Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ગરમી વધી રહી છે, અને તાપમાનનો પારો દિન-પ્રતિદિન ઉંચકાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ વીજ વપરાશ વધવાનો છે. આ કારણે વીજ વપરાશ નિયમન તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવાની ઝુંબેશ આદરવાની જરૂર છે, અને તેની શરૂઆત સરકારી કચેરીઓ, નેતાઓ, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, જનપ્રતિનિધિઓની ચેમ્બર્સ, બેંકો, શાળા-મહાશાળાઓ અને એવા તમામ જાહેર સ્થળોથી કરવી જોઈએ, જ્યાં રાત-દિવસ સામૂહિક રીતે વીજ ઉપકરણો વપરાતા હોય.
કોઈપણ વ્યક્તિ હાજર નહીં હોવા છતાં એ.સી., લાઈટ ચાલુ રહેવા કે પંખા ફરતા રહેવા, સેનિટેશન સંકૂલો તથા લોબીઓમાં વિનાકારણ લાઈટો ચાલુ રહેવી, કેટલાક સ્થળોએ સવારે મોડે સુધી સ્ટ્રીટલાઈટો બંધ નહીં થવી અને કોઈ જોતું ન હોય તો પણ ચોવીસેય કલાક ટેલિવિઝન ચાલુ રહેવું, વિગેરે નાની-નાની જણાતી આપણી ભૂલોના કારણે એકંદરે ઘણી જ મોટી માત્રામાં વીજળી વપરાય જતી હોય છે, અને વીજળીની તંગી ઊભી થવાની સંભાવનાઓ વધી જવાની સાથે-સાથે વીજલાઈનો, ડી.પી. ટ્રાન્સમીશન ઉપકરણો તથા વિદ્યુત સપ્લાઈ સ્ટેશનો પર બોજ વધી જતા મેગા ફોલ્ટ સર્જાતા હોય છે, અને આ બધાનો ભોગ છેવટે તો પબ્લિકે જ બનવું પડતું હોય છે ને...?
હજુ ઉનાળાનો પ્રારંભ થયો ત્યાં જ વીજળીના ધાંધિયાની ફરિયાદો વિવિધ ગ્રામ્ય વિસ્તારો તથા શહેરોમાંથી પણ ઉઠવા લાગી છે, ત્યારે આખો ઉનાળો કેવો જશે અને અસહ્ય ગરમી વચ્ચે વીજ ઉપકરણોની પણ મર્યાદા હોવાથી કોણ જાણે કેવી સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ પ્રકારની સંભાવનાઓ વચ્ચે "સબ સલામત" ની રેકર્ડ વગાડતા તંત્રો અને અતિ આત્મવિશ્વાસ કે દુર્લક્ષ્યતાની માનસિકતામાં રહેતા શાસકોએ પણ અત્યારથી જ જાગી જવાની જરૂર છે, અન્યથા ભરઉનાળે જો ભયંકર વીજ તંગી કે નબળી વીજ લાઈનો કે પૂરતી ક્ષમતા વિનાના વીજ ઉપરકરણોના કારણે લાંબો વીજ વિક્ષેપ સર્જાશે, ત્યારે સ્થિતિને નિયંત્રણમાં લેવાનું મુશ્કેલ બની જશે, આવુ બધું થશે, તો લોકોની નારાજગી ક્યાં સુધી પડઘાશે, તે સરકાર અને શાસકપક્ષે વિચારવું જ પડે ને...?
ગુજરાતમા ઋતુગત ગરમીની સાથેસાથે રાજકીય ક્ષેત્રે પણ ગરમી વધી રહી હોય તેમ જણાય છે. ગુજરાતમાં કાંઈક "મોટું" થવાનું છે, તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનનું ગુજરાતમાં આયોજન થયા પછી પાર્ટીમાં સંચાર થયો છે, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થાશે, તેવા અહેવાલો વચ્ચે આમઆદમી પાર્ટી પણ વિસાવદર વિધાનસભા બેઠકના દરવાજેથી ગુજરાતની રાજનીતિમાં જબરદસ્ત કમ બેક કરવાની તૈયારી કરી રહી હોય તેમ જણાય છે, તો બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ હલચલ મચી છે, અને પ્રદેશ પ્રમુખ કોણ થશે...? તેની ચર્ચા ફરીથી ટોક ઓફ ધ સ્ટેટ બની ગઈ છે.
કોઈ કહે છે કે, ગુજરાતમાં પ્રદેશ ભાજપના પ્રમુખ ઓબીસીમાંથી હશે, તો કોઈ કહે છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતનો વારો છે. કોઈ કહે છે કે, શાહ-નડ્ડાના કોઈ વિશ્વાસુને ચાન્સ મળશે તો કોઈ કહે છે કે, પી.એમ. મોદીના કોઈ નજદીકી વફાદર નેતાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવાશે. આ વખતે હાલારના કોઈ નેતાને પણ પ્રદેશ પ્રમુખ બનવાની તક મળી શકે છે, તેવી ગપસપ વચ્ચે એક વખત ફરીથી જામનગર સાથે સંકળાયેલા ભીખુભાઈ દલસાણીયાનું નામ ચર્ચામાં છે. દાયકાઓથી ગુજરાત ભાજપ સાથે સંકળાયેલા અને પ્રદેશ ભાજપનું સંગઠન મજબૂત બનાવ્યા પછી બિહારમાં સંગઠન મંત્રી તરીકે સાયલન્ટલી કામ કર્યા પછી ગુજરાત ભાજપનું સુકાન તેમને સોંપાય, તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે. જો કે, ભાજપ આશ્ચર્યજનક જાહેરાતો માટે જાણીતો હોવાથી કોઈક નવું જ નામ જાહેર થઈ શકે છે.
કેટલાક વ્યંગકારો એવો કટાક્ષ પણ કરી રહ્યાં છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખ બન્ને કેન્દ્રીય મંત્રી છે, અને બબ્બે પદો પર બિરાજમાન છે, છતાં ભાજપમાં એક વ્યક્તિ એક પદનો દાવો થતો રહે છે. આ બન્ને મહાનુભાવો મંત્રી બન્યા પછી હજુ સુધી તેના રાજકીય પદો માટે પસંદગી ન થઈ શકતી હોય તો પાર્ટી વિથ ડિફરન્સ કેમ કહેવાય...?
આજે બંધારણના ઘડવૈયા અને આઝાદીના લડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જ્યંતી નિમિત્તે તેઓને ભાવભરી સ્મરણાંજલિ અર્પીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial