Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક નિયમન, વોટર સ્પોર્ટસ એક્ટિવિટી, સુવિધાજનક ટોપલેટ, સીઆર ઝેડના પ્રશ્નો ઉકેલવા જેવા મુદ્દે ઝડપી કાર્યવાહી જરૂરી
દ્વારકા તા. ૧૪: યાત્રાધામ દ્વારકામાં તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકાસલક્ષી અનેક યોજનાઓ સાથે સમગ્ર દ્વારકા ક્ષેત્રના વિકાસના મંડાણ કર્યા પછી થોડા ઘણાં અંશે વિકાસ થયો, પરંતુ આજે પણ યાત્રાધામમાં ટુરીઝમની દશા અને દિશા બદલી શકે તેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અંગે સરકારો દ્વારા યાત્રાધામના વિકાસ અંગે મોટી-મોટી જાહેરાતો કરી આરંભે શૂરવીરતા દાખવ્યા પછી તેના નહીંવત અમલીકરણથી યાત્રાધામના વિકાસ અંગે સરકાર પંચવર્ષીય યોજનાની જેમ જનતાને કોણીએ ગોળ લગાવતી હોય તેવો ઘાટ ઉપસ્થિત થતાં લોકમુખે વિકાસની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
દ્વારકા ઉપરાંત બેટ-દ્વારકા, નાગેશ્વર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ વિગેરે જગ્યાએ પણ વિકાસલક્ષી જાહેરાતો બાદ યોગ્ય અમલીકરણ યા તો નિભાવના વિકાસલક્ષી યોજનાઓ ધૂળ ખાઈ રહી હોય તેવું જણાય રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલ શિવરાજપુર બીચ પર દરરોજ હજારો સહેલાણીઓ આવી રહ્યાં છે ત્યારે પણ સીઆરઝેડના પ્રશ્ને નકશાઓ, પ્લાન કરવામાં આવી રહ્યાં ન હોય, ડેવલોપમેન્ટનું કામ ત્યાં પણ અટકી ગયું છે, અને આ વિસ્તારમાં બાંધકામની પરવાનગી ન મળ્યે વિકાસકાર્યો અટકી ગયા છે. એક તરફ સરકાર ત્રણ તબક્કે બીચનો વિકાસ કરી રહી છે ત્યારે ટુરીઝમ વધતાં એરીયા ડેવલોપમેન્ટની તકો હોવા છતાં મંજૂરીના અભાવે બાંધકામોને મંજૂરી મળતી નથી.
મોરબીમાં પુલ દુર્ઘટના બાદ રાજ્યભરના આ પ્રકારના બ્રીજની સાથોસાથ દ્વારકાના જગત મંદિર ઉપરાંતના જોવાલાયક સ્થળોમાં પ્રમુખ આકર્ષણમાં અને દરરોજના ઓછામાં ઓછા પાંચ હજાર મુલાકાતીઓની અવરજવરવાળા સુદામા સેતુને સુરક્ષાના કારણોસર બંધ કરી દેવાયા બાદ આજદિન સુધી મરામત કાર્ય કરી ન શકાતા બંધ હાલતમાં છે. જન્માષ્ટમીમાં લાખો ભાવિકો દ્વારકા આવ્યા ત્યારે પણ તેઓ સુદામા સેતુની મુલાકાતથી વંચિત રહ્યાં હતાં.
ઓખા-દ્વારકા સત્તા મંડળની રચના ઉતાવળે કરી નાખી હોય તેમ જાહેરાત બાદથી આ મંડળ અંગેની જીડીસીઆર બનેલા નથી અને લાંબો સમય લાગે તેમ છે. ટીપી ર્કીમો પણ બની નથી ત્યારે બાંધકામની પરમીશન જ સમગ્ર ઓખામંડળમાંથી એકાએક બંધ કરી દેવાતા નવા બાંધકામો કરવા ઈચ્છુક હોટલ, રેસ્ટોરા, સ્થાનિકોને મંજૂરી જ કોઈ રીતે મળે તેમ ન હોય મંજૂરી માટે અરજદારો અહીં તહીં ભટકી રહ્યા હોય પારાવાર મુશ્કેલી અંગે ગાંધીનગર સુધી રજૂઆતો બાદ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિર્ણય અંગે જાણે શીર્ષાસન કર્યું હોય તેમ હાલ પૂરતી ૩૦ સપ્ટેમ્બર સુધી ઓખા તથા દ્વારકા નગરપાલિકાને અગાઉની જેમ પુનઃ બાંધકામ મંજુરીની સત્તા આપવામાં આવી છે. જેને પુનઃ લંબાવાય તેવા ઉજળા સંજોગો છે.
છેલ્લા દસ વર્ષના સમયગાળામાં દ્વારકાને એરપોર્ટ આપવા અંગે અલગ અલગ સ્તરે ચાર વખત આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ વખત તો જગ્યાઓ જોઈ ત્રણ વાર અલગ અલગ જગ્યાની જાહેરાતો પણ કરાઈ છે આમ છતાં આજદિન સુધી આ અંગે કંઈ જ ફાઈનલ ન થતાં આવી જાહેરાતો પણ હવાહવાઈ સાબિત થઈ છે. ખંભાળીયા નજીક એરસ્ટ્રીપની કામગીરી પૂર્ણ કરી શકાઈ નથી.
દ્વારકાધીશ જગતમંદિર આસપાસ સાંકડી ગલીઓ તથા બજારોમાં આવેલ દુકાનદારો દ્વારા દુકાનની બહાર ત્રણ-ચાર ફૂટ જેટલા દબાણો કરી લેતા ઉદાહરણો ઠેરઠેર જોવા મળી રહ્યા છે અને તેમાં પણ દુકાનની આગળ ટેબલ નાખી અન્ય ધંધાર્થીઓ ભાડેથી યા તો દબાણ કરી કામો કરી રહ્યા છે. જેના કારણે સાંકડી બજારો વધુ સાંકડી બની છે અને આ પરિસ્થિતિ પોલીસ-નગરપાલિકાની નાક નીચે વર્ષોથી યથાવત રહી છે. કોઈ મોટા નેતાના આગમન વખતે તંત્ર આવા દબાણો હટાવે છે જ્યારે અન્ય સમયે નિવેધ મળી જતાં હોય તેમ આંખ મીંચી જાય છે. નગરપાલિકા તો પાર્કિંગ અંગેનો કોન્ટ્રાકટ આઉટસોર્સ કરી દેવાતા તેઓ દ્વારા મનફાવે તેમ જેવા દબાણ તેવા ઉઘરાણા કરાતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તંત્રનું મૌન સૂચક છે.
દ્વારકાના ગોમતી ઘાટ, શિવરાજપુર બીચ તેમજ બેટ દ્વારકા વગેરે જગ્યાઓએ સહેલાણીઓને પ્રમુખ આકર્ષણ મળી રહે તેવા વોટરસ્પોર્ટસ એકટીવીટીઝ ચાલતી હતી જે હાલમાં બંધ હાલતમાં છે. આ અંગે નિયમો કે લાયસન્સની સરળ પ્રક્રિયા ન થતાં યા તો અમલવારી ન થતાં તેમજ ગાઈડલાઈન્સ ન બનતા રાજ્યમાં ગમે ત્યાં દુર્ઘટના બને તો તરત તેની અસર અન્ય સ્થળોએ પણ થતાં તમામ ટુરીસ્ટ સ્પોટ પર હાલમાં વોટર સ્પોર્ટસને લગતી તમામ એકટીવીટીઝ બંધ હાલતમાં જોવા મળી રહી છે. અધિકારીગણ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તો આ તમામ એકટીવીટીઝ લીગલી પુનઃ ચાલુ કરી શકાય તેમ છે.
દ્વારકાની આશરે પચાસ હજારની વસ્તી ઉપરાંત દરરોજ આવતા રપ-૩૦ હજાર યાત્રાળુઓ માટે પીવાના પાણીની પણ સમસ્યા છે. હાલ સુધી દર અઠવાડિયે - પખવાડિયે ૧પ-ર૦ દિવસે એકાદ વાર ચાર આની નકેશનમાં ૧પ મીનીટ પીવાનું પાણી પૂરૃં પાડી શકાય તેવી સ્થિતિ છે. લોકોને મીટર દ્વારા પીવાના પાણી આપવામાં આવે અને રહેણાંક અને કોમર્શીયલ એમ અલગ અલગ કનેકશન આપવામાં આવે તેમજ ભુતિયા જોડાણોને શોધી બંધ કરાય તો જ નલ સે જલ જેવી મહાત્વાકાંક્ષી યોજનાને ખરા અર્થમાં સાકાર કરી શકાય તેમ છે અને હાલમાં ૧પ-ર૦ દિવસે આવતા પાણીને નિયમિત ટૂંકા ગાળામાં વિતરણ કરી શકાય તેમ છે.
છેલ્લા વર્ષોમાં ટુરીઝમના વિકાસ સાથે દ્વારકા આવતા યાત્રાળુઓના પ્રવાહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દ્વારકાધીશ જગતમંદિર તેમજ દ્વારકા દર્શન રૂટમાં આવતા નાગેશ્વર જયોતિર્લિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા, ગોપી તળાવમાં પ્રમુખ મંદિરો આસપાસ મહદઅંશે સુવિધાજનક ટોયલેટ-બાથરૂમ વિગેરેની પ્રાથમિક જરૂરીયાતસમી સુવિધા ઉપલબ્ધ નથી.
છેલ્લા દોઢ દાયકામાં દ્વારકાના રિલાયન્સ રોડ, ગાયત્રી મંદિરથી સંગમનારાયણના મંદિર વચ્ચેના બીચ, ભડકેશ્વર બીચ વગેરે અનેક કલાત્મક પિલરો નબળી ગુણવત્તાની ફરિયાદે અનેક પિલરો તૂટયા બાદ અનેક જોખમી બનેલા પિલરોને તંત્રએ જ દૂર કર્યા છે. દ્વારકાના રાવળા તળાવમાં કરોડોના વિકાસકાર્યો થવા છતાં તેનો યોગ્ય સ્તરે ઉપયોગ ન કરી શકાતા શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહ્યા છે. લાખોના ખર્ચે ઉભા કરાયેઈ એલઈડી ટાવર ઉપયોગ વિના જ જમીનદોસ્ત થયા છે. આવી નબળી ગુણવત્તાની કામગીરીની ફરિયાદો છતાં એકપણ કોન્ટ્રાકટર સામે આજદિન સુધી કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી કે દંડાત્મક કામગીરી પણ કરવામાં ન આવતાં અનેક તર્કવિર્તક થઈ રહ્યા છે.
શિવરાજપુર બીચમાં હજુ પણ બીચ ડેવલોપમેન્ટના નામ પર બીજી એજન્સી મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવે છે અને દરેક પુખ્ત વ્યક્તિદીઠ ર૦ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. આમ છતાં સાંજે ૬ વાગ્યે બીચને પબ્લિક માટે બંધ કરી દેવાય છે. ભારતનો પશ્ચિમ છેવાડાનો બ્લ્યુ ફલેટ બીચ હોય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બીચ પર દેશ વિદેશથી સહેલાણીઓ આવતા હોય સાંજે ૬ વાગ્યે બીચને પબ્લિક માટે બંધ કરી દેવાતા સૂર્યાસ્તનો બહેતરીન નઝારો માણવાથી ચૂકી જાય છે. આથી બીચના નિયમોમાં પણ યાત્રીકલક્ષી સુધારાઓની તાતી જરૂરિયાત છે.
રાજ્યકક્ષાએ પણ હલચલ શરૂ
વિકાસ પ્રોજેક્ટો માટે સરકાર પણ થઈ સક્રિય !
રાજ્ય કક્ષાએ પણ યાત્રાધામ દ્વારકાના મુદ્દે હલચલ શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકારે પણ કેટલીક વિશેષ નિયુક્તિઓ સહિતના કદમ ઉઠાવ્યા છે, જેના તાજા અહેવાલો પણ આવી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial