Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટના અમલનો તર્કબદ્ધ વિરોધ

અદાલતોએ રસ્તાની તેમજ અન્ય સમસ્યાઓને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય કરવા રજૂઆતઃ

જામનગર તા. ર૬: ગુજરાતમાં ફરીથી ટુ-વ્હીલર ચાલકો માટે ફરજિયાત હેલ્મેટનું ભૂત ધુણ્યું છે! તેમાંય દિવાળીના તહેવારો ટાણે જ પ્રજાને આ નિયમની અમલવારીના નામે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. જામનગરના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શશિકાંતભાઈ મશરૂએ એક અખબારી નિવેદનમાં ફરજિયાત હેલ્મેટના કારણે લોકોને કેવી-કેવી મુશ્કેલી પડશે તેનો ઉલ્લેખ કરી તર્કબદ્ધ વિરોધ વ્યક્ત કર્યો છે. અદાલતોએ આ મુદ્દાઓને ધ્યાને લઈ કમ-સે-કમ શહેરી વિસ્તારમાં ફરજિયાત હેલ્મેટની અમલવારીમાં છૂટ આપવી જોઈએ.

ગુજરાત હાઈકોર્ટએ દ્વિ-ચક્રી વાહનચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે કડક વલણ અપનાવ્યું છે. સરકારનું વલણ આ બાબતે થોડું 'ઢચુપચુ' જેવું છે.! પણ હવે આ કાયદાનો અમલ સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ ઉપર થતા ધીરે ધીરે સામાન્ય ટુ-વ્હીલરચાલકોને પણ લાગુ થઈ ગયો છે.

ફરજિયાત હેલ્મેટના કાયદા સામે છેક ર૦૦૬ ની સાલથી જ વિરોધ થવાનું ચાલુ થઈ ગયેલ હતું, પરંતુ વચ્ચે વચ્ચે ચૂંટણીઓ આવતી રહી અને પ્રજાનો ગુસ્સો ચરમસીમાએ ન પહોંચે તેની ચૂંટણીલક્ષી ગણતરીઓ સાથે સરકાર પણ અમલ કરાવવામાં ઢીલું વલણ અપનાવતી રહેતી હતી.

ટુ-વ્હીલર વાહનચાલકે હેલ્મેટ પહેરવા સામે શા માટે વિરોધ કરે છે તેમાંના કેટલાક કારણો અહીં રજૂ કર્યા છે.

- કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે તેની અંતિમ યાત્રામાં બસની પાછળ મોટાભાગના સંબંધીઓ પોતાના ટુ-વ્હીલર ઉપર જતા હોય છે. હવે કાયદા મુજબ હેલ્મેટ પહેરવી જ પડતી હોય ત્યારે સ્મશાનમાં સો-દોઢસો જેવી સંખ્યામાં આવેલા સગા-સંબંધીઓની હેલ્મેટ ક્યાં રાખવી?

- કોઈને ત્યાં લગ્નપ્રસંગે પતિ-પત્ની ટુ-વ્હીલર ઉપર જતા હોય ત્યારે લગ્ન સ્થળે હેલ્મેટ ક્યાં રાખવી? એક હાથમાં જમવાની થાળી રાખવી કે હેલ્મેટ રાખવી? લગ્ન સ્થળે યજમાનએ હંગામી ધોરણે હેલ્મેટ સ્ટેન્ડ ઊભું કરવું કે હેલ્મેટ સાચવવા માટે કોઈ વ્યક્તિને બેસાડવો? વળી કઈ હેલ્મેટ ક્યા મહેમાનની છે તે ઓળખવા માટે ટોકન નંબર આપવા?

- કોઈ જ્ઞાતિમાં સમૂહભોજન (નાત) નો પ્રસંગ હોય, વીસ-પચીસ હજારની સંખ્યામાંથી મોટાભાગના લોકો પોતાના ટુ-વ્હીલર ઉપર ડબલ સવારીમાં જમવા માટે આવ્યા હોય ત્યારે બન્ને વ્યક્તિએ બબ્બે હેલ્મેટ ક્યાં રાખવી? નાતનું આયોજન કરનાર સંસ્થાએ હેલ્મેટના ઢગલા સાચવવા માટે પણ વ્યવસ્થા કરવી?

- બ્રાન્ડેડ કંપનીની હેલ્મેટ એક સરખી હોય અને કોઈ સ્થળે ઘણાં બધા ટુ-વ્હીલર ચાલકો એક સ્થળે પોત-પોતાની  હેલ્મેટ રાખે ત્યારે કઈ હેલ્મેટ કોની છે તે બાબત શાબ્દિક બોલાચાલી થાય અથવા મારામારીના કેસો થશે તો તેના માટે પોલીસ તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવશે?

- ક્યારેક નાની-નાની વસ્તુઓ ખરીદવા માટે અનેક દુકાનો, રેંકડીઓ પાસે થોભવું પડતું હોય ત્યારે પણ હેલ્મેટ પહેરવી-ઉતારવી મુશ્કેલ બની જાય છે.

- પોલીસ ચોપડે જેની 'સમડી' તરીકે નોંધ થયેલી છે તેવા ગુનેગારો રસ્તે ચાલીને જતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ભાગી ગયાના અનેક કિસ્સાઓ બન્યા છે. જેમાં આવા ગુનેગારોએ પોતાની ઓળખ છૂપાવવા હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપ્યો હોય છે. હેલ્મેટના આવા દુરૂપયોગ સામે શું પગલાં લેવામાં આવ્યા?

- ક્યારેક એવું પણ જોવામાં આવ્યું છે કે કોઈ વેપારી એકલો હોય અને પોતાના ધંધામાં પેઢી ઉપર ધ્યાન રહે તે માટે પોતાની સાથે ટુ-વ્હીલર ઉપર બેસાડીને પોતાના મોટી ઉંમરના પિતાને સાથે લાવતા હોય અને ઉંમરના કારણે તેના પિતા સાવ નમી ગયેલી હાલતમાં મજબૂરીથી આવતા હોય ત્યારે કાયદા મુજબ આવી સાવ વૃદ્ધ વ્યક્તિએ હેલ્મેટ પહેરવી જ પડે?

- ટુ-વ્હીલર અકસ્માત કેસમાં મૃત્યુ પામેલ ચાલકને હેલ્મેટ નહોતી પહેરી એવા કારણોસર વીમા કંપની વળતર ન ચૂકવે તો? અથવા વીમા કંપનીની શરતોમાં એવી કલમ ન હોય તો?

- કોઈ વખત ટુ-વ્હીલર ઉપર જનાર વ્યક્તિને રસ્તામાં પગે ચાલીને જતો પરિચીત મળે અને લિફ્ટ માંગે તો દેખિતી રીતે તેની પાસે હેલ્મેટ ન હોવાના કારણોસર લિફ્ટ આપવી કે પછી આવા લોકો માટે ટુ-વ્હીલરમાં એક્સ્ટ્રા હેલ્મેટ (સ્પેર હેલ્મેટ) રાખવી?

- વર્તમાન પત્રોમાં એવા ઘણાં સમાચાર વાંચ્યા છે કે પગપાળા ચાલીને જતા રાહદારીઓને ચાર પૈડા કે આઠ-દસ પૈડાવાળા મોટા વાહનચાલકોએ હડફેટે લઈને સીધા જ યમલોક પહોંચાડી દીધા! તો પ્રશ્ન એ પણ છે કે પગપાળા ચાલીને જતા રાહદારીઓએ જીવ જોખમમાં ન મૂકવા માટે મહારાણા પ્રતાપ જેવું બખતર પહેરીને જ રસ્તા ઉપર ચાલવું?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh