Advertisement
Author: નોબત સમાચાર

સિંહણના મૃતદેહનો નિકાલ કરનાર બે આરોપીની જામીન અરજી ફગાવાઈ

આવી બાતમી આપનારને આપવામાં આવશે ઈનામઃ

જામનગર તા. ૨૧: કાલાવડના હંસ્થળ ગામ પાસે પથ્થરની ખાણમાંથી થોડા દિવસ પહેલાં સિંહણનો દાટી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂ થયેલી તપાસમાં સિંહણને ખેતર ફરતે કરાયેલી ફેન્સીંગમાંથી વીજશોર્ટ લાગ્યા પછી મૃતદેહનો નિકાલ કરાયો હોવાનુંં ખૂલ્યું હતું. બે આરોપીની ધરપકડ કરાઈ હતી. બંનેની જામીન અરજી અદાલતે ફગાવી છે. આવી બાતમી આપવા આગળ આવવા અનુરોધ કરાયો છે.

કાલાવડના ખંઢેરા પાસે હંસ્થળ રેવન્યુ વિસ્તારમાં આવેલી પથ્થર (બેલા)ની ખાણમાંથી થોડા દિવસ પહેલાં સિંહણનો દાટી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેની જાણ થતાં વનવિભાગની ટીમ તેમજ એફએસએલ, વેટરનરી ડોક્ટરની ટીમ દોડી ગઈ હતી.

ત્યાં ખોદકામ કરાતા સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. મુખ્ય વનસંરક્ષક (જુનાગઢ)ના ડો. કે. રમેશ, રાજકોટના વનસંરક્ષક આર. સેન્થીલકુમાર, જામનગરના નાયબ વનસંરક્ષક આર. ધનપાલ, દ્વારકાના નાયબ વનસંરક્ષક અરૂણકુમાર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા. તેઓએ સિંહણના મૃતદેહનો કબજો સંભાળ્યા પછી શરૂ કરેલી તપાસમાં કોઈ ખેતર ફરતે મુકાયેલી ફેન્સીંગમાં થી પ્રવાહિત થતી વીજળીના કારણે સિંહણનું મૃત્યુ થયાનું ખૂલ્યું હતું. તે દિશામાં આગળ વધેલી તપાસમાં નજરમામદ ઉર્ફે નિઝામ અનવર નોયડા તથા હુસેન ખાનમામદ નોયડા નામના હંસ્થળ ગામના બે શખ્સ સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને ફેન્સીંગ, એક બાઈક, દાંતરડુ તેમજ સિંહણના મૃતદેહના નિકાલ માટે વાપરવામાં આવેલુ ગાડુ, તગારા, પાવડા, લાકડાની સાઠી વગેરે કબજે કરી લેવાયા હતા.

બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. જેમાં બંનેએ સિંહણને વીજ આંચકો લાગ્યા પછી તેના મૃતદેહનો નિકાલ કરવા ગાડામાં મૃતદેહ મૂકી તેને પથ્થરની ખાણમાં દાટી દીધાની કબૂલાત આપી હતી. સિંહણના ગળામાં જીપીએસ ટેકીંગવાળું કોલર હોવાથી તેના મૃતદેહના સગડ મળ્યા હતા. રિમાન્ડની મુદ્દત પૂર્ણ થતાં બંને આરોપીને જેલહવાલે કરાયા હતા. આ બંનેએ કરેલી જામીન અરજી પણ નકારી કાઢવામાં આવી છે.

કાલાવડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.એસ. રાઠવાએ જણાવ્યું છે કે, આ પ્રકારના ગુન્હામાં સંડોવાયેલા શખ્સો તેમજ ગુન્હાને લગતી બાતમી આપનાર વ્યક્તિઓ માટે ઈનામની જોગવાઈ છે. બાતમી આપનારને ખાનગીરાહે ઈનામ આપવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh