Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં 'નકલી'ની બોલબોલા...!
અમદાવાદ તા. ર૬: છેલ્લા ઘણાં સમયથી ગુજરાત રાજ્ય એટલે નકલીની ફેક્ટરી બની હોય તેવું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં નકલી ખાદ્ય વસ્તુ, નકલી અધિકારી, નકલી ટોલનાકા તો ઠીક, નકલી કોર્ટથી લઈ નકલી ન્યાય મળવા સુધીનો પણ ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે. આટલું ઓછું હતું તો હવે રાજ્યમાં શિક્ષણ વિભાગના નકલી હુકમ પણ મળવા લાગ્યા છે. બનાસકાંઠામાં બ્રિજેશ પરમાર નામના શિક્ષકે શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી બદલીનો ઓર્ડર આપ્યો હોવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવના સહી અને સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો. હાલ બદલીનો કેમ્પ યોજાયો હતો, જેમાં શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ મજાદર પ્રાથમિક શાળાના શિક્ષક બ્રિજેશ પરમારે નકલી સહી-સિક્કા સાથેનો ઓર્ડર બનાવી થરાદની ડુવા પ્રાથમિક શાળામાં જે શિક્ષક ફરજ બજાવે છે તેને આ ઓર્ડર આપી દીધો હતો. આ શિક્ષક જ્યારે જે-તે સમયે બદલીના ઓર્ડર મુજબ અન્ય શાળામાં હાજર થવા ગયા ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
શિક્ષકને કર્યા સસ્પેન્ડ
સમગ્ર ઘટનાની જાણ થતા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક ધોરણે શિક્ષક બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી દીધો છે અને પોલીસ ફરિયાદના આદેશ આપ્યા છે. વડગામ તાલુકાના શિક્ષણ અધિકારી આ સમગ્ર વિષયે તપાસ કરી રહ્યાં છે. સમગ્ર તપાસ બાદ શિક્ષક બ્રિજેશ પરમાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સમગ્ર ઘટના સાથે આવ્યા પછી પ્રશ્ન થઈ રહ્યો છે કે, ગુજરાતમાં લોકોને અસલી શું મળી રહ્યું છે...? સ્વાસ્થ્ય, શિક્ષણ, ન્યાય તેમજ વ્યવસથા જો તમામમાં નકલી વસ્તુ ઘુસી રહી છે, તો રાજ્યના નાગરિકોને અસલી શું મળી રહ્યું છે...? રાજ્યની પરિસ્થિતિ તો હાલ એવી થઈ ગઈ છે કે, કોઈપણ વસ્તુ કે સેવા લેતા પહેલા લોકોને વારંવાર વિચારવું પડે છે કે, ક્યાંક આ પણ નકલી નહીં હોય ને...? એકબાજું વધી રહેલી મોંઘવારી વચ્ચે લોકો ગમે તેટલા પૈસા આપીને કોઈ વસ્તુ કે સેવા અસલી મળશે કે નહીં તેની ગેરંટી પણ સરકાર અપાવી શકે તેમ ન નથી. તેમ છતાં દરેક ચૂંટણીમાં ગુજરત મોડેલના નામનો ડંકો વગાડવામાં આવે છે.