Advertisement
Author: નોબત સમાચાર

આ તો ગણતરી ઉંધી પડી

                                                                                                                                                                                                      

કહેવાય છે કે ભારતમાં બે જ વસ્તુ ગમે ત્યારે આવી શકે છેઃ એક, ચોમાસામાં વરસાદ (ભલે હવામાન ખાતું ના પાડે) અને બીજા, લગ્નના વેવાઈ બનવા નીકળેલા મહેમાનો! ઉંમરલાયક ચુનિયાના ઘરમાં પણ શનિવારની ગુલાબી સાંજે આવો જ એક ચમત્કાર થયો.

દરવાજો ખખડ્યો અને ચુનિયાના પિતાજીએ દરવાજો ખોલ્યો. સામે બે સજ્જનો હાથમાં સરકારી લુકવાળી ફાઈલો અને ચહેરા પર ગંભીરતા લઈને ઊભા હતા. બાપાએ એમના ચહેરાના ભાવ અને હાથની ફાઈલો જોઈને મનોમન ગણિત માંડી દીધુુું.

''બસ, આ નક્કી ચુનિયા માટે કન્યાના પિતા અને મોટાભાઈ જ છે!''

પછી તો ઘરમાં જે આગતા-સ્વાગતા શરૂ થઈ, તેનાથી ઈન્દ્રાસન પણ ડોલી જાય.

સવાલોની ઝડી અને ચુનિયાના સપનાની ઉડાન

મહેમાનો સોફા પર ગોઠવાયા. એમણે ચશ્મા સરખા કરીને પૂછ્યું, ''મકાન તમારૃં પોતાનું છે?''

રઘલાએ છાતી ગજગજ ફુલાવીને કહૃાું, ''હા જી, આપણા દાદાના વખતનું છે, પણ હમણાં જ નવું કલરકામ કરાવ્યું છે!''

મહેમાનનો બીજો સવાલ આવ્યોઃ ''ઘરમાં એસી કેટલા છે?''

ચુનિયાએ ઓરડાની પાછળથી જ માથું ધુણાવીને ઈશારો કર્યો. બાપાએ તુરંત જ કહૃાું, ''બે છે સાહેબ, અને ત્રીજું ચુનિયાના રૂમમાં લગાડવાનું વિચારીએ છીએ. છોકરાને ગરમી બહુ લાગે!''

''રૂમ કેટલા છે? વાહન કયું વાપરો છો? ઘરમાં કોમ્પ્યુટર કે લેપટોપ છે?'' સવાલોનો સિલસિલો ચાલતો રહૃાો.

ચુનિયો તો અંદરના રૂમમાં અરીસા સામે ઊભો રહીને માથાના વાળ સરખા કરવા લાગ્યો. એના મનમાં શરણાઈઓ વાગવા માંડી હતી. એણે મનોમન વિચારી લીધું કે છોકરી નક્કી હાઈ-ફાઈ ઘરની લાગે છે, એટલે જ પિતાજી આટલી બારીકાઈથી 'પ્રોપર્ટી'ની તપાસ કરી રહૃાા છે. ચુનિયાએ તો મનોમન હનીમૂનનું બુકિંગ પણ સ્વિટ્ઝર્લેન્ડ કરવું કે શિમલા એના પ્લાન ઘડી નાખ્યા!

ચા, નાસ્તો અને 'કન્યા'ની ભણતર-કથા

બાપાએ રસોડામાં જઈને બાને ઓર્ડર આપ્યો, ''એ સાંભળે છે? ચામાં એલચી-આદુ બરાબર નાખજે. અને ઓલા કાજુ-બદામવાળા બિસ્કિટ કાઢ. ઘરાક બહુ મોટું છે!''

ટેબલ પર ગરમાગરમ ચા, મમરા, વેફર અને પેંડા ગોઠવાઈ ગયા. મહેમાનોએ પણ કોઈજાતના સંકોચ વગર નાસ્તા પર ન્યાય આપવાનું શરૂ કર્યું. ચુનિયો આછું મલકાતો મલકાતો સોફાની બાજુમાં આવીને બેસી ગયો. મહેમાનોએ એની સામે જોયું, પણ કંઈ પૂછ્યું નહીં, બસ ફાઈલમાં ટપકાં કરતા રહૃાા.

બધો નાસ્તો પતી ગયો, ચાની છેલ્લી ચુસ્કી લેવાઈ ગઈ એટલે રઘલાથી હવે રહેવાયું નહીં. એમણે અત્યાર સુધી દબાવી રાખેલો અસલી સવાલ બહુ જ મીઠાશ અને ભાવથી પૂછ્યોઃ

''બધું તો ઠીક સાહેબ, પણ આપણી કન્યા શું ભણી છે?''

સોફા પર એક ક્ષણ માટે સ્મશાન શાંતિ છવાઈ ગઈ. બંને મહેમાનોએ ચાનો કપ ટેબલ પર મૂક્યો, એકબીજાની સામે જોયું અને પછી રઘલા સામે જોઈને બોલ્યાઃ

''અરે ભાઈ સાહેબ! કઈ કન્યા? અમે તો વસ્તી ગણતરીવાળા છીએ!!!''

આ સાંભળતાં જ ચુનિયાના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું! સ્વિટ્ઝર્લેન્ડના બરફના પહાડો પીગળીને પાણી-પાણી થઈ ગયા. બાપાના હાથમાંથી ચાની રકાબી છૂટતા છૂટતા બચી. જે મહેમાનોને એ 'વેવાઈ' સમજીને કાજુ-બદામ ખવડાવતા હતા, એ તો સરકારી આંકડા ભેગા કરવા વાળા નીકળ્યા!

આ તો થઈ ચુનિયાના ઘરની વાત, પણ વસ્તી ગણતરીવાળા જ્યારે સોસાયટીઓમાં ફરે છે ત્યારે એવા એવા કિસ્સા બને છે કે હસવું રોકી શકાતું નથી.

આવો જ એક બીજો કિસ્સો બાજુની ગલીમાં રહેતા કાનજીભાઈના ઘરે બન્યો. કાનજીભાઈ નિવૃત્ત થઈને ઘરે બેઠા-બેઠા સાંજે પાડોશના ટ્યુશનના બાળકોને ભણાવે. સોસાયટીના ૧૦-૧૨ ટાબરિયાં કાનજીભાઈના હોલમાં ગોદડાં પાથરીને ભણવા બેઠેલા.

બરાબર એ જ સમયે વસ્તી ગણતરીના અધિકારીઓ ફાઈલ લઈને ધબધબ કરતા ઘરમાં ઘૂસ્યા. ઘરમાં બાળકોની ભીડ જોઈને અધિકારીની આંખો પહોળી થઈ ગઈ. એમણે ચશ્માના કાચ સાફ કર્યા અને કાનજીભાઈને પૂછ્યું: ''આ બધા તમારા જ છે?''

કાનજીભાઈ ગણિતના દાખલા ગણાવવામાં એટલા મશગૂલ હતા કે એમણે પાછળ જોયા વગર જ કહી દીધું, ''હા, આ બધા મારા જ છે. રોજ સાંજે અહીં જ આવીને ધામા નાખે છે. આ મોટો છે એ બહુ તોફાની છે, અને ઓલી નાની છે એ બહુ હોશિયાર છે!''

અધિકારી તો ગંભીર થઈ ગયા! એમણે દેશના વસ્તી વધારાના સંકટ પર મનોમન એક મોટું ભાષણ તૈયાર કરી નાખ્યું. એમણે ફટાફટ ફોર્મ ખોલ્યું અને કાનજીભાઈના નામે 'કુલ સંતાનોની સંખ્યાઃ ૧૨' લખી નાખી!

જો કાનજીભાઈના પત્નીએ સમયસર આવીને ચોખવટ ના કરી હોત કે, ''અલ્યા ભાઈ, આ તો ટ્યુશનના બાળકો છે, આપણા તો બે જ છે જે અમેરિકા સેટલ છે!'' તો કાનજીભાઈને સરકાર તરફથી 'વસ્તી વધારા બદલ' વિશેષ એવોર્ડ મળી ગયો હોત!

જ્યારે આ લોકો પૂછે કે 'ઘરમાં ગાડી છે?' ત્યારે લોકો ટેક્સ બચાવવા કે સરકારી સબસિડી મેળવવા માટે એવી એક્ટિંગ કરે છે કે જાણે એમના જેવું ગરીબ દુનિયામાં કોઈ નથી. ''ના સાહેબ, ગાડી તો શું, સાયકલમાંય પંચર છે!'' (ભલે બહાર બ્રાન્ડ ન્યૂ સ્કોડા ઊભી હોય!)

કેટલાક ઘરોમાં તો વસ્તી ગણતરી વખતે પાડોશીના છોકરાઓ પણ રમતા રમતા આવી જાય, તો ઘરના વડીલો એમને પણ પોતાના ગણાવી દે છે, જેથી રેશનકાર્ડમાં કદાચ બે કિલો અનાજ વધારે મળે!

ચુનિયાના ઘરેથી જ્યારે વસ્તી ગણતરીવાળા અધિકારીઓ ફાઈલ બંધ કરીને ઊભા થયા, ત્યારે ચુનિયાએ દિલ તૂટ્યાના દર્દ સાથે પૂછ્યું, ''સાહેબ, તમારી ફાઈલમાં કોઈ કન્યાની વિગત હોય તો આપતા જાવ ને, અમારે ગણતરી સરખી થઈ જાય!''

અધિકારીએ હસીને કહૃાું, ''ભાઈ, અમે માણસો ગણીએ છીએ, માંડવા નથી રોપતા!''

એટલે જ કહેવાય છે કે,

વિચારવાયુઃ જ્યારે પણ ઘરે કોઈ અજાણ્યા મહેમાન આવીને તમારા ઘરની સુખ-સાહેબીના સવાલો પૂછે, ત્યારે બહુ રાજી ન થવું. કાં તો એ વસ્તી ગણતરીવાળા હશે, કાં ઈન્કમટેક્સવાળા.

મિલન ત્રીવેદી

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh