Advertisement
Author: નોબત સમાચાર

સગાઈમાં જતાં મેમાણાના પરિવારને અકસ્માતઃ એકનું મૃત્યુ

આઈશરનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માતઃ ચાલીસેક વ્યક્તિને ઈજાઃ વીસને જામનગર ખસેડવામાં આવ્યાઃ

ખંભાળિયા તા. ૧૫ઃ લાલપુરના મેમાણા ગામથી એક ભરવાડ પરિવારના પચ્ચાસેક જેટલા વ્યક્તિઓ ભાણવડના ભેનકવડ ગામે સગાઈમાં જવા માટે આજે સવારે આઈશરમાં રંગેચંગે રવાના થયા પછી તે વાહનનું ટાયર ફાટતાં ધારાગઢના પાટિયા પાસે તે વાહન રોડ ઉતરી ગયું હતું. આ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું છે અને ચાલીસેક જેટલા વ્યક્તિને ઈજા થઈ છે તેમાંથી વીસને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માતની વધુ વિગત મુજબ લાલ૫ુર તાલુકાના મેમાણા ગામના ભરવાડ પરિવારના એક યુવકની દેવભૂમિ દ્વારકા જિલ્લના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામમાં સગાઈ નક્કી કરવામાં આવી હતી. સગાઈ માટે આજનો દિવસ બંને પરિવારે નક્કી કર્યાે હતો.

ત્યારપછી આજે સવારે સાતેક વાગ્યે મેમાણાથી ભરવાડ પરિવારના વ્યક્તિઓ ભારે ઉત્સાહથી ભેનકવડ જવા માટે ૪૫૪૬ નંબરના આઈશરમાં રવાના થયા હતા.

આ પરિવારના પચ્ચાસેક જેટલા વ્યક્તિઓ તે આઈશરમાં બેઠા પછી રંગેચંગે રવાના થયા હતા. તે આઈશર ત્રણ પાટિયા નજીક ધારાગઢ પાસે પહોંચ્યું ત્યારે કોઈ કારણથી તેનું ડ્રાઈવર સાઈડનું આગળનું ટાયર ફાટતા આઈશરચાલકના કાબુ બહાર જઈ રોડ પર ફંગોળાયા પછી રોડ ઉતરી ગયું હતું.

આવી રીતે અચાનક જ ટાયર ફાટતા અને અકસ્માત સર્જાતા ધોરીમાર્ગ માનવ ચીસોથી ગાજી ઉઠ્યો હતો. ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો ફટાફટ ઉભા રહેવા માંડ્યા હતા. તેમાંથી ઉતરેલા લોકોએ બચાવ કામગીરી શરૃ કરી હતી. તે દરમિયાન ૧૦૮ તથા ભાણવડ પોલીસનો કાફલો પણ બનાવના સ્થળે આવી પહોંચ્યો હતો. આઈશરના ઠાઠામાંથી ઈજાગ્રસ્તોને વારાફરતી નીચે ઉતારવાનું શરૃ કરાયંુ હતું. જેમાં અંદાજે ચાલીસેક જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જે દવાખાનુ નજીક પડે ત્યાં ખસેડવાની શરૃ થયેલી કાર્યવાહી દરમિયાન વીસ જેટલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. સ્થળ પર ૧૦૮ તેમજ ખાનગી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો સેવામાં જોતરી દેવામાં આવ્યા હતા.

અકસ્માતમાં આઈશરમાં મુસાફરી કરી રહેલા ભરવાડ પરિવારના માલાભાઈ હમીરભાઈ ઝુંઝા (ઉ.વ.૪૮) નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. ભાણવડના પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જે ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે તેમાં મેમાણા ગામના દેવીબેન નારણભાઈ, રાજીબેન ભાવેશભાઈ, પેથાભાઈ બાબુભાઈ, ઘેલાભાઈ રવાભાઈ, સામતભાઈ હમીરભાઈ, પુંજીબેન જીવણભાઈ વગેરેનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ જી.જી. હોસ્પિટલમાં પણ કોઈપણ ઈજાગ્રસ્તો આવે તો તેને તાત્કાલિક સારવાર મળી શકે તેવી વ્યવસ્થા તાકીદે ઉભી કરવામાં આવી હતી. સગાઈ પ્રસંગે જઈ રહેલા પરિવારજનોને આવી રીતે માર્ગમાં અકસ્માત થતાં અને એક યુવાનનું મૃત્યુ નિપજતા મેમાણા ગામમાં ગમગીની પ્રસરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh