Advertisement
Author: નોબત સમાચાર

નગરના નજરાણા સમા લાખેણા રણમલ તળાવે હરવા-ફરવા આડેના 'નડતરો' ક્યારે દૂર થશે?

ઘોડાગાડીવાળા, રેંકડી-રેસ્ટોરન્ટના રસ્તા પરના દબાણો, આડેધડ પાર્કિંગની સમસ્યા

જામનગર તા. ર૩: જામનગર શહેરની મધ્યમાં આવેલ લાખોટા તળાવ શહેરીજનો માટે એકમાત્ર હરવા-ફરવાનું સ્થળ છે. પાણીથી ભરેલા આ નયનરમ્ય તળાવ ફરતે અનેક પરિવારો-બાળકો સાથે અહીં આનંદ માણવા આવે છે તેમાંય ખાસ કરીને ઉનાળાની સિઝનમાં સાંજથી મોડી રાત્રિ સુધી લોકો અહીં ગરમીથી રાહત મેળવવા આવે છે. શનિ-રવિની અને વેકેશનની રજાઓમાં તો અહીં મેળા જેવો માહોલ સર્જાય છે.

આ તળાવનું બ્યુટીફિકેશન થયા પછી તળાવ ફરતે દબાણો વધ્યા છે. ખાસ કરીને ખાણીપીણીની રેંકડીઓવાળા રેસ્ટોરન્ટ, આઈસ્ક્રીમ પાર્લર, ગોલાવાળા, વગેરે ધંધાર્થીઓએ રસ્તા ઉપર બેસવાના ટેબલ-મુંઢા-ખુરશી પાથરીને મોટાપાયે દબાણ કરતા તળાવ ફરતેના માર્ગો પરથી વાહનચાલકો તેમજ રાહદારીઓને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે.

તેમાંય સુલભ શૌચાલય અને દિ. પ્લોટની શેરીમાં જવાના માર્ગો ઉપર ખાસ કરીને સાંજે અવારનવાર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. નાના-મોટા અકસ્માતો અને ઝઘડા થાય છે.

તળાવની પાળે સૌથી મોટો ત્રાસ ઘોડાગાડી અને ઘોડાવાળાઓનો છે. આ ઘોડાગાડીવાળાના દબાણો પણ હરવાફરવાની, બેસવાની જગ્યાને અવરોધે છે. ઘોડાના કારણે ગંદકી અને અતિશય દુર્ગંધ ફેલાય છે. એટલું જ નહીં, ભારે ભીડ જેવી સ્થિતિમાં પૂરવાટ ઝડપે ઘોડાગાડી દોડાવતા હોય, લોકો ભયભીત બની જાય છે. ઘોડાગાડીવાળાઓને તળાવની પાળે ધંધો નહીં કરવા આદેશ કર્યો હતો પણ કોઈપણ કારણોસર ફરીથી ઘોડા ગાડીવાળાઓ આવી ગયા છે. તળાવની પાળ જેવી જ સ્થિતિ ગુરૂદત્તાત્રેય મંદિર, ડી.કે.વી. સર્કલ પાસે પણ ઘોડાગાડીવાળાના કારણે થઈ રહી છે.

તળાવની પાળને સ્વચ્છ અને હરવાફરવા માટે અનુકૂળ બનાવવા માટે શા માટે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી? અહીં બાળકોના મનોરંજનના સાધનો કદાચ જરૂરી હશે પણ તેના ભાડા કોણ અને કેટલા ઉરાવે છે? આ ચકરડી, જમ્પીંગ સહિતના સાધનો રાખવા માટે ચોક્કસ જગ્યા શા માટે ફાળવવામાં આવતી નથી?

જામનગર મહાનગર પાલિકા દ્વારા તળાવની પાળે જોગીંગ ટ્રેક તથા રેલીંગ અંદર ફરવા માટેનો ચાર્જ લેવાય છે અને તયાં સિક્યોરીટીનો મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે તો તળાવની પાળે ગંદકી ન ફેલાય, દબાણો ન સર્જાય તે માટે શા માટે કાયમ માટે સિક્યોરીટી રાખવામાં આવતી નથી? શા માટે દબાણો દૂર કરાતા નથી?

હવે તો પાછલા તળાવના ભાગે પણ કરોડોના ખર્ચે બ્યુટીફિકેશન થવાનું છે ત્યારે શહેરની મધ્યમાં આવા સુંદર સ્થળને દબાણો-ગંદકીથી કાયમ માટે મુક્ત રાખવાનું પણ આયોજન કરવું જરૂરી છે.

પોલીસ વિભાગે પણ જ્યાં જ્યાં ટ્રાફિક જામ થાય છે ત્યાં ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે. તેમજ સાંજથી મોડી રાત્રિ સુધી તળાવ ફરતે રસ્તા વચ્ચોવચ્ચ આડેધડ ટુ-વ્હીલર/ફોર વ્હીલર વહનો ઉભા રાખનારાઓ સામે પણ વાહનો ટોઈંગ કરવા, દંડ વસૂલવાની કામગીરી કરવાની જરૂર છે.

જો કે, આપણા મહાનગર પાલિકા તંત્ર અને અપૂરતા સ્ટાફવાળા ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી આવી કાર્યવાહીની અને તે પણ કાયમી ધોરણે પગલાં લેવાય તેવી આશા રાખવી વધુ પડતી જ છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh