Advertisement
Author: નોબત સમાચાર

ચીનના એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રીઃ કર્ણાટકમાં બે કેસ નોંધાયા

ગુજરાત સરકારે નવા વાયરસને લઈને એડવાઈઝરી કરી જાહેરઃ કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગ સતર્કઃ મિટિંગ બોલાવાઈ

નવી દિલ્હી તા. ૬: ચીનમાં ફેલાયેલા નવા એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે અને કર્ણાટકમાં બે બાળકીઓને સંક્રમણ થયું હોવાનું બહાર આવ્યા પછી દેશનું સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક થઈ ગયું છે, અને ગુજરાત સરકારે પણ એડવાઈઝરી બહાર પાડી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસના બે કેસ શોધી કાઢ્યા છે. દેશભરમાં શ્વસન સંબંધી બીમારીઓ પર દેખરેખ રાખવા માટે આઈસીએમઆરના પ્રયાસોના ભાગરૂપે બહુવિધ શ્વસન વાયરલ પેથોજેન્સ માટે નિયમિત દેખરેખ દ્વારા બન્ને કેસોની ઓળખ કરવામાં આવી હોવાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ ૩ મહિનાની બાળકી અને ૮ મહિનાની બાળકી એચએમપીવી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી ધરાવતા આ અંગે કેન્દ્ર સરકાર સ્થિતિ પર નજર રાખી રહી હોવાનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું હતું.

વિશ્વભરને હચમચાવી ચૂકેલ કોવિડ મહામારી પછી એચએમપીવી નામના વાયરસે ચીનમાં ગભરાટ ફેલાવ્યો છે. હવે બેંગ્લોરમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ચિંતા ઉપજી છે. બેંગ્લુરૂની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં એચએમપીવી વાયરસ મળી આવ્યો છે.

આરોગ્ય વિભાગનું કહેવું છે કે, અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી. આશ્ચર્યની વાત એ છે કે બાળકની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. હોસ્પિટલની લેબોરેટરીમાં કરાયેલા ટેસ્ટમાં એચએમપીવી વાયરસની પુષ્ટિ થઈ છે. કર્ણાટકના આરોગ્ય વિભાગે કેન્દ્ર સરકારને આ માહિતી આપી છે. કર્ણાટક આરોગ્ય વિભાગ આઈસીએમઆર અને કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયની વધુ સૂચનાઓની રાહ જોવાઈ શકે છે, જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શું આ એચએમપીવીનો એ જ સ્ટ્રેનછે કે જ ે ચીનમાં કેસ વધી રહ્યો છે. એ ઉપરાંત બીજી ત્રણ વર્ષની બાળકીને પણ વાયરસ સંક્રમણ હોવાનું જાણવા મળે છે.

એચએમપીવી સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. એચએમપીવી તમામ ફ્લૂ નમુનાઓમાં ૦.૭ ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો તાણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. કોવિડ-૧૯ રોગચાળાના લગભગ પાંચ વર્ષ પછી ચીન એક નવા સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ સાથે અન્ય દેશોમાં પણ એચએમપીવી વાયરસના કેસ દેખાવા લાગ્યા છે, જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ ચીનમાં ફેલાતા વાયરસના ચેપ પર મૌન જાળવી રાખ્યું છે.

ગુજરાત સરકારની એડવાઈઝરી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે એચએમપીવી વાયરસને લઈ ખાસ માર્ગદર્શિકા બહાર પાડી જેમાં જરૂરી સૂચનો પણ આપ્યા છે. આરોગ્ય વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે, એચએમપીવી અન્ય શ્વસન જેવો વાયરસ છે. બાળકો અને વૃદ્ધોએ સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે. સામાનય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો આ વાયરસમાં જોવા મળે છે. સાથે સાથે આવશ્યક ન હોય તો આંખ, નાક, કાનનો સ્પર્શ ન કરવો જોઈએ તેમજ શરદી-ઉધરસ હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અને પ્રબળ રોગ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જોઈએ તેમજ વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ અને ચેપગ્રસ્ત વ્યક્તિની ચીજવસ્તુઓના સંપર્કમાં આવવું ના જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.

વિશ્વના દેશો પણ એલર્ટ

આ દરમિયાન ચીનના પડોશી દેશોએ તેમના નાગરિકોને સાવચેત રહેવા જણાવ્યું છે. મેલેશિયામાં એચએમપીવી વાયરસના કેસોને પગલે સરકારે એડવાઈઝરી જારી કરી છે. મલેશિયાના આરોગ્ય મંત્રાલયે લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા, ફેસ માસ્ક પહેરવા અને ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા સહિતના નિવારક પગલાં લેવા વિનંતી કરી છે. એમ સ્ટ્રેટ્સ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે. મંત્રાલયે કહ્યું, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને અન્ય લોકોને ચેપથી બચાવે. ખાસ કરીને બંધ અને ભીડવાળા વિસ્તારોમાં, આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં ચુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છે.

દરમિયાન હોંગકોંગમાં પણ એચએમપીવીના કેસ નોંધાયા છે. વાયરલ ચેપ છે જે શ્વસનતંત્રને અસર કરે છે. તેના લક્ષણો સામાન્ય શરદી જેવા હોય છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં, બ્રોક્રાઈટિસ અથવા ન્યુમોનિયા થઈ શકે છે. તે એક શ્વસન વાયરસ છે જે સામાન્ય રીતે સામાન્ય શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો સાથે ઉપલા અને નીચલા શ્વસન ચેપનું કારણ બને છે.

લક્ષણો અને સાવચેતી

વાયરસને માનવ મેટાપયુમોવાયરસ અથવા એચએમપીવી વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ, વહેતુ નાક અથવા ગળામાં દુઃખાવો આ સંક્રમણનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવી ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે, આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડાવઈઝરી જારી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડો. વંદના બગ્ગાએ રવિવારે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દિલ્હીમાં શ્વસન સંબંધી રોગોનો સામનો કરવાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભલામણો હેઠળ હોસ્પિટલને આઈએચઆઈપી પોર્ટલ દ્વારા ઈન્ફ્લ્યુએન્ઝા જેવા રોગોના કેસોની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

શંકાસ્પદ કેસ માટે કડક આઈસોલેશન પ્રોટોકોલ અને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને એસએઆરઆઈ કેસ અને લેબ દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિતામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોક્રોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh