Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ફરજિયાત સ્માર્ટ મીટર ઠોકી બેસાડવાની સરકાર/વીજતંત્રની રીતસરની એકતરફી જોહુકમીભરી કામગીરી સામે ઉગ્ર આક્રોશનું વાતાવરણ ફેલાયું છે. દિવસે-દિવસે આ આક્રોશ વધુને વધુ ઉગ્ર અને વ્યાપક બની રહ્યો હોય, ગુજરાત જેવા શાંત રાજ્યમાં અકારણ અશાંતિ સાથે પ્રજાજનો, ખાસ કરીને ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, મજૂરો, નોકરિયાત વર્ગમાં ભારે ચિંતા પ્રવર્તે છે. આવા માહોલમાં સ્માર્ટ મીટર ધરાર લગાડ્યાના કારસા સામે અનેક સ્થળે લતાવાસીઓ, સોસાયટીવાળાઓના ટોળા એકત્ર થયાના, મીટર ફીટ કરવા આવનારાને તગડી મૂકવાના, બબાલ થવાના કિસ્સાઓ બનવા લાગ્યા છે, તે વધુ ગંભીર અને ચિંતાજનક બાબત છે.
સ્માર્ટ મીટર લગાડવા કે ન લગાડવા તે બાબત જે તે રાજ્ય સરકારની મુનસુફી ઉપર નિર્ભર છે. ભારતમાં કેરળ સહિત કેટલાક રાજ્યોની રાજ્ય સરકારે સ્માર્ટ મીટરનો અમલ કરવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે! જો કે ગુજરાતમાં તો ભાજપ સરકાર છે અને કેન્દ્રની ભાજપ સરકારનો પડ્યો બોલ જીલી લેવાનો જ હોય છે, તેમ અત્યંત હરખપદુડા થઈને લોકસભાની ચૂંટણી પત્યા પછી ગુજરાતમાં ધડાધડ સ્માર્ટ મીટરો નાંખવાનું શરૂ કર્યું છે, પણ સ્માર્ટ મીટરનો થઈ રહેલો વ્યાપક વિરોધ અને આ વિરોધ વિરાટ સ્વયંભૂ જનઆંદોલનમાં પરિવર્તિત થાય તે પહેલા જ રાજ્ય સરકારે વીજતંત્રના ઉચ્ચ અધિકારીઓને તાબડતોબ ગાંધીનગર બોલાવી હાલ પૂરતી કામગીરી અટકાવી દેવાની સૂચના આપી હોવાનું જાણવા મળે છે.
કોઈપણ રાજકીય પક્ષ કે રાજકીય નેતા વગર ચોમેરથી ઊઠવા પામેલા જનઆક્રોશે પ્રજાની તાકાત બતાવી દીધી છે, અને આ પ્રશ્ન તો દરેક ઘર, દરેક પરિવારને સ્પર્શતો અતિ ગંભીર આર્થિક પ્રશ્ન છે. તેથી કોઈની આગેવાનીની પરવાહ લોકોએ કરી નથી તે હકીકત છે.
આમેય સતાધારી પક્ષના તો સરપંચથી લઈને સાંસદ સુધીના કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્માર્ટ મીટરમાં ઉતાવળે અમલ નહીં કરવાની રજૂઆત કરવા માટે એક હરફ પણ બોલ્યા નથી કે બોલી શકતા નથી તે આજના સત્તાલક્ષી રાજકારણની મોટી કમનસીબી જ ગણી શકાય...
આ તમામ બાબતોમાં સ્માર્ટ મીટરથી ફાયદા શું? તેવો યક્ષ પ્રશ્ન ઊઠે તે સ્વાભાવિક છે... જે તંત્ર વીજચોરી ડામવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે, અથવા મોટાપાયે વીજચોરીના કારસ્તાનમાં તે જ તંત્રના કર્મચારીઓની સામેલગીરી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. તે તંત્ર જણાવે છે કે સ્માર્ટી મીટરથી વીજચોરી અટકશે! કેવી રીતે અટકશે તેનો ખુલાસો પણ ક્ષુલ્લક જ છે. ગ્રામ્ય વિસ્તારો, શહેરની ફરતેના વિસ્તારોમાં લંગરીયાથી મોટાપાયે નહીં, પણ અતિશય મોટાપાયે વીજચોરી થાય છે તે જગજાહેર બાબત છે.
આ સ્માર્ટ મીટરની અમલવારીમાં સૌથી વધુ પરેશાન કરતી બાબત છે પ્રિ-પેઈડ અર્થાત્ અગાઉથી નાણા ભરી દેવાનો નિયમ... તમારૂ મીટર ચાલુ રાખવા પ્રિ-પ્રેઈડ નાણા ભરવાના... હવે તે માટે તંત્રના જણાવ્યા પ્રમાણે ઓનલાઈન ઉપરાંત ઓફલાઈન સુવિધા પણ રાખવામાં આવશે. તો તેનો મતલબ તો એ જ થયો કે જેમ બીલના નાણા ભરવા લોકો લાઈનમાં ઊભા રહેતા હતાં તેમ પ્રિ-પેઈડ રીચાર્જના નાણા ભરવા બારીએ લાઈનમાં ઊભા રહેવું પડશે.
સ્માર્ટ મોબાઈલ ફોન કેટલા લોકો પાસે છે તે વિચારવાને બદલે કેટલા પાસે નથી તે મહત્ત્વનું છે. સ્માર્ટ ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, તેમાં કેવી રીતે રીચાર્જના નાણા ભરવાના, તંત્રનો મેસેજ આવે તો તે સમજવો, ત્યારપછી ગ્રાહક તે પ્રક્રિયા કરે અને કામ આગળ ચાલે... પણ આટલી ગડમથલવાળી પ્રક્રિયામાં ગ્રાહક નંબર ખોટા ક્લીક થઈ જાય તો રીચાર્જના નાણા બીજાના ખાતામાં જમા રહે! સ્માર્ટ ફોન વાપરતા ન આવડતો હોય તેવા પરિવારોની સંખ્યા પણ મોટી છે તેથી તેમની અવગણના કરી શકાય નહીં અને તેમની અગવડતાઓ-મુશ્કેલીને ધ્યાને લઈને સુચારૂ વ્યવસ્થા કરવાની પ્રથમ જરૂરિયાત છે. સ્માર્ટ મીટરની અમલવારી તંત્ર કરે અને સ્માર્ટ ફોનની મોકાણના કારણે લોકો હેરાન થાય તેવો કઢંગો કારસો સરકારે/તંત્રએ કરી દીધો છે પણ હવે તેમાં પારોઠના પગલાં ભરવા પડે તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે... જોઈએ... સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની આમ જનતા પ્રત્યે કેટલી સંવેદનશીલ છે! બાકી હજી સુધી સત્તાવાર રીતે ક્યા ધોરણો પ્રમાણે સ્માર્ટ મીટરો નાંખવાના વિસ્તારો નક્કી કરાયા છે? ક્યા અધિકારીએ પ્લાન બનાવ્યો છે? તેનો ઉત્તર તંત્ર આપતું નથી અથવા આપી શકવાની સ્થિતિમાં નથી. આમ સામાન્ય લોકોમાં તો એક જ વાત વહેતી થઈ છે કે ભાઈ... તમે સૌ પ્રથમ મોટા ઉદ્યોગપતિઓ, શ્રીમંતના બંગલા, સરકારી કચેરીઓ, મોટા સ્ટોર/મોલ, સિનેમા ગૃહોમાં સ્માર્ટ મીટરો તો લગાડો... સીધે સીધા ગરીબ-મધ્યમ વર્ગના રહેણાંકો પર શા માટે ત્રાટકો છો? શા માટે મોંઘવારીમાં પ્રજાને વધુ પરેશાનીમાં મૂકો છો? કેટલાક પ્રામાણિક ગ્રાહકોએ તો જણાવ્યું કે ભાઈ... અમને હાલના મીટર સામે કોઈ વાંધો નથી, જે બીલ આપે છે તે બીલના નાણા અમે ડ્યુડેઈટ પહેલા પૂરેપૂરા ભરી દઈએ છીએ... તો પછી અમારા મીટર શા માટે ફરજિયાત બદલાવામાં આવે? અમારે નથી જરૂર સ્માર્ટ મીટરની.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial