Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજારો લોકો પ્રભાવિતઃ કેટલાક લોકો ઘાયલઃ કેટલાકના જીવ ગયાઃ પરિવહન-જનજીવન ઠપ્પ
નવી દિલ્હી તા. ૮: મુંબઈ-મહારાષ્ટ્રમાં સતત વરસાદે ભારે તબાહી મચાવી છે, તો દેશના ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ અને પુર તથા વીજળી પડવાની ઘટનાઓ બની છે. કેટલાક લોકો ગાયબ છે, કેટલાકના જીવ ગયા છે તો કેટલાક ઘાયલ થયા છે. નદી-નાળા છલકાયા છે, તો કેટલાક સ્થળે અંધારપટ છવાયો છે. વાહન વ્યવહાર અને હવાઈ યાત્રા-ટ્રેન વ્યવહાર ખોરવાયા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે.
મુંબઈમાં સતત મેઘવૃષ્ટિથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. માયાનગરી મુંબઈ જાણે થંભી ગઈ છે.
સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈમાં લોકલ ટ્રેનો ૨૫-૩૦ મિનિટ મોડી ચાલી રહી છે. વસઈ-વિરાર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પાણી ભરાઈ જવાને કારણે ૩૯ ટ્રેનો રદ કરવી પડી હતી. ૨૧ ટ્રેનોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવી હતી અને ૪૬ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે વિહાર અને તુલસી સરોવરો છલકાઈ ગયા હતા. મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં આ બંને સરોવરોનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં તમામ સાત જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ માત્ર ૪૧.૪૩% છે.
અરુણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લાના કોયુ સર્કલના ૧૪ ગામો છેલ્લા ૧૦ દિવસથી દેશના બાકીના ભાગોથી સંપર્કવિહોણા થઈ ગયા છે. ૨૮ જૂનના રોજ થયેલા સતત વરસાદ, વાદળ ફાટવાની ઘટના અને ભારે પૂરને કારણે આ ગામોમાં રસ્તાનો સંપર્ક અને આવશ્યક સેવાઓ ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ-વિરાર વિસ્તારમાં સતત વરસાદ પડી રહૃાો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નાલાસોપારા-અચોલે લિંક રોડ અને તુલિંજ બ્રિજની નીચે પાણી ભરાયેલા હોવાથી વાહનવ્યવહારને અસર થઈ છે.
મહારાષ્ટ્રના નાલાસોપારામાં ભારે વરસાદને પગલે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. રસ્તાઓ અને સ્ટેશન પરિસરમાં પાણી ભરાવાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
દિલ્હી અને મુંબઈમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટ જેવી એરલાઇન્સે મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની અને સામાન્ય કરતાં થોડી વહેલી રવાના થવાની સલાહ આપી છે. હવામાન વિભાગે ૭ જુલાઈથી ૯ જુલાઈ સુધી દિલ્હી-એનસીઆર માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે સચિન અને ભેસ્તાન સ્ટેશન વચ્ચેના ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે. પશ્ચિમ રેલવેએ ૮ જુલાઈના રોજ ચાલનારી ૯ ટ્રેનો રદ કરી દીધી છે. આ ઉપરાંત, એક ટ્રેનને ભેસ્તાન સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે, જ્યારે બીજી ટ્રેન ભેસ્તાનથી જ ઉપડશે. આ બંને ટ્રેનોનો વિરાર-ભેસ્તાન સેક્શન રદ રહેશે. રેલવેએ મુસાફરોને યાત્રા શરૂ કરતા પહેલા તેમની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવાની સલાહ આપી છે.
દેશના વિવિધ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ભારે પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખોરવાયુ છે. દિલ્હી નજીક ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં બે-બે ફૂટ પાણી ભરાઈ ગયું છે. નેશનલ એનએચ-૪૮ ધસી પડ્યો છે, જેના કારણે ૧૦ કિમી લાંબો જામ લાગી ગયો છે. સર્વિસલેનની ગટરમાં એક સ્કૂલ બસ પણ ફસાઈ ગઈ છે.
રાજસ્થાનના જાલોરમાં જીપ નદીમાં પલટી ગઈ. ચિત્તોડગઢમાં વીજળી પડવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત થયા. જ્યારે, મધ્ય પ્રદેશના જબલપુરમાં મંગળવારે સાંજે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ છે.
યુપીના ૫૦ શહેરોમાં મંગળવારે વરસાદ થયો. મથુરા અને શામલીમાં રસ્તાઓ પર નદીઓ જેવું પાણી વહેતું હતું. કારો અને બાઈકો તણાવા લાગી. અમરોહામાં એક કલાકના વરસાદથી દિલ્હી-લખનૌ હાઈવે પર પાણી ભરાઈ ગયું. ઉત્તરાખંડમાં અતુકનંદા નદી બે કાંઠે વહી રહી છે. ભૂસ્ખલનના કારણે ૩૨ રસ્તા બંધ છે.
દિલ્હી અને મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદની અસર ફ્લાઈટ્સ પર પણ પડી છે. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસજેટે મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરવા અને થોડા વહેલા નીકળવાની સલાહ આપી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં ૭ થી ૯ જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે.
અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર અને ભૂસ્ખલને ૨૬ જિલ્લાના ૯૪ હજારથી વધુ લોકોને પ્રભાવિત કર્યા છે. ૪ લોકોના મોત થયા છે, ૨૧ ઘાયલ છે અને ૨ મહિલાઓ ગુમ હોવાનું જાણવા મળે છે. કર્ણાટકમાં પણ ભારે વરસાદ પડતા કર્ણાટકના બેલગાવી અને શિવમોગ્ગામાં આજે શાળાઓ અને આંગણવાડીઓ બંધ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial