Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણનો પહેલો સોમવાર... ઉજવણીઓનો ત્રિવેણી સંગમ... 'ઓનલાઈન' ક્રાંતિના મંડાણ?

                                                                                                                                                                                                      

આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, અને દેશભરમાં શિવભક્તિની ગૂંજ છે. બીજી તરફ દેશભરમાં આન-બાન-શાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન થઈ છે, બીજી તરફ જામનગરમાં પણ આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમોમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો, અને ઐતિહાસિક, દર્શનીય અને સરકારી સંકુલો તથા નાગરિકો દ્વારા ઘરો-દુકાનો-ફેક્ટરીઓ ત્રિવેણી રોશનીથી ઝળહળી ઊઠી હતી, તો ધર્મસ્થળોમાં પણ ત્રિરંગા સુશોભનો અને રોશનીથી અનોખી ગૌરશાળી આભાર ઊભી કરી રહ્યા હતાં. હજુ પણ આજે હર-ઘર તિરંગા અભિયાન હેઠળ ઘેર-ઘેર તિરંગો લ્હેરાઈ રહ્યો છે.

દેશભરમાં મંદિરો, મસ્જિદો, ચર્ચો, ગુરુદ્વારાઓ, બૌદ્ધ મઠો, પારસીઓના પાવન સ્થળો, આશ્રમો, દરગાહો, ઉપાશ્રયો સહિત ઠેર ઠેર ત્રિરંગો લ્હેરાયો અને તેમાં દેશની એક્તા, અખંડિતતા અને નેશન ફર્સ્ટની ભાવના ઝળકી. એટલું નહીં, ભારતના સ્વાતંત્ર્ય દિનના આગલા દિવસે શેખીબાજ શહબાજ શરીફની ધમકીનો જવાબ જાણે ભારતની જનતાએ જ આપી દીધો. ભારત એક, અખંડ અને એકજુથ છે, અને તેને પડકરવાની શેખી ભારે પડવાની છે તેવા સંકેતો ભારતના રાજકીય પક્ષોએ પણ પાકિસ્તાનને આપી દીધા છે.

દર વર્ષે આ સમયગાળામાં દેશભક્તિ અને ઈશભક્તિનો અનોખો સંગમ રચાય છે. શ્રાવણ મહિનામાં શિવ અને પાર્વતીજી પૃથ્વીલોકમાં નિવાસ કરે છે, તેથી શિવજીના ભક્તોનો ભક્તિમય ઉત્સાહ અનેકગણો વધી જતો હોય છે, તેમાં પણ સોમવારે જલાભિષેક, રૂદ્રાભિષેક, યજ્ઞો તથા કઠોર આરાધના-તપશ્ચર્યા સાથે ભારત જ નહીં, વિશ્વભરમાં પથરાયેલા શિવભક્તો શ્રાવણ મહિનાનું અથવા પ્રત્યેક સોમવારનું વ્રત કરતા હોય છે. સમુદ્રમંથન સમયે હળાહળ ઝેર નીકળ્યું, જે દેવોના દેવ મહાદેવે કંઠમાં ધારણ કર્યું, ત્યારે વિષની ગરમી શાંત કરવા માટે દેવો અને ઋષિમુનિઓએ શિવજી પર શિતળ જળ તથા દુગ્ધ (દૂધ) નો અભિષેક કર્યો હતો, તે ઉપરાંત ઠંડક પ્રદાન કરતા બિલ્વપત્રો (બીલીપત્રો) અર્પણ કર્યો, તે સમયથી શિવભક્તો દૈનિક શિવપૂજનમાં આ ત્રિ-અભિષેક કરતા રહ્યા છે. શિવપુરાનની વિદ્યોશ્વર સંહિતા મુજબ ભગવાન શિવશંકર પાર્વતીજી સાથે શ્રાવણ મહિનામાં પૃથ્વીલોકમાં નિવાસ કરતા હોવાથી શ્રાવણ મહિનામાં આ ત્રિ-અભિષેકની સાથે સાથે વિશેષ હોમહોમાદિ કાર્યો, યજ્ઞો, વ્રત-ઉપવાસ તથા દયા-દાન-સેવા પ્રવૃત્તિઓ સાથે શિવાલયોમાં વિશેષ દર્શન-પૂજા તથા સાંસ્કૃતિક, ભક્તિમય કાર્યક્રમો યોજાય છે.

આ વખતે કૃષ્ણજન્મોત્સવ સપ્ટેમ્બરના પ્રારંભે અને શ્રાવણ મહિનાના બીજા પખવાડિયામાં આવતી અષ્ટમીની મધ્યરાત્રિએ ઉજવાશે, અને 'નંદ ઘેર આનંદ ભયો'ની ગૂંજ ઊઠશે, તેથી ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિના સંયોજન સાથે અત્યારે દેશભરમાં ભક્તિમય ખુશીનો માહોલ છે, ત્યારે બીજી તરફ કેટલાક વિવાદો, કુદરતી ઘટનાક્રમો તથા બદલાઈ રહેલો રાજકીય માહોલના કારણે એક અજબોગરીબ પ્રકારની સ્થિતિ પણ ઊભી થઈ રહેલી જોવા મળે છે.

દેશમાં વર્ષ ર૦૧૪ માં યુપીએ સરકારનું પતન થયું અને 'અચ્છે દિન આને વાલા હૈ' જેવા સૂત્રો સાથે મોદી સરકાર રચાઈ,તે પછી કદાચ સૌ પ્રથમ વખત યુવાશક્તિ સામે રાજશક્તિને નમતું જોખવું પડ્યું, અને પેપરલીકના મુદ્દે કેન્દ્રિય શિક્ષણમંત્રીનું રાજીનામું પડ્યું. મોદી શાસનકાળમાં આ રીતે 'રાજીનામું' આપવું પડ્યું હોય, તેવી આ પ્રથમ ઘટના હતી. તે ઉપરાંત એક મહત્ત્વાકાંક્ષી બિલ જેપીસીને મોકલવું પડ્યું તથા મહિલા આરક્ષણ બિલ લટકી પડ્યું, તે પણ મોદી સરકારની આ વર્ષની પ્રથમ પીછેહઠ હતી. હવે યુજીસી-નેટના ત્રણ પ્રશ્નોપત્રો રદ્ કરીને નવેસરથી પરીક્ષા લેવી પડી રહી હોય, તો તે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા પદ્ધતિ તથા રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકારની 'સિસ્ટમ'માં ઘૂસી ગયેલા 'લીકેજ'નો પ્રત્યક્ષ પુરાવો છે. 'સિસ્ટમ' સમાન રહી, અને સરકારો બદલતી રહી, તેના કારણે પરીક્ષાઓમાં ગોલમાલ અને પેપરલીક જેવી ઉધઈ વધુ વ્યાપક બની છે, જેને નિવારવા માટે એકબીજાના ઝભ્ભા પર પડેલો ડાઘ બતાવીને રાજનીતિ કરવાના બદલે સમગ્ર પોલિટિકલ સિસ્ટમને આ મુદ્દે રાજનીતિ એક બાજુ રાખીને આ 'ઉધઈ'ને ખતમ કરવા પ્રબળ એકજુથતા સાથેની ઈચ્છાશક્તિ બતાવવાની જરૂર છે, અને તેની પહેલ જો વિપક્ષી તરફથી થતી હોય તો તેને આવકારીને સત્તાપક્ષે પરિણામલક્ષી અને નક્કર કદમ ઊઠાવવાની જરૂર છે. દેશમાં 'દિમાગી નક્સલવાદ'ની નવી ચર્ચા શરૂ થઈ ગઈ, અને વંદેમાતરમ્ના અપમાનનો મુદ્દો વકર્યો, તો નવા મુદ્દાઓને લઈને નવી નવી 'ઓનલાઈન' પાર્ટીઓ રચાવા લાગી છે, જે પ્રવર્તમાન પોલિટિકલ સિસ્ટમમાં પેધી ગયેલા સડાને આભારી છે, અને આ નવી ઓનલાઈન, ક્રાંતિ પક્ષ-વિપક્ષ જોયા વિના સીધી સિસ્ટમના સડા પર જ વાર કરતી હોવાથી પોલિટિકલ નેતાગીરીના ખભે રાખીને બંદુક ફોડીને પોતાના હિતો સાધતા રહેતા કેટલાક (કે ઘણાં બધા?) બ્યુરોક્રેટ્સ સામે પણ એક મોટો પડકાર છે. આ કારણે જ ભ્રષ્ટાચારી નેતાઓ અને બ્યુરોક્રેટ્સમાં ખળભળાટ વ્યાપ્યો હશે.

વર્ષ ર૦૧૩-૧૪ માં યુપીએ સરકાર સામે જનજુવાળ ઉપડ્ય હતો, ત્યારે જે લોકો આ વિરોધી ઝુંબેશની અગ્રીમ હરોળમાં હતાં, તે પૈકીના કેટલાક લોકોનું નિધન થઈ ગયું છે, અને થોડાક લોકો હજુ પણ જાહેરજીવન કે પોતાના ક્ષેત્રોમાં સક્રિય છે, બાકી ઘણાં મોટા ચહેરાઓ કાં તો નિષ્ક્રિય થઈ ગયા છે, ચૂપ થઈ ગયા છે અથવા નિરાશ થઈને વસવસો વ્યક્ત કરી રહ્યા હશે, તો કેટલાક ખ્યાતનામ ચહેરાઓ આજે યુ-ટર્ન લઈને વર્તમાન સરકાર સામે પણ જરૂર પડ્યે મહાઆંદોલનની વાતો કરવા લાગ્યા હોય તો તે શું સૂચવે છે, તે સૌ કોઈ સમજી શકે છે. અત્યારે પોલિટિકલ સિસ્ટમ હોય કે બ્યુરોક્રેસી હોય, શાસન હોય કે પ્રશાસન હોય, પક્ષ હોય કે વિપક્ષ, સરકારી સંસ્થાઓ હોય કે સહકારી સંસ્થાઓ હોય, કાનૂની સંસ્થાઓ હોય કે બંધારણીય સંસ્થાઓ હોય, તે તમામ જનતાની કસોટીએ ચડ્યા છે, અને સમગ્ર જનતા આ તમામથી પૂરેપૂરી સંતુષ્ટ નથી, તે હકીકત છે. લોકતંત્રમાં જે જનતા સિંહાસન પર બેસાડી શકે છે, તે ઊઠાડી પણ શકે છે અને સંતોષ થાય તો ફરીથી સત્તામાં લાવી શકે છે. પૂનરાવર્તન પણ કરી શકે છે, અને પરિવર્તન પણ કરી શકે છે, તે ભૂલવું ન જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh