Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કર્યા પછી મામલો જાહેર થયોઃ યુવતી સહિત ત્રણ સામે ગુન્હોઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના એક યુવકને સવા બે વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિણીતાનો સંપર્ક થયા પછી તેણીએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો. બંને વચ્ચે શરીરસંબંધ બંધાયા પછી આ યુવતીએ પોતાના પતિ તથા પિતરાઈ ભાઈ સાથે મળી બ્લેકમેઈલીંગ શરૃ કર્યું હતું. ફસાઈ ગયેલા યુવકે રૃા.૧,૮૩,૫૦૦ ચૂકવ્યા પછી પણ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરતા યુવક જેલમાં ધકેલાઈ ગયો છે. તે પછી પરિવાર સાથે પેટછૂટી વાત કરાતા હનીટ્રેપનો આ મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવકના કાકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હનીટ્રેપના આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ જામનગરના ખંભાળિયા નાકા બહારના એક વિસ્તારમાં રહેતા લવરમુછિયા યુવાનને સવા બેએક વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક યુવતીનો પરિચય થવા પામ્યો હતો. બંને વચ્ચે મેસેજના માધ્યમથી વાત શરૃ થઈ હતી.
તે પછી આ યુવાનની સાથે તે યુવતીએ ફોન પર વાત કરી પરિચય ગાઢ બનાવ્યો હતો. વાત વાતમાં આ યુવતીએ પોતે વડોદરાની રહેવાસી હોવાનું અને હાલમાં જામનગરમાં લગ્ન કરીને રહેતી હોવાનું જણાવ્યંુ હતું. તે યુવતીએ સપ્ટેમ્બર ૨૦૨૨થી વાતચીતનો દૌર ગાઢ બનાવ્યો હતો અને તે યુવક સાથે પ્રેમમાં પડી ગઈ હોવાનો ડોળ શરૃ કર્યાે હતો. બંને વચ્ચે મુલાકાતનો દૌર આરંભાયા પછી શરીરસંબંધ પણ બંધાયો હતો. આ યુવતીના મેલા ઈરાદાથી અજાણ રહેલા આ યુવકને થોડા જ દિવસોમાં અને ધીમે ધીમે પરિસ્થિતિનો અંદાજ આવવા માંડ્યો હતો. આ યુવતીએ આપણા સંબંધની મારા પતિને જાણ થઈ ગઈ છે તેવો ઘટસ્ફોટ કરતા આ યુવક હેબતાયો હતો.
તે પછી આ યુવતીના પતિ સાથે તે યુવકનો સંપર્ક થવા પામ્યો હતો. પરિણીતા સાથેના પ્રેમસંબંધના કારણે હો-હલ્લો થવાની અને સમાજમાં બદનામી થવાની ભીતિ વચ્ચે આ યુવક તેણીના પતિને મળ્યો હતો. તે પછી આ શખ્સ અને તે યુવકની કહેવાતી પ્રેમીકાએ પોત પ્રકાશવાનું શરૃ કર્યુુ હતું.
કહેવાતી પ્રેમીકાએ હવે મારા પતિને ખબર પડી ગઈ છે તેથી થોડા ઘણા પૈસા આપી દો તો મામલો દબાઈ જશે તેમ કહેતા હેબતાઈ ગયેલા યુવકે જુદા જુદા સમયે રૃા.૫ હજાર, રૃા.૧૦ હજાર એમ કરીને પૈસા આપવાનું શરૃ કર્યું હતું. આ સિલસિલો શરૃ થઈ ગયા પછી જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૫૫માં રહેતા અન્ય એક શખ્સની આ મામલામાં એન્ટ્રી થઈ હતી. તે શખ્સ આ યુવતીનો પિતરાઈ ભાઈ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે. કહેવાતી પ્રેમીકા, પતિ તથા આ શખ્સે તે યુવકને બ્લેકમેઈલ કરવાનું શરૃ કરી પૈસા ન મળે તો ધાકધમકી પણ આપી હતી.
આ મામલા વચ્ચે ત્રણેક મહિના પહેલાં યુવકે પોતાના કેટલાક મિત્રો તથા સંબંધીને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચે તેવી શક્યતાઓ ઉભી થઈ હતી. તેથી સમાધાન માટે કુણું વલણ (!) રાખી તે યુવતીએ એકસાથે પૈસા આપી દેવાનું કહેતા અમૂક રકમનો ચેક અપાયો હતો. તે પછી પણ મામલો પૂર્ણ થયો ન હતો અને વધુ પૈસાની માગણી કરાઈ રહી હતી. કટકે કટકે રૃા.૧ લાખ ૮૩,૫૦૦ ચૂકવી દીધા પછી પણ કહેવાતી પ્રેમીકાએ અને તેના પતિ અને તેના સાગરિતે પીછો ન છોડતા આ યુવક નાસી પાસ થયો હતો. તે દરમિયાન જ ગયા સપ્તાહે આ યુવતીએ જામનગર શહેરના પોલીસ મથકમાં દુષ્કર્મ ગુજારવા અંગે યુવક સામે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. તે દરમિયાન આ મામલો પોલીસ મથકે જશે તો પોતાને તકલીફ પડી શકે છે તેમ માની આ યુવતીના પતિએ છૂટાછેડા મેળવવા તજવીજ કરી હતી તેમાં પણ આ શખ્સે વડોદરાની યુવતીએ પોતાની સાથે આવી જ રીતે કર્યાનું જણાવ્યું હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે!!
દુષ્કર્મના ગુન્હામાં સંડોવાયા પછી ધરપકડ પામેલા આ યુવકને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તે પછી તેના પરિવારને સંપૂર્ણ વિગતોની જાણ થતાં ગઈકાલે આ યુવકના કાકાએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૬, ૫૦૬ (ર), ૨૧૧, ૩૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે. પીઆઈ એન.એ. ચાવડાએ તપાસ શરૃ કરી છે.
સોશિયલ મીડિયાએ સર્જયો વધુ એક કાંડઃ વાલીવર્ગમાં ચિંતાની લાગણી
હાલમાં સોશિયલ મીડિયાના વધેલા વ્યાપ વચ્ચે છેતરપિંડી તેમજ આવી રીતે પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલીંગ કરવાના બનાવો વધતા જઈ રહ્યા છે. આવા બનાવો સમાજને લાલબત્તી ધરી રહ્યા છે. અત્યાર સુધી મોબાઈલ વપરાશનું ઉપકરણ હતો તે હવે શોખ અને એક આદત તરીકે યુવાવર્ગમાં વપરાઈ રહ્યો છે. તે બાબત ભારે ચિંતા પ્રેરક બની છે. હનીટ્રેપના આ બનાવમાં ફસાયેલા યુવકે ફેસબુકથી જ તે યુવતીનો સંપર્ક સધાયો હોવાનું જણાવ્યું છે અને તે પછી યુવતીની મધમીઠી વાતોમાં આવી જઈ હાલમાં આ યુવક જેલના સળીયા ગણી રહ્યો છે. આવા બનાવો કઈ રીતે બનતા અટકશે તે વિચાર પણ થઈ શકતો નથી. યુવાવર્ગે જાતે જ તે માટે અવેરનેસ કેળવવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial