Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમ કોર્ટે કહ્યું, 'મોટુ ડોનેશન છૂપાવવું ગેરબંધરણિય'ઃ મતદારોને આ વિગતો જાણવાનો અધિકારઃ ચૂંટણીપંચ-એસબીઆઈને વિવિધ આદેશોઃ પાર્ટીઓ પાસેથી માંગ્યો જવાબ
નવી દિલ્હી તા. ૧પઃ ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણિય ઠરાવી સુપ્રિમે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ લગાવ્યો છે અને ૬ માર્ચ સુધીમાં પાર્ટીઓ હિસાબ આપે તેમ જણાવી કહ્યું છે કે, મતદારોએ વિગતો જાણવા પૂરેપૂરો અધિકાર છે.
સુપ્રિમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપતા કહ્યું હતું કે, મોટી રકમના ડોનેશનને છૂપાવવા એ ગેરબંધારણિય છે. સરકારને પૈસા ક્યાંથી મળે છે એ પણ જાણવાનો અધિકાર છે. ચૂંટણી બોન્ડ પર અમે રોક લગાવી રહ્યા છીએ. પાર્ટીઓને ૬ માર્ચ સુધીમાં હિસાબ આપવાનો પણ સુપ્રિમે આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
ઈલેક્ટોરલ બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતા સુપ્રિમ કોર્ટે એસબીઆઈને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કરે. તેના માટે ૬ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એસબીઆઈને ર૦૧૯ થી અત્યાર સુધીની તમામ જાણકારી જાહેર કરવા કહેવામાં આવ્યું છે.
આ સાથે સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને પણ ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારીઓ તેની વેબસાઈટ પર અપડેટ કરવા કહેવામાં આવ્યું છે. એસબીઆઈને કહેવાયું છે કે તે ચૂંટણી બોન્ડની જાણકારી ૩ અઠવાડિયામાં ચૂંટણી પંચ સાથે શેર કરે. ઉલ્લેખનિય છે કે, ચૂંટણી બોન્ડને ગેરબંધારણિય અને આરટીઆઈનું ઉલ્લંઘન કરનારૃં જાહેર કરતા પાંચ જજોની બેન્ચે આ ચૂકાદો સંભળાવ્યો હતો.
સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું કે જે બોન્ડ કેશ નથી થતા તેને પાછા લઈ લેવામાં આવે. ચૂંટણીપંચને પણ ૧૩ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ડેડલાઈન સુધીમાં ચૂંટણીપંચે તેની વેબસાઈટ પર ચૂંટણી બોન્ડને લગતી તમામ માહિતીઓ એસબીઆઈ પાસેથી મેળવીને અપલોડ કરવાની રહેશે. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, લોકોને એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષોને કોણે અને કેટલું ડોનેશન આપ્યું? સુપ્રિમ કોર્ટનો આ ચૂકાદો કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે, પ જજોની બેન્ચે સર્વસંમતિથી ચૂકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું, 'પોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો મહત્ત્વપૂર્ણ એકમ છે. રાજકીય ભંડોળની માહિતી, તે એવી પ્રક્રિયા છે જેના દ્વારા મતદારને પોતાનો મત આપવા માટે યોગ્ય પસંદગી મળે છે. મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે, જેનાથી મતદાન માટે યોગ્ય પસંદગી કરવામાં આવે છે.' સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ત્રણ દિવસની સુનાવણી પછી ર નવેમ્બર ર૦ર૩ ના આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
સુનાવણીમાં કોર્ટે પક્ષકારોને મળેલા ફંડીંગના ડેટાને જાળવી ન રાખવા બદલ ચૂંટણીપંચ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે પંચને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં રાજકીય પક્ષોને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલીક રકમ મળી છે તેની માહિતી વહેલી તકે આપવા જણાવ્યું હતું.
સીજેઆઈ ડી.વાય. ચંદ્રચૂડે સરકારને પૂછ્યું હતું કે ચૂંટણી બોન્ડની શું જરૃર છે. સરકારને તો ખબર જ છે કે તેમને કોણ દાન આપી રહ્યું છે. ઈલક્ટોરલ બોન્ડ મળતાની સાથે જ પાર્ટીને ખબર પડે છે કે કોણે કેટલું દાન આપ્યું છે.
આ અંગે સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સરકાર એ જાણવા નથી માંગતી કે કોણે કેટલા રૃપિયા દાનમાં આપ્યા હતાં. દાતા પોતે પોતાની ઓળખ છૂપાવવા માંગે છે, તે ઈચ્છતા નથી કે અન્ય કોઈ પક્ષને તેની જાણ થાય. જો હું કોંગ્રેસને દાન આપી રહ્યો છું, તો હું ઈચ્છતો નથી કે ભાજપને તેની ખબર પડે.
મુખ્ય ન્યાયાધી ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બીઆર ગવઈ, ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની બેન્ચ દ્વારા ચૂંટણી બોન્ડની માન્યતાની સુનાવણી કરવામાં આવી રહી છે. આ અંગે ચાર પિટિશન દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સીપીએમનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર વેંકટરામણી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સુપ્રિમ કોર્ટમાં હાજર થયા હતાં. અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતાં.
એ પણ ઉલ્લેખનિય છે કે, ર૦૧૭ ના બજેટમાં તત્કાલિન નાણામંત્રી અરૃણ જેટલીએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રજૂ કરી હતી. કેન્દ્ર સરકારે ર૯ જાન્યુઆરી ર૦૧૮ ના તેને નોટીફાઈ કર્યું. આ એક પ્રકારની પ્રેમિસરી નોટ છે. જેને બેંક નોટ પણ કહેવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક કે કંપની તેને ખરીદી શકે છે. બોન્ડ ખરીદનાર રૃા. ૧,૦૦૦ થી રૃા. ૧ કરોડ સુધીના બોન્ડ ખરીદી શકે છે. ખરીદનારે તેની સંપૂર્ણ કેવાયસી વિગતો બેંકને આપવી પડશે. જે પક્ષને ખરીદનાર આ બોન્ડ દાન કરવા માંગે છે તેને છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા ૧% વોટ મળેલ હોવા જોઈએ. દાતાએ બોન્ડ દાન કર્યાના ૧પ દિવસની અંદર, તેને પક્ષ દ્વારા ચૂંટણી પંચ દ્વારા વેરિફાઈડ બેંક ખાતા દ્વારા રોકડ કરાવવાનું રહેશે.
ર૦૧૭ માં તેને રજૂ કરતી વખતે, અરૃણ જેટલીએ દાવો કર્યો હતો કે તે રાજકીય પક્ષોના ભંડોળ અને ચૂંટણી પ્રણાલીમાં પારદર્શિતા લાવશે. કાળા નાણા પર અંકુશ આવશે. બીજી તરફ તેનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે, ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનાર વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવતી નથી, જેના કારણે તેઓ ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ કરવાનું માધ્યમ બની શકે છે. કેટલાક લોકોનો આરોપ છે કે આ સ્કીમ મોટા કોર્પોરેટ હાઉસને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી છે. આની મદદથી આ પરિવારો પોતાની ઓળખ જાહેર કર્યા વિના રાજકીય પક્ષોને ગમે તેટલા રૃપિયા દાન કરી શકે છે.
v