Advertisement
Author: નોબત સમાચાર

અમરેલી જિલ્લામાં મેઘતાંડવઃ ૭ થી ૧૧ ઈંચ વરસાદ

વઢેરામાં ઘરોમાં પાણી ઘુસ્યાઃ પાંચ તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર

                                                                                                                                                                                                      

અમરેલી તા. ૬: અમરેલી જિલ્લામાં ૭ થી ૧૧ ઈંચ સુધી વરસાદ ખાબકતા ભારેપુરમાં ઘેરાયેલા ગામોમાં આખી રાત દિલધડક રેસ્કયૂ ઓપરેશન ચાલ્યું હતું, અને ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો છે. રાજુલામાં ૧૧ ઇંચ, ધારીમાં ૯ ઇંચ અને ખાંભામાં ૭ ઇંચ જેટલા પ્રચંડ વરસાદને કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

આ કુદરતી આફત વચ્ચે વહીવટી તંત્ર, પોલીસકાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ રાત-દિવસ જોયા વગર મોરચો સંભાળ્યો છે. ભારે પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા ચલાલામાંથી ૧૦૦ લોકોનું સલામત સ્થળાંતર, ધારીના મીઠાપુર ડુંગરી ગામેથી ૬૮થી વધુ લોકોનું તેમજ જાફરાબાદના વઢેરા અને સાવરકુંડલાના જુના સાવર ગામે આખી રાત દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને અનેક નાગરિકોના જીવ બચાવવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે ૫૫ જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે સાવચેતીના પગલારૂપે અસરગ્રસ્ત ૫ તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભારે વરસાદને પગલે ધાતરવડી નદીમાં આવેલા પૂરના કારણે વડ ગામ નજીક નદી કાંઠે આવેલો પાળો તૂટી ગયો છે. પાળો તૂટતા નદીકાંઠે આવેલા એક રહેણાંક મકાનની દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. ઉપરાંત ગામના સ્મશાનમાં પણ ધોવાણ થયું છે અને આસપાસની ખેતીની જમીનને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્રના અધિકારીઓ વડ ગામે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. પાણીનો નિકાલ કેવી રીતે કરી શકાય અને વધુ નુકસાન અટકાવવા માટે જરૂરી કાર્યવાહી અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુંજી નદીના પૂરના પાણી ફરી વળતાં એક પરપ્રાંતિય પરિવારના ૮ સભ્ય આખી રાત વાડી વિસ્તારમાં ફસાયેલા રહૃાા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા કલેક્ટરની સૂચનાથી લીલીયા મામલતદાર, ટી.ડી.ઓ. સહિત વહીવટી તંત્રની ટીમ ભારે પૂર વચ્ચે પણ રાતભર ખડેપગે રહી હતી. તંત્ર દ્વારા અલગ-અલગ વાડી વિસ્તારોમાં ફસાયેલા આ તમામ ૮ લોકોને ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે બહાર કાઢીને દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

બીજી તરફ, જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ અને વાવાઝોડા જેવા માહોલને કારણે પીજીવીસીએલ વીજ તંત્રને મોટું નુકસાન પહોંચ્યું છે. પ્રચંડ વરસાદના લીધે સાવરકુંડલા, જાફરાબાદ અને ઉના સહિતના વિસ્તારોના ૫૫ જેટલા ગામડાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેમાં અંદાજિત ૨૨૨ વીજપોલ અને ૯ ટ્રાન્સફોર્મર ધરાશાયી કે ક્ષતિગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ખોરવાયેલો વીજ પુરવઠો વહેલી તકે પુનઃ કાર્યરત કરવા માટે પીજીવીસીએલ વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે.

ચલાલા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લીધે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. ઘટનાની ગંભીરતા સમજીને સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકાની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. સંકલિત બચાવ કામગીરી હાથ ધરીને નીચાણવાળા વિસ્તારોમાંથી અંદાજિત ૧૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ ચલાલામાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને તંત્ર દ્વારા પળેપળની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામના પ્લોટ વિસ્તારમાં પૂરના ધસમસતા પ્રવાહ ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ફસાઈ ગયા હતા. આ સમયે સ્થાનિક પોલીસના જવાનો વહારે આવ્યા હતા. પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા, પોતાની જાનના જોખમે પૂરના પાણીમાં ઊતરીને માસૂમ બાળકો અને અસહાય વૃદ્ધોને તેડીને તથા સહારો આપીને સુરક્ષિત સ્થળે બહાર કાઢ્યા હતા. પોલીસની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને સ્થાનિકો બિરદાવી રહૃાા છે.

સૌથી ચોંકાવનારી ઘટના સાવરકુંડલાના જુના સાવર ગામે બની હતી. ઉનાથી જામનગર તરફ કાર ટોઇંગ કરીને લઈ જઈ રહેલી એક ક્રેન અને કાર જુના સાવર ગામ નજીક અચાનક નદીના વહેણમાં તણાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક યુવક મન્સૂરી રિજવાનભાઈ રફીકભાઈ, ઉંમર ૨૧ વર્ષ, રહે. ઉના) જીવ બચાવવા માટે કારની છત પર ચડી ગયો હતો અને ભારે પૂર વચ્ચે ૫ કલાક સુધી ફસાયેલો રહૃાો હતો.

ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય મહેશ કસવાળા, નગરપાલિકા સદસ્ય નાસીર ચૌહાણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, ટી.ડી.ઓ., મામલતદાર અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ભારે જહેમત બાદ રાત્રે ૨ વાગ્યે યુવકને સહી-સલામત રીતે બહાર કાઢી નવજીવન આપવામાં આવ્યું હતું.

ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા ૬૮ લોકો માટે ફાયર વિભાગે વિશેષ બચાવ અભિયાન હાથ ધર્યું હતું. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની સીધી સૂચનાના આધારે શરૂ કરાયેલા આ રેસ્ક્યુ ઓપરેશનમાં અમરેલી ફાયર વિભાગના જવાનોએ જોખમ વચ્ચે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં સ્થાનિકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો.

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં સતત વરસાદ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. દિવ્ય ભાસ્કરની ડિજિટલ ટીમ મોડી રાત્રે ગામમાં પહોંચી ત્યારે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાનું અને સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, જનપ્રતિનિધિઓ અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની દેખરેખ હેઠળ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વઢેરા ગામના ૨૦૦થી ૩૦૦ ઘરોમાં પાણી ઘૂસ્યાનો ગ્રામજનનો દાવો વઢેરા ગામના રહેવાસી મંગાભાઈ પેઠાભાઈ બાંભણિયાએ જણાવ્યું હતું કે સવારથી સતત ધોધમાર વરસાદ વરસી રહૃાો છે અને ગામના અંદાજે ૨૦૦થી ૩૦૦ ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ રાત વધતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને સવાર સુધી પાણી ઉતરવાની કોઈ શક્યતા દેખાતી નથી.

અમરેલી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. દરિયાકાંઠાના તેમજ નીચાણવાળા ગામોમાં સતત નજર રાખવામાં આવી રહી છે. નદીઓના જળસ્તર, વરસાદની સ્થિતિ અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ સ્થળાંતર અને બચાવ કામગીરી માટે ટીમોને સજ્જ રાખવામાં આવી છે. વરસાદ યથાવત રહેતાં આગામી કલાકોમાં પરિસ્થિતિ પર સૌની નજર ટકેલી છે.

ભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગની સૂચના અનુસાર, જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત એવા ૫ તાલુકાઓઃ સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા વિસ્તારની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ ખાનગી શાળાઓમાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh