Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ભાગોળે ખીજડિયા બાયપાસ પાસે આખરી વિરાટ અસ્મિતા સંમેલનમાં ઉમટી પડેલા એક લાખ જેટલા ક્ષત્રિયોને આહ્વાનઃ
જામનગર તા. ૪: રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ હવે ભાજપના ઉમેદવારોને હરાવવાના આક્રમક મૂડમાં આવી ગયો છે.
જામનગરની ભાગોળે ખીજડિયા બાયપાસ પાસે ક્ષત્રિય સમાજનું અતિ વિશાળ મહાસંમેલન યોજાયું હતું. જેમાં જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના સ્થળોએથી રાજ્યભરમાંથી એકાદ લાખ ક્ષત્રિય ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતાં.
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાર ધર્મરથનું પરિભ્રમણ પૂર્ણ થયું હતું. જોગવડ પાસે આશાપુરા મંદિરે રાત્રે ધર્મરથની પુર્ણાહૂતિ સાથે જામનગરમાં ક્ષત્રિય સમાજનું અંતિમ અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં કરણી સેના, ગુજરાત રાજપૂત સમાજ, સંકલન સમિતિ (ગોલા) ના નેજા હેઠળ જામનગર રાજપૂત સમાજના યજમાનપદે યોજાયેલું હતું. જેમાં ક્ષત્રિય સમાજના સંગઠનોના આગેવાનો પી.ટી. જાડેજા, જયેન્દ્રસિંહ, રમજુભા, કરણસિંહ ચાવડા, હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત રાજપૂત મહિલા હાલાર કરણી સેનાના પ્રભારી કાંતુભા પાંખના પ્રમુખ તૃપ્તિબા, જામનગર રાજપૂત સમાજની તમામ બાર શાખાઓના હોદ્દેદારો, કચ્છ કરણી સેના, ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ તથા અન્ય વડીછલો ઉપસ્થિત રહ્યા હતાં.
આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, હવે 'યુદ્ધ એ જ કલ્યાણ'. હવે આપણે સૌએ ભાજપના ઉમેદવારને હરાવવાનો સંકલ્પ લેવાનો છે. ભાજપ વિરૂદ્ધ મતદાન કરો, અને કોંગ્રેસના ઉમેદવારને મત આપો અને મત અપાવોની ખુલ્લેઆમ હાકલ કરી હતી. જેને ઉપસ્થિત પ્રચંડ જનમેદનીએ જયભવાનીના નારા સાથે વધાવી લઈ સંકલ્પને સમર્થન આપ્યું હતું.
આ સંમેલનમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, ૭ મી તારીખ સુધી ક્ષત્રિય સમાજની દરેક વ્યક્તિ મતદાર યાદી મેળવી ઘરે ઘરે ફરીને કોંગ્રેસને મત આપવાના પ્રચાર સાથે કામે લાગી જાય. ખાસ કરીને ૭ મી તારીખે મતદાનના દિવસે સૌ સજાગ રહી મતદાન કરાવે તેવો અનુરોધ કરાયો હતો.
જામસાહેબે ભલે વડાપ્રધાનનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું, પણ સમાજને અને બાપુને ક્ષત્રિય સમાજની લડત સાથે કોઈ લેવાદેવા નથી. એટલું જ નહીં, હવેથી દિવાળીના દિવસે ક્ષત્રિય સમાજના લોકો જામસાહેબ બાપુને રામ રામ કરવા પણ નહીં જાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ મહાસંમેલનમાં જામનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા તથા અન્ય કોંગી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ક્ષત્રિય સમાજ સમક્ષ જે.પી. મારવિયાએ પોતે કોંગ્રેસ પક્ષ ક્યારેય નહીં છોડે તેવું સોગંદનામું રજૂ કરીને ક્ષત્રિય સમાજના નિડરપણે ખુલ્લેઆમ કોંગ્રેસને સમર્થન આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજની લડતને અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના અભિયાનને ગઢવી સમાજ, દલિત સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, કોળી સમાજ, દેવીપૂજક સમાજ સહિતના વિવિધ સમાજોએ જાહેરમાં સમર્થન આપ્યું હતું.
લોકસભા પછી પંચાયત-પાલિકાની ચૂંટણીઓમાં પણ કરાશે વિરોધ ?
ગુજરાતમાં મતદાન સંપન્ન થયા પછી પણ ગામડે-ગામડે રામ રાજ્ય રથ ફરશે?
ખીજડિયા બાયપાસ પાસે ક્ષત્રિયોના સંમેલન દરમિયાન આ લડતમાં અન્ય કેટલાક સમાજોએ પણ ટેકો પૂરાવ્યો હોવાનો દાવો કરાયો છે, અને જામસાહેબે પી.એમ. મોદીને રજવાડી સંસ્કારો મુજબ આવકાર્યા હોય, તેથી આંદોલન અટકી જવાનું નથી, તેવા રણકાર સાથે એવું કહેવામાં આવ્યું કે સાતમી મે ના ભાજપ વિરોધી મતદાન કરીને આ આંદોલન અટકવાનું નથી, પરંતુ તે પછી પણ ગામડે-ગામડે રામરાજ્ય રથ ફેરવાશે, અને પંચાયત-પાલિકાઓમાં પણ આ આંદોલનની અસરો થશે. બીજી તરફ જૂનાગઢના ક્ષત્રિય અસ્મિતા આંદોલનમાં ક્ષત્રિય સમાજને મજબૂરીવશ ભાજપની વિરૂદ્ધમાં કોંગ્રેસને મત આપવા પડશે, તેવી જાહેરાત થઈ હોવાની ચર્ચા પણ છે. જો કે, કેટાલક લોકો ભાજપનો વિરોધ કરાય તે બરાબર પણ કોઈ ચોક્કસ પાર્ટીને મતો આપવાની અપીલ કરવાથી રાજકારણ પ્રવેશતા આંદોલન નબળું પડી શકે, તેમ પણ માને છે. આંદોલનકારીઓ ૧૦ લાખ પત્રો લખશે, તેવી જાહેરાત પણ ચર્ચામાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial