Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાના ટનબદ્ધ કચરો ઉપાડવાના દાવા ફોગટઃ ખુદ મેયરના વોર્ડમાં જ ઠેર-ઠેર ઉકરડા

રોજેરોજ ફૂંકાતા બણગાંનો ફિયાસ્કોઃ યે લોગ દિખાતે કુછ ઔર હૈ, હોતા કુછ ઔર હૈ...

ભારે વરસાદ પછી સમગ્ર જામનગર શહેરમાં પાણી ભરાયેલા ખાડા, કચરો, ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. તેમાં વળી આપણાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા જાણે નગરજનો ઉપર કોઈ ઉપકાર કરતું હોય તેમ દરરોજ શહેરમાંથી આટલા ટન કચરો ઉપાડ્યો-નિકાલ કર્યાની પ્રસિદ્ધ કર્યે રાખે છે પણ વાસ્તવિકતા સાવ અલગ જ છે.

ખૂદ જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યાના વોર્ડ નંં. ૧૬ ઘણાં દિવસોથી ગંદકી-કચરાથી ખદબદી રહ્યો છે. જેમાં વોર્ડ નં. ૧૬ના એક કોર્પોરેટરની ઓફિસ, બજરંગબલી મંદિરના ગેઈટ પાસે, સાધના કોલોનીના જલારામ મંદિર તેમજ જ્યાં બાળકો અભ્યાસ માટે આવે છે તે સિદ્ધ વિનાયક શાળા પાસેના વિસ્તાર સહિત આ વોર્ડના મોટાભાગના વિસ્તારો, ચોક, શેરી-ગલીઓ, માર્ગો પર કચરો-ગંદકીના ઢગલાં ફેલાયેલા જોવા મળે છે.

આ ગંદકીના કારણે સમગ્ર વોર્ડમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. છેલ્લા ચાર-ચાર દિવસથી આ વોર્ડમાં ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની ગાડી આવતી નથી. આ વિસ્તારના કોર્પોરેટરો જણાવે છે કે તંત્ર પાસે પૂરતી સંખ્યામાં ગાડી નથી. મનપા તંત્રમાં અધિકારીઓને રજુઆત કરી તો જવાબ આપતા નથી .તાત્કાલીક ગાડી આપવાની રજુઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી અને જ્યાં સુધી ગાડી ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી આવી જ પરિસ્થિતિ રહેશે અને દિન-પ્રતિદિન ગંદકી-કચરાનો વધારો થયે રાખશે.

ભારે વરસાદ પછી સ્થિત બગડી

જામનગરમાં મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વકર્યો, સઘન સફાઈ જરૂરી

જામનગરમાં અતિ ભારે વરસાદ ૫છી ચોતરફ ફેલાયેલ ગંદકી, પાણી ભરેલ ખાડાના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. પરિણામે સરકારી, ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.

બે અઠવાડીયા પહેલાં જામનગરમાં ભારે વરસાદ થયો હતો. જો કે વરસાદી પાણી ઓસરી ગયા છે. પરંતુ શહેરમાં ચોતરફ ઉકરડા જોવા મળે છે. શહેરમાં સઘન સફાઈ અને ટનબંધ કચરો ઉપાડવામાં આવ્યો હોવાના દાવા વચ્ચે ઉકરડા જોવા મળી રહ્યા છે તે પણ હકીકત છે.

આ ઉપરાંત કેટલાક સ્થળે પાણીના ખાડા ભર્યા છે તો અમૂક ખાનગી પ્લોટ પણ પાણીથી લથબથ છે જ્યાં સફાઈની જવાબદારી મહાનગરપાલિકાની નથી પરંતુ સંબંધિતોને સફાઈ બાબતે નોટીસ આપવાની જવાબદારી તો મહાનગરપાલિકાની જ છે, પરિણામે જામનગરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો, દવાખાના દર્દીથી ઉભરાઈ રહ્યા છે.

શહેરમાંથી કચરા પેટી ઉપાડી લેવાનો મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય કર્યો છે અને સૂચના આપી છે કે લોકોએ પોતાના ઘર-ધંધાકીય સ્થળેથી નીકળતો કચરો મહાનગરપાલિકાની કચરા ગાડીમાં જ નિકાલ કરવાનો રહેશે.

મહાનગરપાલિકાની કચરા ગાડી સત્વરે કચરો લેવા આવે છે પરંતુ અમૂક રેસ્ટોરન્ટ, હોટલવાળા રાત્રે હોટલ, રેસ્ટોરન્ટ બંધ કરવા સમયે એઠવાડનો નિકાલ નજીકના જાહેર ઉકરડામાં જ કરે છે અને આવા સ્થળોની સફાઈ અનેક દિવસો સુધી થતી નથી. કચરા પેટી પણ નહીં હોવાથી રોડ ઉપર જ ઉકરડામાં આવા સૂકા-ભીના કચરાનો નિકાલ કરી દેવાય છે. આથી આવા સ્થળોએ સઘન સફાઈ થાય અને ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh