Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાયું વિશાળ 'વિજય વિશ્વાસ સંમેલન'

'ફિર એકબાર, મોદી સરકાર' અને 'અબ કી બાર ૪૦૦ પાર' ના જયઘોષ સાથે

જામનગર તા. ૧૯: ૧૨-જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ ઉમેદવારી પત્ર રજૂ કરે તેની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા ઓશવાળ સેન્ટરના મેદનામાં વિજય વિશ્વાસ સંમેલન તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન સભામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમજ રાજ્યના કેબિનેટ મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, મૂળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મેઘજીભાઈ ચાવડા, પબુભા માણેક, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા, ભરતભાઈ ડાંગર, પદ્મશ્રી ભજનીક હેમંતભાઈ ચૌહાણ, જિ.પં. પ્રમુખ મયબેન ગરચર, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, સહિતના આગેવાનો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, સંતો-મહંતો, વિવિધ સમાજના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તા ભાઈ-બહેનો તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાએ કર્યું હતું, ત્યારપછી ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, પબુભા માણેક, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, રાઘવજીભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફિયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આ વખતની ચૂંટણીમાં પૂનમબેન માડમને પાંચ લાખથી વધુ મતોની સરસાઈથી વિજયી બનાવવા અપીલ કરી અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારની છેલ્લા દસ વર્ષની સિદ્ધિઓ જણાવી હતી.

આ સભામાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેમની આગવી શૈલીમાં ઉદબોધન કરી જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકારે દેશના સર્વાંગી વિકાસ સાથે-સાથે આપણાં દેશની વિરાસતની કાયાપલટનું પણ અદ્દભુત કામ કરી બતાવ્યું છે. દેશના સુપ્રસિદ્ધ તીર્થસ્થાનોનો વિકાસ થવાથી દેશમાં એકતાની ભાવના સુદૃઢ થઈ છે.

મોદી સરકારે નાત-જાત-ધર્મના ભેદભાવ વગર દેશના તમામ વર્ણના લોકોને તેમનો હક્ક અને સરકારી યોજનાઓમાં સીધો લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

રામ મંદિરના વિવાદનો ઉકેલ આવતા માત્ર બે જ વર્ષમાં ભવ્ય મંદિરનું નિર્માણ મોદી સરકારે કરી બતાવ્યું છે.

જામનગરનો ખાસ ઉલ્લેખ કરતા તેમને જણાવ્યું કે જામનગર બાંધણીનગર, બ્રાસ સિટી, ઓઈલ હબ તથા અખંડ રામધૂન માટે સમગ્ર દેશમાં અને વિશ્વમાં સુવિખ્યાત થયું છે.

અનુરાગ ઠાકુરે નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ જણાવી હતી. જેમાં ચાર કરોડ મકાન, ૧૨ કરોડ શૌચાલય, ઉજ્જવલા યોજનાનો લાભ કરોડો દેશવાસીઓને મળ્યો છે. ૮૦ કરોડ લોકોને મફતમાં અનાજ સરકાર આપે છે. અને તે આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.

આગામી ટર્મમાં ભાજપ સરકાર મફત અનાજ ઉપરાંત મફત ઈલાજની સુવિધાની ગેરેન્ટી આપે છે.

દેશની અર્થવ્યવસ્થા કોંગ્રેસના શાસનકાળમાં સાવ લથડી ગઈ હતી તેના સ્થાને આજે ભારત વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા બની છે. નિકાસમાં વધારો, જીડીપીમાં વધારો, ફોરેન રિઝર્વ ફંડમાં વધારો. મોદી સરકારની સફળતા છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે મોબાઈલ ફોનના ઉત્પાદનોએ વિક્રમ સર્જ્યો છે. ભારતીય સેનાને બુલેટપ્રૂફ જેકેટ, લડાયક વિમાનો અન્ય આધુનિક શસ્ત્રો આપી સેનાને મજબૂત બનાવાઈ છે. ડિફેન્સના ઉત્પાદનો ભારતમાં જ થઈ રહ્યા છે. દેશની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવાઈ છે. ભારત સામે અત્યારે કોઈ દુશ્મન આંખ ઉઠાવી શકતું નથી.

દેશના ગામડે ગામડે સરકારી યોજનાઓ, વિકાસ કામોનો લાભ, સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, તે કેન્દ્રના સબળ નેતૃત્વના કારણે શક્ય બન્યું છે અને પૂર્ણ બહુમત સાથેની સરકાર બનશે તો અડગ નિર્ણયશક્તિથી ભારતનો વિકાસ જેટ ઝડપે શક્ય બનશે. મોદી સરકારે ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો સંકલ્પ કર્યો છે. અને છેલ્લા દસ વર્ષમાં ભ્રષ્ટાચારનો એકપણ આરોપ આ સરકાર સામે લાગ્યો નથી.

તેમને ઉદબોધનના અંતે પૂનમબેન માડમના કાર્યોની અને લોકપ્રિયતનાની પ્રશંસા કરી, તેમને આશીર્વાદ આપી જંગી લીડથી જીતાડવા હાકલ કરી હતી.

વર્તમાન સાંસદ અને ત્રીજી વખત ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વખતથી ચૂંટણી ભારત દેશ માટે અતિમહત્ત્વની છે. રાષ્ટ્રના વિકાસ અને સુરક્ષા સામે વ્યક્તિ ગૌણ છે અને તેથી જ ભારત માટે વડાપ્રધાને કહ્યું છેકે, યહી સમય હૈ, સહી સમય હૈ, અત્યારે વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.

મોદી સરકારે ઘૂસણખોરી સામે આકરા પગલા ભર્યા છે અને તેમના ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે. દેશ સુરક્ષિત હશે તો જ મજબૂત અને વિકસિત રાષ્ટ્ર બની શકશે. રાષ્ટ્રની વાત આવે ત્યારે તમામ મતભેદ, પ્રશ્નો બાજુમાં રહે છે.

તેમણે હાલારના બન્ને જિલ્લાના વિકાસ અંગે જણાવ્યું છે કે,  છેલ્લા દસ વર્ષમાં કદાચ દેશમાં સરકારનું સૌથી વધુ ભંડોળ અહીં મળ્યું છે. અને તે માટે હાલારની જાગૃત જનતા, સંસ્થાના આગેવાનોના સહકારના કારણે હાલારના વિકાસને ભારે વેગ મળ્યો છે.

એક સાંસદ તરીકે હું તો માત્ર નિમિત્ત છું. પણ મને હાલારના પરિવારે જ સાથ-સહકાર અને આશીર્વાદ હંમેશાં આપ્યા છે. ૨૦૧૪માં આશા હતી, ૨૦૧૯માં ભરોસો અને હવે ૨૦૨૪માં અત્યારે જે કામો થયા છે. તેનાથી દસ ગણા કામોની ગેરેન્ટી આપું છું.

આજે કેન્દ્રમાં જામનગરની નોંધ લેવાઈ રહી છે, હાલારના પરિવારે ઈતિહાસ સર્જ્યો છે.  કોઈપણ જાતના ભેદભાવ વગર ઘર-ઘર સુધી સરકારી યોજનાઓનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે.

ભારતને વિશ્વગુરુ બનાવવા તથા ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌ હાલારમાંથી ભાજપના કમળને મોકલાવી સમસ્ત હાલાર પરિવાર એક છે તેવું પરિણામ આપીએ.

તેમણે ઉપસ્થિત જનમેદનીને વધુમાં વધુ મતદાન કમળના નિશાન પર કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના અંતે શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરાએ આભારદર્શન કર્યું હતું. સંચાલન જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ કર્યું હતું.

દ્વારકા અને બેટના શ્રીજી મંદિરોના પૂજારીઓએ શ્લોકોના ઉચ્ચારણો સાથે પૂનમબેન માડમને વિજયતિલક કરીને ભગવાનનું ઉપરણું અને છત્ર આપી આશીર્વાદ આપ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તેમજ અન્ય મહાનુભાવોનું હાલારી પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

ઓશવાળ સેન્ટરમાં સભા પૂર્ણ થયા પછી ત્યાંથી સરુ સેક્શન રોડ પર જિલ્લા સેવા સદન સુધી આગેવાનો અને કાર્યકર્તાઓમાં બેન્ડવાજા અને રાસની રમઝટ સાથે રેલી યોજાઈ હતી. આ સભા - સંમેલનમાં અંદાજિત પાંચેક હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સંતો-મહંતો, નગરના આગેવાનો, હાલારના સંગઠ્ઠનના પદાધિકારીઓ તેમજ ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિ

સાંસદ પૂનમબેન માડમને આર્શીવાદ પ્રદાન કરવા માટે સ્વામીનારાયણ મંદિરના મહંત ચત્રભૂજદાસજી, મનોકામના સિઘ્ધ હનુમાન આશ્રમના મહંત નરસિંહદાસજી, જેઠાઆતા (ભુવા આતા), લાંબાવાળા, મુરાઆતા (ભુવા આતા) બેડ વાળા, સતાધાર આશ્રમ કાલાવડના શાન્તુરામ બાપુ, શિવ આશ્રમ નવાગામના હંસદેવગીરી બાપુ, અમીતભાઈ ઓડીચ, કથાકાર કિશોરભાઈ અગ્રાવત, સિકકાના કૈલાશગીરી બાપુ ઉપસ્થિત રહયા હતા.

આ ઉપરાંત લોકસાહિત્યકાર હકાભા, સુરતથી બટુકભાઈ ભરવાડ, રાજકોટ મહાનગરના પ્રભારી ધવલભાઈ દવે, રાજકોટના પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, સામાજિક અગ્રણીઓ દિનેશભાઈ ડાંગરીયા, સુરેશભાઈ તન્ના, શેતલબેન શેઠ, મનસુખભાઈ રાબડીયા, લાલજીભાઈ કાનાણી, દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), બી.એચ. ઘોડાસરા, જમનભાઈ તારપરા, લક્ષ્મીદાસ ભાનુશાળી, ભરતભાઈ વસા, ભરતભાઈ પટેલ, વી. પી. મહેતા, અશોકભાઈ રાવલ, પ્રવીણભાઈ માડમ, દેવશીભાઈ પોસ્તરીયા, સુરેશભાઈ વસરા, નીતિનભાઈ કેશવાલા ઉપસ્થિત રહયા હતા.

જામનગર જિલ્લા ભાજપ પ્રભારી ભાનુભાઈ મહેતા, જામનગર શહેર પ્રભારી પલ્લવીબેન ઠાકર, દેવભૂમિ દ્વારકા પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, પરમાણંદભાઈ ખટૃર, લોકસભા પ્રભારી વેલજીભાઈ મસાણી, લોકસભા સંયોજક ડો. વિનોદ ભંડેરી, લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, ચિરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, મેરામણભાઈ ગોરીયા, જામનગર ડી. બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, લોકસભા વિસ્તારક નટુભાઈ પટેલ, જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો ધરમશીભાઈ ચનીયારા, જયાબેન ભંડેરી, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષો ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, જામનગર શહેરના પૂર્વ અઘ્યક્ષો હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટૃ, બીપીનભાઈ ઝવેરી, ૭૬ કાલાવડ વિધાનસભાના સંયોજક ગાંડુભાઈ ડાંગરીયા, ૭૭–જામનગર ના સંયોજક દિલીપસિંહ ચુડાસમા, ૭૮ જામનગરના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, ૮ર વિધાનસભાના સંયોજક સંદિપભાઈ માણેક, જામનગર મહાનગરના પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પ્રતિભાબેન કનખરા, હસમુખભાઈ જેઠવા, દિનેશભાઈ પટેલ, અમીબેન પરીખ, જયશ્રીબેન જાની, સનતભાઈ મહેતા, અવિનાશભાઈ ભટ્ટ સહિત દેવભૂમિ દ્વારકા મહામંત્રીઓ, યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા સહિત સમગ્ર ટીમ, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેકભાઈ પટવા, જામનગર મહાનગર મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા જામનગર મહાનગર, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના તમામ અગ્રણીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ, મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ ૧ર–જામનગર લોકસભાના મીડીયા ઈન્ચાર્જ ભાર્ગવ ઠાકર અને દીપાબેન સોનીની સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh