Advertisement
Author: નોબત સમાચાર

પલસાણામાં ૨૪ કલાકમાં ૧૮, કામરેજમાં ૧૭, સુરતમાં ૧૪ અને નવસારીમાં ૧૫ ઈંચ વરસાદઃ જનજીવન ઠપ્પ

બપોર સુધીમાં રાજ્યના ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૮: આજે પણ રાજ્યના ૫૯ તાલુકામાં બપોર સુધીમાં વરસાદ પડ્યો હોવાના વાવડ છે. સુરતના પલસાણા, કામરેજ, સુરત અને નવસારીમાં ૧૪ થી ૧૮ ઈંચ વરસાદ ૨૪ કલાકમાં થતાં જનજીવન ખોરવાયું છે.

ગુજરાતમાં ગઇકાલે સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં નોંધાયો હતો. જ્યાં છેલ્લા ૨૪ કલાકના આંકડા પ્રમાણે પલસાણા તાલુકામાં કુલ ૧૮.૧૯ ઈંચ, તો કામરેજમાં ૧૭.૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ નવસારીમાં ૧૫.૨૮ ઇંચ તો સુરત શહેરમાં ૧૪.૦૯ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વલસાડ જિલ્લામાં મંગળવારે સાંજે ૪ થી બુધવારે સવારે ૬ વાગ્યા સુધી ૨.૪ ઇંચ વરસાદ નોંધાયો. કપરાડામાં ૮.૪ ઇંચ સાથે જળબંબાકાર થયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. મધુબન ડેમના ૮ દરવાજા ૪ મીટર ખોલી ૧.૨૮ લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું, જેથી નદી બે કાંઠે વહેતી થઈ. તંત્રએ લોકોને નદી કિનારેથી દૂર રહેવા અપીલ કરી છે.  

હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા ચાર કલાક એટલે કે સવારના ૬ વાગ્યાથી ૧૦ વાગ્યાની વચ્ચે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં ૧.૨૬ ઈંચ નોંધાયો હતો. જ્યારે વલસાડના જ નાનાપોંધામાં જ ૧.૧૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ, નવસારી અને સુરતના ઉમરપાડામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. પાંચમાંથી ત્રણ ખાડીઓ ભયજનક સપાટીને પાર કરી ગઈ છે, જેમાં સીમાડા ખાડી ૪.૫૦ મીટરની સામે ૫.૫૦ મીટરે પહોંચીને ઓવરફ્લો થઈ છે. આના કારણે લિંબાયત, સરથાણા, પર્વત પાટિયા અને ચીકુવાડી સહિતના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. હજારો લોકો પાણી વચ્ચે ફસાયા છે અને જનજીવન તેમજ વાહનવ્યવહાર ખોરવાયો છે.

આજે વહેલી સવારથી ૫૯ તાલુકામાં મેઘમહેર નોંધાઈ ચૂકી છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં ૨૪ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગમાં ૨૦ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે .આજે નવસારીમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. જ્યાં ૧૭ મિ.મી. જેટલો વરસાદ પડી ચૂક્યો છે. નર્મદા જિલ્લા સવારે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીના બે કલાકના ગાળામાં જ નાંદોદમાં ૨.૩૬ ઈંચ જેટલી ધોધમાર બેટિંગ કરી હતી. જેના કારણે ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું.

વરસાદની આગાહી

ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ મુજબ, આજે નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવસારી જળબંબાકાર

ડ્રોન દૃશ્યોમાં આખું નવસારી શહેર એક વિશાળ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહૃાું છે. શહેરમાં અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, મુખ્ય માર્ગો, સોસાયટીઓ, અને વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા છે. રસ્તાઓ જાણે નદીઓ બની વહી રહૃાા છે અને વાહનો હોડીઓની જેમ પાણીમાં તરી રહૃાા છે. સતત વધી રહેલા પાણીના સ્તરે સમગ્ર તંત્ર અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

ડેમોની જળસપાટી

તૈનાત જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ ૨.૧૭ લાખ એમસીએફટી (આશરે ૬૫ ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય ૨૦૬ જળાશયો ૪૦.૦૧ ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે ૧૧ ડેમ હાઇ એલર્ટ અને ૪ ડેમ એલર્ટ પર છે.

નાગરિકોનું સ્થળાંતર

ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ૧,૫૨૮ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને ૧૩૪ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ ૩૬ ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે.

કેબિનેટમાં ચર્ચા

સુરત શહેર અને જિલ્લાના પૂર અંગે કેબિનેટમાં ચર્ચા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લામાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોને પોતાના ફાળવાયેલા વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધવાની સૂચના આપી હતી. સાથે જ પ્રભારી મંત્રીઓને પણ વરસાદી પરિસ્થિતિમાં સતત મોનિટરિંગ રાખી અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વહીવટી તંત્ર સાથે સંકલન કરવાની સૂચના આપવામાં આવી હતી.

વડોદરામાં મગરનું રેસ્કયૂ

વડોદરામાં ચોમાસામાં નવા પાણીની આવક થતા મગરોમાં દોડધામ જોવા મળી રહી છે. વાસણા રોડના બંગલાઓ નજીકથી ૯ ફૂટના મગરનું રેસ્કયુ કરવામાં આવ્યું. ગેલેકસી બંગલોઝ પાસે મોડી રાત્રે મગર દેખાતા ગૌરક્ષા સમિતિએ વન વિભાગને જાણ કરી. તાંદલજા બસ સ્ટેન્ડ અને પાદરા રોડ પર પણ મગર જોવા મળ્યા વન વિભાગે મગરના રેસ્કયુ માટે સંપર્ક કરવા અપીલ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh