોરજીની સેવા-પૂજા કરનારને મુખ્યાજી કહેવામાં આવે છે. ભક્તિદાસ મુખ્યાને બચપણથી જ સેવાનો વળગણ હતું. તે સાચા દયથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરે. તેમને જે ભોગ ધરે તેમાંથી જે પ્રદાસરૂપે પ્રાપ્ત થાય તે ગ્રહણ કરી જીવન નિર્વાહ ચલાવે પરંતુ ભક્તિદાસ નાના હતા ત્યારે જ હવેલી ગામથી થોડે દૂર અને કર્મ સંજોગે એક દિવસ એવું વાતાવરણ સર્જાયું કે ધોધમાર વરસાદ અને વીજળીના જબકારા અને વાદળોની ગર્જના. ભક્તિદાસ તો ગભરાયા રાત્રીનો સમય હતો. ભગવાન પણ પોઢી ગયા હતા બહુ ગભરાયેલા એ બાળક ભક્તિદાસે પોઢી રહેલા ભગવાનના ચરણ પકડી લીધા અને રડવા લાગ્યા અને ઠાકોરજીને કહે છે. "હે નાથ મને બહુ ડર લાગે છે તમે જલ્દી જાગો અને મારી સાથે બેસો નહિંતર હું તો ડરના મારે ક્યાંક આમને આમ મરી જ જઇશ." ઠાકોરજીને બહુ કાલાવાલા કર્યા. એક નિર્દોષ બાળકની પ્રાર્થના સાંભળી આખરે ઠાકોરજીને પણ દયા આવી અને ઠાકોરજી સાક્ષાત જાગી ગયા અને ભક્તિદાસને કહે છે, "બેટા તું જરાય ડર નહીં હું તારી સાથે જ છું. ચાલ આપણે બેસીને વાતો કરીએ.
નિર્દોષ એવા ભક્તિદાસ સાથે ભગવાને વાતો કરી ત્યારે ભક્તિદાસ ભગવાનની વાતો સાંભળતા સાંભળતા ઊંઘી ગયો. પછી તો બન્નેને વાતો કરવાનો નિત્ય ક્રમ થઇ ગયો. ભગવાન શ્રી કૃષ્ણ અને ભક્ત ભક્તિદાસ વચ્ચે બન્ને એકલા પડે એટલે વાર્તાલાપ ચાલતો જ હોય. દિવસે દિવસે ભક્તિદાસ મોટા થવા લાગ્યા. આ નિત્ય ક્રમની વાતચીત એકવાર હવેલીએ ઠાકોરજી માટે ફૂલ પહોંચાડવા જતાં એક ભક્તએ સાંભળી અને તે પણ ખૂબ આશ્ચર્યમાં પડી ગયો. તેણે ગામમાં આવીને આ વાત ગામ લોકોને કહી. પરંતુ ગામમાં તો બધા પ્રકારના લોકો મળે. મોટાભાગના લોકોએ ભક્ત ભક્તિદાસની ભગવાન શ્રી કૃષ્ણ સાથે વાતો કરવાની ઘટનાને હસી કાઢી પરંતુ ગામમાં રહેતી અને દૂધ-ઘીનો વેપાર કરતી લીલાએ આ વાત સાંભળી. લીલાએ આ વાતને ગંભીરતાથી લીધી. કારણ કે તેને ભક્તિદાસ મુખ્યાજીનો ચહેરો જોયો હતો. તેના ચહેરાનો તેજ તે ભૂલી જ ન હતી. તે તેજસ્વીતા જ બતાવી આપતી હતી કે "ભગવાનની તેના પર પરમ કૃપા છે." તેણે એ વાતને પોતાના હૃદયમાં રાખી વળી પોતે પણ ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત હતી. તેણે ભગવાન શ્રી કૃષ્ણમાં અપાર શ્રધ્ધા હતી. પરંતુ તે પોતાના ઘરકામ અને દહીં-દૂધ- છાશ-ઘીના વેપારમાં સતત વ્યસ્ત રહેતી તેથી તે દરરોજ તે હવેલીમાં દર્શન કરવા પણ જઈ ન શકતી. એકવાર ભગવાન શ્રી કૃષ્ણને રાજભોગમાં માખણ ખાવાની ઇચ્છા થઇ.
આમ, ભગવાનને માખણ ખૂબ જ પ્રિય હતું. તે વાત મુખ્યાજી ભક્તિદાસ બરોબર જાણતા હતા. તેથી તે ભગવાન માટે દરરોજ માખણ રાખતા અને આજે રાજભોગમાં માખણ ન હતું અને ભગવાને મુખ્યાજી પાસે માંગણી મૂકી, "અલ્યા ભક્તિદાસ આજે રાજભોગમાં માખણ કેમ નથી ? મારે માખણ ખાવું છે." ભક્તિદાસ મુંઝાયા અને કહેવા લાગ્યા, "આજે પણ મેં હંમેશની જેમ જ તમારા માટે માખણ રાખેલું પરંતુ તે માખણ તોફાની ઉંદરડાઓ એ ઢોળી નાખ્યું છે તેથી આજે રાજભોગમાં મેં માખણ મૂક્યું નથી." "પરંતુ ભક્તિદાસ તને ખરું કહું ? મને આજે માખણ ખાવાની તીવ્ર ઇચ્છા છે. ગમે તે થાય તું ગમે ત્યાંથી પણ મારા માટે માખણ લાવી આપ હું માખણ આરોગીશ ત્યારે જ મને નિરાંત વળશે અને રાજભોગ આરોગ્યાનો સાચો આનંદ આવશે." ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. ભક્તિદાસ મુખ્યાજીએ પણ ઠાકોરજીની આજ્ઞાને માથે ચડાવી, વાટકો લઈ અને નિકળી પડ્યા ગામમાંથી માખણ લેવા. ભક્તિદાસ ગામમાં પહોંચ્યા અને ઘેર ઘેર ફરે છે પરંતુ ક્યાંય માખણ મળતું નથી. કોઇએ માખણને તપાવી અને ઘી બનાવી નાખ્યું હતું તો કોઇએ માખણ જમવામાં લઇ લીધું હતું. આખું ગામ ભક્તિદાસ ફર્યા પરંતુ ક્યાંયથી માખણનો મેળ પડ્યો નથી આથી તે નિરાશ થઈ ગયા અને તેમનું મગજ ભમી ગયું કે, " આજે મારા નાથને જમવામાં માખણ જોઇએ છે અને ગામમાં ક્યાંય માખણ નથી. હવે શું મોટું લઈ અને ઠાકોરજી પાસે જઇશ."
આમ, ચિંતામાં ને ચિંતામાં તે વગડા તરફ નદી તરફ જવા લાગ્યા. ત્યાં ભક્તિદાસ મુખ્યાજીને હાથમાં વાટકો લઇ ફરતા જોઇ લીલાએ પ્રશ્ન કર્યો, " આ વાટકો લઇ અને ક્યાં ચાલ્યા ? વળી, પરસેવે નાહી રહ્યા છો તે શું ચિંતામાં પડી ગયા ? અને બહારા થઇ ને ફરો છો ? " ભક્તિદાસ મુખ્યાજી કહે છે "આજે ઠાકોરજીને રાજભોગમાં માખણ આરોગવું છે અને મારા નસીબ માઠા ચાલતા લાગે છે તેથી ક્યાંથી માખણનો મેળ પડતો નથી. "માખણ તમને હું આપું પણ બદલામાં હું માંગુ તે આપશો ?" લીલાએ મુખ્યાજીને પ્રશ્ન કર્યો. ભક્તિદાસ કહે છે, "તને રૂપિયા, અનાજ જે કાંઇ પણ જોઇતું હોય તે આપવા તૈયાર છું. જો તું મને ઠાકોરજી માટે માખણ આપતી હોય તો તું માંગે તે આપીશ." લીલા કહે છે, "માખણના બદલામાં મને રૂપિયા કે અનાજ નથી જોઇતું" તો ભક્તિદાસ પૂછે છે, "મને તમે આ નદીમાંથી જળ લઇ અને વચન આપો કે તમે મને મારા જીવનના અંત પછી ગૌલોકમાં સ્થાન અપાવશો."
લીલા બોલી. ભક્તિદાસ વિચાર કરે છે જો માખણ નહીં લઇ જાઉં તો ભગવાન નારાજ થઈ જશે અને માખણ લઉં અને ગૌલોક વાસનું વચન આપી દઇશ તો ભગવાન નારાજ થઇ જશે તો....? પછી ભક્તિદાસે નક્કી કરી લીધું "ભલે ભગવાન નારાજ થઇ જાય પણ માખણ લઇને જ જવું." પાણી જમણા હાથમાં લઇ ભક્તિદાસ લીલા દૂધવાળીને વચન આપે છે કે, "હું તને ગૌલોકમાં સ્થાન અપાવીશ" આ પ્રમાણે લીલાને વચન આપી માખણ લઈ અને જલ્દી એ તો પહોંચ્યા હવેલીએ પછી ઠાકોરજીની ક્ષમા માંગી અને કહ્યું , "હે નાથ...ક્ષમા કરશો માખણ લેવામાં થોડું મોડું થઇ ગયું અને બીજું કે હું જરા વિચિત્ર સોદો કરીને આવ્યો છું તે બદલ પણ તમારી ક્ષમા માંગુ છું કે તમારી રજા વિના આ સોદો કરી આવ્યો. વાત જાણે એમ છે કે ગામ આખાયમાં ક્યાંય માખણ ન મળ્યું તેથી મારું તો મગજ જ ભમી ગયું પરંતુ જયારે લીલા દૂધવાળી મળી અને તેની પાસે માખણ હતું પરંતુ તેણે માખણના બદલે રૂપિયા કે અનાજ ન લેતા જીવનના અંતે ગૌલોક મળે તે માટે માંગણી મૂકેલી તેને મંજુર રાખી અને મેં તેને તેનું વચન પણ આપી દીધું છે હવે....?"
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "એ સોદો કાંઇ મોંગો નથી વળી, એ લીલા પણ મારી પરમ ભક્ત છે તે સતત કામકાજ કરતા મારું સ્મરણ કર્યા કરે છે. તેની આત્માનુંય મારે કલ્યાણ તો કરવો પડશે ને ? ને તું તો મારો નિઝામી ભક્ત છે આજદી સુધી તે મારી ખૂબ જ સેવા કરી છે માટે હું તો તારા બંધનમાં છું. હું જાણું છું કે, તારા અને મારા વચ્ચેના પ્રેમમાં કોઇ ભાગ ન પાડી જાય એટલે જ તે લગ્ન પણ નથી કર્યા. માટે ભક્તિદાસ આજના આ માખણના સોદા માટે તું કાંઇ ચિંતા ન કરજે." મુખ્યાજી ભક્તિદાસ કહે છે "પ્રભુ હવે તમે વાતો કરવાનું રહેવાદો અને રાજભોગ આરોગો આમે ખૂબ જ મોડું થઇ ગયું છે અને તમને ભુખ પણ બહુ લાગી હશે." ભગવાન ફરી હસ્યા અને કહેવા લાગ્યા, " તું પણ આજે ખૂબ ભૂખ્યો થયો છે ચાલ મારી સાથે જ જમવા બેસી જાને ! ?" ભક્તિદાસ કહે છે "ના,નાથ પહેલા તમે જમો પછી તમારું વધેલું હું જમીશ વળી, તમે તો સાક્ષાત પરમાત્મા છો તમારી સાથે કે બેસીને મારાથી કેમ જમાય ? "પછી ભગવાન શ્રી કૃષ્ણ જમવા લાગ્યા. તેમણે જમી લીધું પછી ભક્તિદાસ પણ જમ્યા. આ વાતને વરસો નિકળી ગયા. એક દિવસ લીલાના શરીરમાંથી આત્માને મૂક્ત થવાનો સમય આવી ગયો. યમના દૂતો તેનો આત્મા લેવા આવ્યા. પરંતુ કેમે કરી અને તેની આત્માને પકડી શકતા નથી. આથી તે દુતો મારાજા પાસે ગયા અને સઘળી હકીકત કહી સંભળાવી.
યમરાજા આ ઘટના સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. પછી પોતે ધ્યાન ધરી અને જોયું કે, "આમ કેમ થાય છે ?" ત્યારે ધ્યાનમાં જોવા મળ્યું કે, "મુખ્યાજી ભકિતદાસે વચન આપ્યું હોઇ આનો આત્માતો ગૌલોકમાં જશે." તેથી તે તરત જ ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગૌલોકમાં ગયા અને યમરાજા ભગવાનને પગે લાગી અને કહે છે, "પ્રભુ તમારો ભક્ત મારા કામમાં વિઘ્ન નાખી રહ્યો છે. લીલા નામની એક દુધવાળીને તેણે એક એવું વચન આપ્યું છે તેના કારણે અમે તેના આત્માને લઇ શકતા નથી." ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યમરાજાને સાંત્વના આપતા કહ્યું, "એ લીલા પણ મારી ભક્ત છે અને ભક્તિદાસ તો મારો એવો પરમ ભક્ત છે કે તેની નિષ્કામ ભક્તિ વડે તો હું તેની સાથે બંધાયેલો છું માટે મારા ભક્ત એવા ભક્તિદાસે જે વચન આપ્યું છે તેમ જ થશે. હું કોઇના ભાગ્યને નથી પલટાવી શકતો પરંતુ મારા પરમ ભક્ત હોય તે ભાગ્યને પણ પલટાવી શકે છે. તે તો આખું જગત જાણે છે માટે આ વાત ધ્યાને રાખો."
આમ કહી અને ભગવાન શ્રી કૃષ્ણ તુરંત ભક્તિદાસ પાસે ગયા અને તેને આજ્ઞા આપી કે, "તું પેલી લીલા દૂધવાળી પાસે જા અને મારી જારીમાંથી વધેલું જળ તેને પીવડાવ એટલે તેને ગૌલોકમાં પ્રવેશ મળી જશે." કહી ભગવાન અંતર ધ્યાન થઇ ગયા. ભક્તિદાસ મુખ્યાજી પણ તુરંત લીલા દૂધવાળીને ઘેર ગયા અને તેને ઠાકોરજીની જારીનું જળ પીવડાવ્યું અને લીલા દૂધવાળીનું આત્મા દેહને છોડી ગૌલોકમાં પ્રવેશ મેળવ્યો.
:: આજનું ભજન ::
ધન્ય આજની ઘડી રળીયામણી,
હારે મારો વ્હાલોજી પધાર્યાની વધામણી હોજી...ધન્ય...
હારે હુંતો કદલીના સ્તંભ રોપાવતી,
હારે મારા વ્હાલાજીનો મંડપ રચાવતી હોજીરે...ધન્ય...
હારે પૂરે પૂરે સોહાગણ સાથિયો,
હારે જેમ મલપતો આવે હરિ હાથયો હોજીરે...ધન્ય...
હારે હું તો મોતીડાના ચોક પૂરવતી,
હારે મારા વ્હાલાજીની આરતી ઉતારતી હોજીરે...ધન્ય...
હારે હુંતો ફૂલડાની સેજ બિછાવતી,
હારે મારા વ્હાલીડાના ફૂલડે વધાવતી હોજી રે...ધન્ય...
હારે હું તો જાઉ શ્રી વલ્લભજીને વારણે,
હારે મહેતા "નરસૈયા" નો
સ્વામી ઉભો બારણે હોજીરે...ધન્ય...
સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial