Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં ૩૦ મે થી ર૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશેઃ તડામાર તૈયારી

દરરોજ ધૂમાડાબંધ મહાપ્રસાદઃ વ્યાસપીઠ પર રાજુભાઈ ગોર (લ્હેરૂ) બિરાજશે

રાવલ તા. ર૧: સમસ્ત જામ-રાવલ નગરજનો દ્વારા તા. ૩૦ મી મે થી ર૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે, જેની વ્યાસપીઠ પર રાજુભાઈ ગોર બિરાજશે. આ માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

સમસ્ત જામ-રાવલ નગરજનો તથા ગણપતિ ગૌશાળા ગ્રુપ દ્વારા તા. ૩૦ મી મે થી ૬ઠ્ઠી જૂન સુધી કોળી સમાજ સમૂહ લગ્ન ગ્રાઉન્ડ પર ર૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સામૂહિક આયોજન કરાયું છે, અને તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું આયોજકોએ જણાવ્યું છે.

વૈશાખ વદ સાતમને તા. ૩૦ મે ના કથાનો પાવન પ્રારંભ થશે, અને વૈશાખ વદ અમાસ ને ૬ઠ્ઠી જૂને પૂર્ણાહુતિ થશે. આ સપ્તાહ દરમિયાન દરરોજ બપોરે ધૂમાડાબંધ ભોજન પ્રસાદ (જમણવાર) નું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું જણાવી આયોજકો દ્વારા કથા શ્રવણ માટે આવતા મહેમાનો માટે પણ સમૂહ ભોજનની વ્યવસ્થા કરાઈ હોવાનું જણાવાયું છે.

તા. ૩૦ મી મે ને ગુરુવારે સવારે ૮ વાગ્યે દેહશુદ્ધિ, ગણેશસ્થાપન, દેવતાઓના આહ્વાન પછી બપોરે વર્તુનદીના ઘાટ પાસે આવેલા જુના રામજી મંદિરેથી ભાગવતજીની પોથીયાત્રા નીકળશે. તે પછી વિદ્વાન કથાકાર રાજુભાઈ ગોર (લ્હેરૂ) સંગીતમય કથાશ્રવણ કરાવશે. સપ્તાહ દરમિયાન દરરોજ વિવિધ ભક્તિ ગીત-સંગીતના કાર્યક્રમો યોજાશે. સપ્તાહ દરમિયાન કથા પ્રસંગો અનુસાર બીજી જૂને નૃસિંહ પ્રાગટ્ય, તા. ત્રીજી જૂને વામન પ્રાગટ્ય અને રામ તથા કૃષ્ણ જન્મોત્સવો, નંદભયો, પાંચમી જૂને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગો વિશેષ આધ્યાત્મિક અને ભક્તિમય ઉલ્લાસ સાથે આખું નગર સાથે મળીને ઉજવણશે. તા. ૬ઠ્ઠી જૂને પૂર્ણાહુતિ પ્રસંગે પણ વિશેષ કાર્યક્રમ યોજાશે, તે પછી સાતમી જૂનને શુક્રવારે દશાંશ યજ્ઞ યોજાશે.

કથાનો સમય દરરોજ સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ અને બપોરે ૩-૩૦ થી ૬-૩૦ નો રહેશે.

આ સમૂહકાર્યમાં સમસ્ત નગરજનો તથા રાવલના વતની હોય તેવા પરિવારો દ્વારા સહયોગ સાંપડી રહ્યો છે, અને યજમાનોને પોથી નોંધાવવા માટે કેતનભાઈ બુદ્ધભટ્ટી, રાણાભાઈ ગામી, વિવેકભાઈ દાવદ્રા અને રામભાઈ વારોતરિયાના મોબાઈલ નંબર પર કે રૂબરૂ સંપર્ક સાધી શકાશે, તેમ આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું. આ સત્કાર્ય માત્ર સમૂહભાવનાથી અને સેવાકાર્ય માટે જ યોજાઈ રહ્યું છે, ત્યારે પોથીજી લખાવીને યજમાનવૃત્તિ માટે વહેલો તે પહેલાના ધોરણે આ મંગલકાર્યના સહભાગી બની શકાય છે.

આ સત્કાર્યમાં અત્યારથી જ સહયોગી બની રહેલા સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સમગ્ર રાવલનગરમાં આ ભાગવત સપ્તાહના આયોજન માટે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

ભગવાન દ્વારકાધીશજીની કૃપાથી યોજાઈ રહેલા આ મહાજ્ઞાનયજ્ઞમાં દરરોજ બન્ને ટાઈમ કથા સાંભળવા અને વહેલો તે પહેલોના ધોરણે પોથી નોંધાવીને યજમાનપદ મેળવવા આયોજકો તરફથી અપીલ કરાઈ છે. આ ભાગવત સપ્તાહ સામૂહિક પિતૃમોક્ષાર્થે તો છે જ, સાથે સાથે નગરની એક્તા, સંપ અને સુખશાંતિને પણ વધુ સુદૃઢ બનાવશે, તેવી આશા આયોજકોએ વ્યક્ત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh