Advertisement
Author: નોબત સમાચાર

આરટીઓના ખાનગીકરણની દિશામાં આગેકૂચ?: લોકોની હાલાકી વધી નહીં જાય?

કેન્દ્રે મૂળભૂત માળખા વિના જ જાહેરાત કરી દીધી?

અમદાવાદ/જામનગર તા. ર૩: પહેલી જૂનથી વાહનોના ડ્રાઈવીંગ ટેસ્ટીંગ પછી પાકું ડ્રાઈવીંગ લાઈસન્સ આપવાની પ્રક્રિયા ખાનગી સ્કૂલોને સોંપવાના અભિગમનો વિરોધ થઈ રહ્યો છે, અને આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી કોઈ ડ્રાઈવીંગ સ્કૂલ જ નથી. એટલું જ નહીં, નવી નીતિ અનુસાર જમીન તથા અન્ય વ્યવસ્થાઓ હોય, તેવું જંગી મૂડીરોકાણ કરવું કોઈને પોસાય તેમ નહીં હોવાથી તવંગર ઉદ્યોગપતિઓ અથવા કોર્પોરેટ ક્ષેત્રોને ફાયદો પહોંચાડવા માટે જ આ નિર્ણય લેવાયો હોવાની ટીકા પણ થઈ રહી છે.

આ નવી તઘલખી નીતિરીતિને ઘણાં લોકો આરટીઓના સંપૂર્ણ ખાનગીકરણની દિશાનું પ્રથમ અને મોટું કદમ ગણાવી રહ્યા છે. એટલું જ નહીં, આ નિરંકુશ વ્યવસ્થા પછી ભ્રષ્ટાચાર વધુ ફાલશે-ફૂલશે અને સામાન્ય લોકોની હાલાકી ઘણી જ વધી જશે તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. એવા ડરામણા પ્રત્યાઘાતો પણ આવી રહ્યા છે કે, જો ખાનગી ક્ષેત્રોના હાથમાં આ પ્રક્રિયા સોંપવામાં આવશે, તો માત્ર ફી ભરીને વગર ટ્રેનીંગ કે ટ્રાયલે અને તે પછી ઘણાં તથ્ય પટેલો ગમખ્વાર અકસ્માતો યોજીને નાસતા ફરશે!

રાજ્યના મોટર ડ્રાઈવીંગ સ્કૂલોના વર્તુળોના પ્રત્યાઘાતો મુજબ મોટા ઉદ્યોગપતિઓ તથા કારોબારીઓને આ વ્યવસ્થા તથા સત્તા આપી દઈને નાની-મોટી ડ્રાઈવીંગ સ્કૂલો ચલાવીને ગુજરાન ચલાવતા તથા તેની સાથે સંકળાયેલા કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ જશે.

આ નવી યોજના હેઠળ ડ્રાઈવીંગ સ્કૂલ પાસે શહેરની નજીક બે એકર જમીન, તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ, કુલ ર૮ કલાકની ડ્રાઈવીંગની તાલીમ વગેરે જે શરતો રાખી છે, તેમાં કરોડો રૂપિયાના રોકાણની જરૂર પડે, અને એટલી સમર્થતા રાજ્યના ડ્રાઈવીંગ સ્કૂલો ચલાવતા કોઈપણ સંચાલકની નહીં હોય. આ રીતે રાજ્યની હજારો ડ્રાઈવીંગ સ્કૂલોનો કારોબાર તવંગરોને સોંપી દેવાનો કારસો ઘડાયો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી કોઈ જ ડ્રાઈવીંગ સ્કૂલ હાલમાં અસ્તિત્વમાં જ નથી, ત્યારે આ પ્રકારનો નિર્ણય કોના ઈશારે લેવાયો? શું કોઈ મળતિયાઓ કે મોટા માથાના હિતાર્થે આ કથિત નિર્ણય લેવાયો છે કે પછી કોર્પોરેટ ક્ષેત્રોના લાભાર્થે આર.ટી.ઓ.ની આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાનું ખાનગીકરણ કરાઈ રહ્યું છે? તેવા સવાલો ઊઠી રહ્યા છે. આ નિર્ણય પછી બેકારી અને ભ્રષ્ટાચાર વધશે, તેવા પ્રત્યાઘાતો છે.

શહેરોની વચ્ચે બે એકર જમીનમાં 'આઠડા' સહિતની વ્યવસ્થાઓ સાથેની લોન્ગ ડ્રાઈવની તાલીમ આપતી ડ્રાઈવીંગ સ્કૂલો ઊભી કરવી સંભવ જ નથી અને કોઈપણ શહેરમાં આ પ્રકારની સ્કૂલને યોગ્ય જમીન પણ ઉપલબ્ધ નહીં હોય. તેથી શહેરોથી દૂર ડ્રાઈવીંગ સ્કૂલો ઊભી થાય તો પણ તે મહિલાઓ-સ્ટુડન્ટ્સ સહિત તમામ લોકોને અનુકૂળ નહીં રહે, અને તેની તોતીંગ ફી હશે, જે તવંગરો સિવાય કોઈને પોષાશે નહીં, તેવા અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યા છે.

જો કે, સરકારી સૂત્રોને ટાંકીને એવી ચોખવટ પણ થઈ રહી છે કે કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારનું કોઈ નોટીફિકેશન જાહેર થયું નથી કે પરિપત્રો પણ થયા નથી. રાજ્યના સંબંધિત વિભાગોને પણ કેન્દ્ર તરફથી હજુ સુધી આ સંબંધે કોઈ સૂચનાઓ પણ પ્રાપ્ત થઈ નથી તેથી પહેલી જૂનથી ગુજરાતમાં તો આ નવી વ્યવસ્થા અમલી થઈ જ નહીં શકે. આ ચોખવટ પછી સવાલ એ ઊભો થાય છે ધડમાથા વગરની આ જાહેરાતનો અર્થ શું? કોણ જવાબદાર?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh