Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વિકરાળ બનતી રહેલી ટ્રાફિક સમસ્યાનું મુખ્યકારણ 'દબાણ માફિયાઓનું રાજ'

ટ્રાફિકને અડચણરૂપ રેંકડી-પથારા હટાવવાની જવાબદારી ટ્રાફિક પોલીસની પણ ગણાય કે નહીં? ...હટાવાયા પછી ત્વરીત પુનઃ સ્થાપનનું મહત્ત્વ શું? બોદા તંત્રો અને નેતાઓની ચૂપકીદી!!

જામનગર તા. ર૧: જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ તેમજ શહેરી ટ્રાફિક પોલીસ શાખાની વ્હાલા-દવલાની નીતિ, બેફામ હપ્તાખોરી, રાજકીય ભલામણો તથા દાદાગીરીના પરિણામે શહેરના અતિવ્યસ્ત માર્ગો પર દબાણ કરનારાઓનું રાજ ચાલી રહ્યું છે.

જામનગરમાં ખાસ કરીને મુખ્ય અને વ્યસ્ત માર્ગો, બજારોમાં ટુ-વ્હીલરના પાર્કિંગ માટે કોઈ સુચારૂ વ્યવસ્થા જ નથી. પરિણામે ટુ-વ્હીલર વાહનવાળાઓને વાહનો પાર્ક ક્યાં કરવા તે મોટી સમસ્યા છે. રસ્તાની બન્ને સાઈડમાં રેંકડીઓના ખડકલા જામેલા હોય છે. દુકાનદારો, વેપારીઓ પોતાના માલ-સામાનના ડસપ્લેના બહાને ફૂટપાથ અને રસ્તા ઉપર માલ-સામાનના ખડકલા કરે છે. ફૂટપાથો ઉપર, રસ્તા ઉપર વાહનોના રીપેરીંગના કામો થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દોઝ્યા ઉપર ડામ જેમ ટોઈંગવાળા સવારથી નીકળી પડે અને ટુ-વ્હીલર વાહનો ઉપાડી જાય, દંડ ભરીને તેને છોડાવવાની દોડધામમાં પાર્કિંગના અભાવે દરરોજ અનેક નિર્દોષ અને નાના વર્ગના લોકો પીડાઈ રહ્યા છે.

જામનગરનો હવાઈચોક વિસ્તાર તો રેંકડીઓના દબાણો માટે કુખ્યાત છે જ, પણ હવાઈચોકથી લઈ સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, ચાંદીબજાર સુધીના માર્ગ ઉપર રસ્તાની બન્ને બાજુ દબાણોના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. નવાઈની વાત એ છેકે આ અત્યંત વ્યસ્ત માર્ગ ઉપર ક્યાંય ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત જ જોવા મળતો નથી.

ત્રણબત્તીથી બેડીગેઈટ સુધીના માર્ગ પર એક-બે પાથરણાવાળા તો પિતાજીની માલિકીની જગ્યા હોય તેમ પાર્કિંગની વિશાળ જગ્યા રોકી રોડ પર બિન્દાસપણે ધંધો કરે છે, તો સ્ટેટ બેંક તરફની સાઈડમાં ત્રણ-ચાર ફ્રૂૂટવાળા અડધે રસ્તે આવીને સવારથી રાત્રિ સુધી દબાણ કરીને ઊભા રહે છે. બેડીગેઈટથી ટાઉનહોલ સુધીના માર્ગ પર પણ ફ્રૂટની રેંકડીઓવાળા રસ્તા વચ્ચોવચ્ચ આવીને ઊભા રહી જાય છે.

જુના રેલવે સ્ટેશનમાં અંબર ચોકડી પાસે ત્રિકોણિયાવાળી ફેન્સીંગ કરેલી જગ્યામાં તો દબાણો કાયમી છે જ, પણ આ જ દબાણકર્તાઓને વારંવાર હટાવાયા પછી પાછા ફેન્સીંગની બહાર જાહેર રોડ પર આવી જાય છે અને ટ્રાફિકને ભારે અડચણ પેદા કરી રહ્યા છે.

પંચેશ્વર ટાવરથી સુપર માર્કેટ સુધીના માર્ગ પર ઓટો સ્પેરપાર્ટવાળાની દુકાનોવાળાઓ બહાર આડેધડ વાહનો ખડકાયેલા રહે છે. સ્પેરપાર્ટના આવેલા કાર્ટુનો-ખોખાના ખડકલા કલાકો સુધી રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર રાખે છે. આ દુકાનોની બહાર જ દુકાનવાળાના માણસો દ્વારા રસ્તા ઉપર જ વાહનોના રીપેરીંગ, એસેસરીઝ ફીટ કરવાનો ધંધો કરતા હોવાથી આ માર્ગ ઉપર ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની જાય છે, અને આખા દિવસ દરમિયાન અનેક વખત વાહનો સામસામા આવી જવા, ટ્રાફિક જામ થવાના, અકસ્માતો થવાના, વાનોને નુક્સાન થવાના કિસ્સાઓ બને છે, તો વળી ફૂટપાથ ઉપર આખી ફૂટપાથ રોકીને ખુલ્લમખુલ્લા વાહનોના રીપેરીંગ કરવામાં આવે છે. આ ફૂટપાથ તો મસમોટું દબાણ સાથેનું ખુલ્લુ ગેરેજ બની ગયું હોય તેવી સ્થિતિ છે.

રણજીત રોડ ઉપર નવી સાયકલ વેંચવાવાળા દુકાનદારો ફૂટપાથ ઉપર નવી સાયકલોને ડીસ્પ્લેમાં ગોઠવી આખી ફૂટપાથ રોકે છે, તો પંજાબ બેંકવાળી શેરીના ખૂણે તો બે બાંકડા રાખી દેવાયા, પછી ફરસાણાવાળાના માંડવા અડધા રોડને રોકે છે!

આવી હાલત સમગ્ર શહેરમાં છે... શું આવી અતિ ગંભીર પરિસ્થિતિની જામનગરના કોઈ ચૂંટાયેલા કોર્પોરેટર કે રાજકીય નેતાને નથી, શું શહેરના પોલીસ અધિકારીઓને કે અન્ય સરકારી અધિકરીઓને આવી સ્થિતિનો અનુભવ થયો નથી? મ્યુનિ. કમિશનરને વાસ્તવિક્તાનો ખ્યાલ નથી?

આ સમસ્યાનું મુખ્ય કારણ અગાઉ ઉલ્લેખ કર્યો તેમ એસ્ટેટ વિભાગની હપ્તાખોરી જ મુખ્ય કારણભૂત હોય છે. છડેચોક ચર્ચાઈ રહ્યું છે. કોર્પોરેટરો અને મનપાના પદાધિકારીઓના મામકાઓ માટેની ભલામણોને કારણે પણ દબાણો હટાવવાની કામગીરી થતી નથી.

આપણા શહેરમાં એક બાબતની સ્પષ્ટતા સત્તાવાર રીતે જાહેર કરવાની જરૂર છે. રસ્તા પર વચ્ચોવચ્ચ રેંકડી કે અન્ય દબાણ હોય તો તેને હટાવવાની સત્તા અને જવાબદારી કોની?

ટ્રાફિક પોલીસવાળાની બાજુમાં જ રસ્તા વચ્ચે રેંકડીવાળા બિન્દાસ ઊભા હોય, ક્યાંક તો ટ્રાફિકવાળા રેંકડીવાળાના ખભે હાથ રાખીને ટાઈમ પાસ કરતા પણ જોવા મળે. ટ્રાફિક પોલીસવાળા એવો જવાબ આપે કે આવા દબાણો હટાવવાની સત્તા અનેજવાબદારી મહાનગર પાલિકાની છે! તો પછી ટોઈંગવાળા સાથે ટુ-વ્હીલર વાહનોને ઉપાડી લેવાની કામગીરીમાં શા માટે ટ્રાફિક પોલીસ સાથે રહે છે?

દબાણોના મુદ્દે ટ્રાફિક પોલીસ અને મનપાના એસ્ટેટ વિભાગે સંકલન કરી સતત અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે, નહીં કે એક બીજાને 'ખો' દઈ દેવો!

જામનગરની આવી અતિ ગંભીર ટ્રાફિક સમસ્યા અને દબાણ માફિયાઓની દાદાગીરી અંગે ક્યારે કડક અને કાયમી કાર્યવાહી થશે? બાકી તો બે-ચાર રેંકડી ઉપાડીને દબાણો હટાવ્યાની બહાદુરી દેખાડતા ફોટા આવી જાય એટલે બસ પત્યુ. બાકી ત્યારપછી ગણતરીના કલાકો કે ગણતરીના દિવસોમાં જ તે જ દબાણ માફિયાઓ તે જ જગ્યાએ કોલર ઊંચા રાખીને વટથી રસ્તા વચ્ચે ઊભા રહીને ધંધો કરતા હોય છે, મૂછમાં ખંધાઈ સાથે હસતા હોય છે.

શહેરના કોમર્શિયલ કોમ્પ્લેક્ષોના પાર્કિંગ ખુલ્લા કરાવી, તેમાં ભરાયેલા કચરા, ગંદકી, પાણી સાફ કરાવી વાહનો વ્યવસ્થિત પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવાની કડક સૂચના સાથેની કાર્યવાહી કરવામાં આવે તો પણ થોડી ઘણી રાહત થાય.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh