Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મણિપુરમાં ફાયરીંગ, છત્તીસગઢમાં ગ્રેનેડ બ્લાસ્ટ, કુચબિહારમાં હિંસાઃ કેટલાક રાજ્યોમાં તંગદિલીઃ તોડફોડ-પથ્થરમારોઃ કેટલાક લોકો ઈજાગ્રસ્ત
નવી દિલ્હી તા. ૧૯: આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કેટલીક હિંસક ઘટનાઓ વચ્ચે બપોર સુધીમાં સરેરાશ ૪ર ટકા જેવું મતદાન નોંધાયું છે.
લોકસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ચરણમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર લોકસભા બેઠકો પર આજે મતદાન થશે. પ્રથમ તબક્કાના મતદાનમાં મોદી સરકારના ૮ મંત્રીઓ અને ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલની હારજીત ઈવીએમમાં કેદ થશે. આ ઉપરાંત પણ અનેક વીઆઈપી બેઠકો એવી છે જેના પર લોકોની નજરો ટકેલી છે. મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે.
આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, 'લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦ર બેઠકો માટે મતદાન થશે. હું આ તમામ બેઠકોના મતદારોને વિનંતી કરૂ છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે.' પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા મારા યુવા મિત્રોને મારી ખાસ અપીલ છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. લોકશાહીમાં દરેક મત કિંમતી છે અને દરેક અવાજ મહત્ત્વપૂર્ણ છે! મતદાન કેન્દ્રો પર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ ચૂંટણીમાં અનેક દિગજ્જો જેમ કે નીતિન ગડકરી, કિરણ રિજ્જુ, સર્બાનંદ સોનોવાલ, અર્જુન રામ મેઘવાલ, ચિદમ્બરમ્ સહિત ૧પ નેતાઓ મેદાનમાં ઉતરશે. પ્રથમ તબક્કામાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, આસામ, બિહાર, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મણિપુર, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં મતદાન થશે તેમાં જમ્મુ અને કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, લક્ષદ્વીપ, પુડુચેરી, સિક્કિમ, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારનો પણ સમાવેશ થાય છે.
લોકસભા ચૂંટણી માટે પ્રથમ ચરણ માટે ૧૦ર સીટો પર ૧૬રપ ઉમેદવારો મેદાને છે. જેમાં ૧૪૯૧ પુરુષો અને ૧૩૪ મહિલા ઉમેદવારો મેદાને છે. જેમાંથી અનેક એવા ચહેરા જે પહેલીવાર કિસ્મત અજમાવી રહ્યા છે. તો કેટલાક એવા ચહેરા પણ છે જે છેલ્લા લાંબા સમયથી જીતની ગેરંટી બની રહ્યા છે. પહેલા તબક્કામાં પશ્ચિમી યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિત ર૧ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે. જેમાં સૌથી વધુ નજરો તમિલનાડુ પર ટકેલી રહેશે. અહીં રાજ્યની તમામ બેઠકો પર પ્રથમ ચરણમાં જ મતદાન સંપન્ન થઈ જશે.
આજે અરૂણાચલની ર સીટ, આસામની પ સીટ, બિહારની ૪ સીટ, છત્તીસગઢની ૧, મધ્યપ્રદેશની ૬, મહારાષ્ટ્રની પ, મણિપુરની ર, મેઘાલયની ર, મિઝોરમની ૧, નાગાલેન્ડની ૧, રાજસ્થાનની ૧ર, સિક્કિમની ૧, તમિલનાડુની ૩૯, ત્રિપુરાની ૧, યુપીની ૮, ઉત્તરાખંડની પ, પશ્ચિમ બંગાળની ૩, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહની ૧ અને જમ્મુ-કાશ્મીરની ૧, લક્ષદ્વીપની ૧ અને પોંડિચેરીની ૧ સીટ પર વોટીંગ થઈ રહ્યું છે. બપોર સુધીમાં સરેરાશ ૪ર ટકા જેવું મતદાન નોંધાયું હોવાના અહેવાલો છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં ૧૬.૬૯ કરોડથી વધુ મતદારો છે, જેમાં ૮.૪ કરોડ પુરુષ અને ૮.ર૩ કરોડ મહિલા મતદારો છે. તેમાંથી ૩પ.૬૭ લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે ર૦ થી ર૯ વર્ષની વયજુથના મતદારોની સંખ્યા ૩.પ૧ કરોડ છે. આ માટે ૧.૮૭ લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આજે મતદાનના પ્રથમ તબક્કાની પુર્ણાહૂતિ સાથે ૧૦ રાજ્યો અને કેન્દ્રાશાસિત પ્રદેશો હશે જ્યાં ચૂંટણી સમાપ્ત થશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ ૩૯ લોકસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં પ૪૩ બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. ૪ જૂને પરિણામ જાહેર થશે.
સવારે ૧૧ વાગ્યા સુધીમાં અંદામાન નિકોબારમાં ર૧.૮ર ટકા, અરૂણાચલમાં ૧૯.૩૪ ટકા, આસામમાં ર૭.રર ટકા, બિહારમાં ર૦.૪ર ટકા, છત્તીશગઢમાં ર૮.૧ર ટકા, જમ્મુ કાશ્મીરમાં રર.૬૦ ટકા, લક્ષદ્રીપમાં ૧૬.૩૩ ટકા, મધ્ય પ્રદેશમાં ૩૦.૪૬ ટકા, મહારાષ્ટ્રમાં ૧૯.૧૭ ટકા, મણિપુરમાં ર૮.પ૪ ટકા, મેઘાલયમાં ૩૩.૧ર ટકા, મિઝોરમમાં ર૭ ટકા, નાગાલેન્ડમાં ર૩.ર૮ ટકા, પુડ્ડચેરીમાં ર૮.૧૦ ટકા, રાજસ્થાનમાં રર.પ૧ ટકા, સિક્કિમમાં ર૧.ર૦ ટકા, તમિલનાડુમાં ર૩.૭ર ટકા, ત્રિપુરામાં ૩૪.પ૪ ટકા, યુપીમાં રપ.ર૦ ટકા, ઉત્તરાખંડમાં ર૪.૮૩ ટકા અને પશ્ચિમ બંગાળમાં ૩૩.પ૬ ટકા વોટિંગ થયું છે. ર૧ રાજ્યોની ૧૦ર લોકસભા સીટો પર સવારે ૭ વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન ૪ કલાકમાં જ મતદાનની ટકાવારી બહાર આવી છે. આ ચાર કલાકમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ૩૩.પ૬ ટકા મતદાન થયું હતું. છેલ્લા અહેવાલો મુજબ બપોર સુધીમાં કેટલાક વિસ્તારોમાં મતદાનની ગતિવિધી રહી છે. બપોર સુધીમાં સરેરાશ ૪ર ટકા મતદાન થયું હોવાના તારણો કાઢવામાં આવી રહ્યા છે.
મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા સીટ પર ફાયરિંગના અહેવાલો છે. બિષ્ણુપુર જિલ્લાના થમનપોકપીમાં એક મતદાન કેન્દ્ર પર ફાયરિંગ થયું હતું. જેમાં ૩ લોકો ઘાયલ થયા છે.
ઈમ્ફાલ ઈસ્ટના થોંગજુમા એક બૂથ પર ઈવીએમ તોડફોડના સમાચાર છે. રાજ્યની બે બેઠકો-આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થઈ રહ્યું છે.
આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોના કેટલાક બૂથ પર ર૬ એપ્રિલે પણ મતદાન થશે. મણિપુરમાં ગયા વર્ષે ૩ માર્ચથી હિંસા ચાલી રહી છે.
બંગાળમાં કૂચ બિહારમાં મતદાનમાં પથ્થરમારો થયો છે. બીજેપી અને ટીએમસી કાર્યકર્તાઓ પર પથ્થરમારો કરાયો. જેમાં ટીએમસીના ર કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.
છત્તીસગઢમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન યુબીજીએલ સેલ બ્લાસ્ટમાં સીઆરપીએફ ૧૯૬ બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. ભૈરમગઢના ચિહકા ગામ પાસે ચૂંટણી ફરજ પર હતા ત્યારે આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફનો એક આસિસ્ટન્ટ કમાન્ડર ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત આસિસ્ટન્ટ કમાન્ડન્ટને સારવાર માટે ભૈરમગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
દિગ્ગજોએ કર્યું મતદાન
યોગગુરૂ બાબા રામદેવ અને પતંજલિના ડાયરેકટર બાલકૃષ્ણએ હરિદ્વારમાં, અભિનેતા ધનુષે ચેન્નાઈમાં, તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને ચેન્નાઈમાં, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જયપુરમાં, પુડ્ઢુચેરીમાં મુખ્યમંત્રી રંગાસ્વામીએ ડેલાર્શપેરમાં, અભિનેતા રજનીકાન્તે ચેન્નાઈમાં, પી. ચિદમ્બરમે શિવગંગાઈમાં અને મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial