Advertisement
Author: નોબત સમાચાર

રતુમડા ગાલ અને લીલીછમ્મ થાળીની અદ્ભુત મૌસમ એટલે ઠંડોગાર શિયાળો!

વિદેશોમાં સિઝનલ ફૂડ જેવી કોઈ વ્યવસ્થા કે શોખ જ નથી!: બારેમાસ પિઝા, પાસ્તા, નુડલ્સ, મોમોઝ અને બર્ગર ઝાપટતા લોકો મૌસમના વૈભવથી અજાણ

શિયાળાના પગરણ થયા. ઠંડી પડતાં જ ગાલ રતુમડા અને ભોજનની થાળી લીલીછમ્મ થવા લાગે. વિશ્વમાં દોમદોમ સાયબી ભોગવતા બીજા દેશોમાં શિયાળાની આવી જાહોજલાલી નથી. બારે માસ પિઝા, બર્ગર, કોક, થીક શેક અને નૂડલસ જ આરોગવાના. ગુજરાતીઓ ભારે નસીબદાર છે, ખાવાના શોખીન ગુજરાતીઓને જીભના ચટકા અને ભરપુર ખેત પેદાશો આપી છે. જો કે કાળઝાળ ઉનાળામાં પણ રસભર કેરીઓનો અંબાર ખડકાઈ જાય છે. શરીર ઉપર સ્વેટર અને થાળીમાં લીલી હળદર આવે એટલે જલસા પડી જાય. ગામડાઓમાં ખેતરે ખેતરે જયાફત ઉડવા લાગે. શિયાળામાં સુરતી અને કાઠીયાવાડી જમણના ટોળાં જામવાં લાગે. સુરતી ઊંધિયું અને કાઠીયાવાડી ઘૂટો હવે દેશ બહાર પણ ફેમસ થઈ ગયા છે.

નવરાત્રિમાં લોક ગાયકોને વિદેશમાં તડકો પડે તેમ શિયાળામાં ગુજરાતી રસોઈયાઓ પણ હવે દેશે દેશ ઉડતા થઈ ગયા છે. વિદેશી ગુજરાતીઓ પણ ઓવનમાં પકાવેલ  રેડી ટુ ઈટ ખોરાકથી વાજ આવી ગયા છે. ત્યાં શિયાળો લગભગ આઠ માસ હોય એટલે ઠંડીની નવાઈ નથી. પરંતુ ભારે ઠંડીથી બચવા માટે સિનિયર સિટીઝનો વતનની વાટ પકડે છે અને અહીં દેસી તડકાની જયાફતો ઉડાવે છે.

અમારા એક સ્નેહી તાજેતરમાં ટેક્સાસથી આવ્યા હતા તે કહે, ગુજરાતમાં માત્ર આછા લીલા કલરની જ કોબી મળે, ત્યાં લાલ, પીળી, બદામી જેવા અનેક કલરના કોબીજના દડા મળે. કલરનું વૈવિધ્ય હોવાનું કારણ એ કે અમેરિકામાં આસપાસના અનેક દેશોમાંથી કોબી આયાત થાય એટલે જેવો દેશ તેવો કલર! કેનેડા અને મેક્સિકોની કોબી સૌથી વધુ ટેસ્ટી અને જયુસી હોય. દડા જેવા ઓળાના રીંગણ પણ ગુજરાત કરતાં લાંબા સમય સુધી મળે. અમેરિકા, કેનેડા, બ્રિટનમાં હવે ગુજરાત જેવા શાકભાજી મળતાં થઈ ગયા છે. જ્યાં ગુજરાતીઓ વસતા હોય ત્યાં ગુજરાતમાંથી જ આયાત થતા મરી મસાલા સરળતાથી મળી રહે. જો કે ગુજરાત જેવી સોડમદાર બાંધાની હિંગ હજુ મળતી નથી. વિદેશના લોકો આપણાં જેવા મૌસમના વૈભવથી સાવ અજાણ છે. થાળીમાં સિઝન અનુસાર ભોજન પીરસાય તે માત્ર આપણને જ ખબર છે.

આજે અહીં કેટલાંક ઓફ બીટ શાક અને ભાજી બાબતે ગુજરાતીઓને માહિતગાર કરવા છે.

કારેલા

પ્રભુએ ગુજરાતીઓને શિયાળાની અદ્ભુત ઔષધિ જેવાં કારેલા આપ્યા છે. આ માત્ર લીલું શાક નથી પરંતુ એક કડવાણી પણ છે. જે લોહીને સ્વચ્છ કરે છે અને પાચનક્રીયા સરળ બનાવે છે. કારેલા મધુપ્રમેહથી પીડિત લોકો માટે તો આશીર્વાદ સમાન છે. કારેલનું માત્ર શાક જ નથી બનતું, પરંતુ જ્યુસ પણ અફલાતુન બને છે. નૈણા કોઠે જ્યુસ પીવાથી તંદુરસ્તી માટે અમૃત સમાન છે. કારેલાના રસમાં આંબળા ઉમેરવાથી સોનામાં સુગંધ ભળે છે. આમળાં કારેલાનો જ્યુસ સવારે નાસ્તા પછી પણ પી શકાય છે. લોહીને શુદ્ધ કરે છે અને રક્તચાપને પણ સુધારે છે. કારેલા સ્વાદમાં કડવા હોવાથી અનેક લોકોને પસંદ નથી પડતાં, પરંતુ એક ઔષધિ તરીકે અવશ્ય ખાવા જોઈએ.

કારેલા પેટમાં જમા થયેલી અશુદ્ધિઓને દૂર કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, યકૃતને સ્વસ્થ બનાવે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને લોહીને સાફ કરે છે. કારેલાના રસના સેવનથી તેમજ કારેલાનું શાક ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભો થાય છે. કારેલામાં ભરપૂર માત્રામાં પોષકતત્ત્વો હોય છે.

આમળા

સ્વાદમાં ખાટાં છે, પરંતુ ગુણમાં મીઠાં છે. આરોગ્ય માટે તે ઉત્તમ છે. આમળાનો રસ એક મહા ઔષધિ છે. એક લોકકથા અનુસાર ભગવાન રામ જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે અચૂક આમળાં આરોગતા હતા. આમળાંથી લોહી શુદ્ધ થાય છે. આમળાંનું અથાણું બનાવી આખું વર્ષ આરોગી શકાય છે. વૈદીક શાસ્ત્રમાં ચ્યવનપ્રાસનું અનેરૃં મહત્ત્વ છે. ચ્યવનપ્રાસને અમૃત સાથે સરખવામાં આવ્યું છે. આમળાં અને કારેલાના જ્યુસનું મહત્ત્વ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ.

આમળાં એક સુપરફૂડ છે જે હોર્મોન્સને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર કંટ્રોલ કરે છે, શરીરને ડિટોક્સ કરે છે, ત્વચા સ્વચ્છ રાખે છે અને પ્રજનનક્ષમતા વધારે છે. રોજિંદા આહારમાં આમળાનો રસ, પાઉડર કે કાચા આમળાનો સમાવેશ કરી શકાય છે.

ગાજર

ગાજર પણ શિયાળાની જ દેણ છે. ગાજરના હલવાનો સમાવેશ શાહી ભોજનમાં કરવામાં આવે છે. ગાજરનો જ્યુસ પણ અતિ ગુણકારી છે. લોહીનું પરિભ્રમણ વધારે છે અને તંદુરસ્તી માટે તમામ ગુણ ધરાવે છે. ગાજરને શાક, રાયતું કે અથાણાં તરીકે આરોગવામાં આવે છે. ગાજરનું સેવન આંખ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજરનું સેવન કરવાથી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પાચનક્રિયા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. હૃદયના દર્દીઓ માટે ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

લીલું લસણ

શિયાળાએ કેટલીક ઔષધિરૂપી લીલોતરી આપી છે તેમાં લીલા લસણનો પણ સમાવેશ થાય છે. ગુજરાતી લોકો માટે આ બહુ સ્વાદિષ્ટ લીલોતરી છે. લીલા લસણ વગર થાળી અધૂરી ગણાય છે. મોટાભાગના શાકમાં લીલા લસણનો ઉપયોગ થઈ શકે છે. આ પણ એક ઔષધિ જ ગણી શકાય છે. શિયાળામાં તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. કોથમીર-મરચાંની લીલી ચટણીમાં તેને ઉમેરવાથી આખી થાળીની રંગત ફરી જાય છે.

ભાજી

ગુજરાતમાં લગભગ ૧૦ પ્રકારની ભાજી શિયાળામાં મળે છે. કોથમીર, તાંદળજો, પાલક, મૂળા ભાજી, મેથીની ભાજી તેમાં મુખ્ય છે. જો કે હવે અનેક ભાજી લગભગ આખું વર્ષ મળે છે. ચોમાસામાં તો વરસતા વરસાદમાં મેથીના ભજીયા હાઇ ડીમાન્ડમાં રહે છે. જો કે શિયાળામાં મળતી ભાજીઓના ગુણ અને અસરો વિશેષ હોય છે. ભાજી હવે આધુનિક સૂપમાં પણ ગોઠવાઈ ગઈ છે. પાલકનો સૂપ તો હવે સામાન્ય બની ગયો છે. ગુજરાતી થાળીમાં લીલોતરી ન હોય તો ભોજન અધૂરૂ મનાય છે. તમામ ભાજીમાં લોહીને શુદ્ધ કરવાનો મોટો ગુણ હોય છે. આપણે ત્યાં સરસોની ભાજી બહુ ખવાતી નથી, પરંતુ પંજાબમાં તો મકકે કી રોટી અને સરસોનું શાક બહુ સામાન્ય હોય છે. જો કે સ્વાદ શોખીન ગુજરાતીઓ હવે આ વાનગીને બહુ શોખથી અને ફેશનમાં ખાવા લાગ્યા છે. કોથમીરની લીલી ચટણી બહુ સામાન્ય થઈ ગઈ છે.

શિયાળામાં આપણે લીલી ભાજી અવશ્ય ખાવી જોઈએ. બાળકોને તો ખાસ આપવી જોઈએ. કારણ કે તેમાં કેલ્શીયમ અને વિટામિન્સ ભરપુર માત્રામાં હોય છે.

ગુજરાતી થાળી

સામાન્ય ગુજરાતી થાળીમાં રોટલી, દાળ અથવા કઢી, ભાત અને શાક (શાકભાજી અને મસાલાના વિવિધ સંયોજનોથી બનેલી વાનગી, જે કાં તો મસાલેદાર અથવા મીઠી હોઈ શકે છે)નો સમાવેશ થાય છે. આ થાળીમાં કઠોળ અથવા આખા કઠોળ (ગુજરાતીમાં કઠોર કહેવાય છે) જેમ કે મગ, કાળી કઠોળ વગેરે, ઢોકળા, પાતરા, સમોસા, ફાફડા વગેરે જેવી નાસ્તાની આઈટમ (ફરસાણ) માંથી બનાવેલ તૈયારીઓનો પણ સમાવેશ થશે અને મોહનથાલ, જલેબી, સેવૈયા વગેરે જેવી મીઠી (મિષ્ટાન) પણ ગણાય છે.

ગુજરાતી રાંધણકળા સ્વાદ અને ઠંડીમાં વ્યાપકપણે બદલાય છે, જે પરિવારની રુચિ તેમજ ગુજરાતના પ્રદેશ પર આધાર રાખે છે કે જેનો તેઓ સંબંધ છે. ઉત્તર ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ ગુજરાતના પાંચ મુખ્ય પ્રદેશ છે જે ગુજરાતી ભોજનમાં તેમનો અનન્ય સ્પર્શ પ્રદાન કરે છે. ઘણી ગુજરાતી વાનગીઓ સામાન્ય રીતે વિશિષ્ટ રીતે મીઠી, ખારી અને મસાલેદાર હોય છે.

ગુજરાતી થાળીમાં રોટલી મુખ્ય છે. શિયાળામાં રોટલી ઉપર ગાયનું ઘી લગાવવાથી ખૂબ લાભદાઈ થાય છે. ગાયનું ઘી સામાન્ય સંજોગોમાં આયુર્વેદિક ઔષધિનું સ્થાન ધરાવે છે. શિયાળાની ઠંડીમાં થાળીમાં ગાયના ઘીને અવસ્ય સ્થાન આપવું જોઈએ. ગાયના ઘીને રોટલા ઉપર કે ખીચડીમાં ઉમેરીને આરોગી શકાય છે.

ચેતતા રહેવું

ગુજરાતીઓની યુવા પેઢી હવે પિઝા, પાસ્તા, મેક્રોની, નુડલ્સ, મોમોઝના રવાડે ચઢી ગયા છે. તેમણે પરંપરાગત ફૂડ હવે બહુ ભાવતું નથી. મરી વડીલોને વિનંતી છે કે, શિયાળામાં તેમણે આપણી આરોગ્યપ્રદ વાનગીઓ અવશ્ય આગ્રહ કરીને ખવડાવવી જોઈએ. ચીઝથી બને તેટલું દૂર રહેવું. વર્ષના આઠ મહિના ભલે ઉદરમાં ગમે તે ભરો, શિયાળામાં તો માતા પીરશે તે જ ગ્રહણ કરવું જોઈએ. રોટલા, ઊંધિયું, ઓળો, ઘૂટો, ચાપડી ઊંધિયું, પોંક, ઊંબાડિયું પણ બહુ સ્વાદિષ્ટ અને ગુણકારી હોય છે. શિયાળામાં તંદુરસ્તી મહત્ત્વની છે. માટે બની શકે તો વિદેશી ખોરાક ટાળવો જોઈએ.

શિયાળાના ફાયદા

શ્વસનતંત્ર માટે ઠંડી હવા જરૂરી છે. તે ફેફસાંને સાફ કરવા અને બિલ્ટ-અપ લાળથી છૂટકારો મેળવવાનો એક અસરકારક માર્ગ છે. જ્યારે આપણે ઠંડી હવામાં શ્વાસ લઈએ છીએ, ત્યારે તે આપણાં ફેફસામાં રીફ્લેક્સ પ્રતિક્રિયા પેદા કરે છે, જે લાળને સાફ કરવામાં મદદ કરે છે. ઠંડી હવા ''વેસોકોન્સ્ટ્રક્શન રિસ્પોન્સ'' નામના રીફ્લેક્સનું કારણ બનીને અનુનાસિક માર્ગોને સાફ કરવામાં પણ મદદ કરે છે જે રક્તવાહિનીઓને સાંકડી કરે છે અને પ્રવાહીને તમારા ગળામાં જતા અટકાવે છે. આ તમારા નાક અને સાઇનસમાં બળતરા અને સોજો પણ ઘટાડે છે, તેમજ ચેપને ફેલાતા અટકાવવામાં મદદ કરે છે.

આપણી સામાન્ય માન્યતાથી વિપરીત, શિયાળાના ઘણાં ફાયદા છે અને શિયાળાના સીધા કે આડકતરા સ્વાસ્થ્ય લાભો અનેક છે. સંશોધન દર્શાવે છે કે ઠંડુ હવામાન વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે. તે લોકોને સારી રીતે ઊંઘવામાં પણ મદદ કરે છે અને તે મૂડને સુધારી શકે છે. શિયાળાને શરદી અને જકડન જેવી પીડાઓને બદલે લાભકારક માનવો જોઈએ.

ભારતીય લોકો ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૌસમનો અનુભવ કરે છે. હિમાલયના નજીકના વિસ્તારોમાં લગભગ આઠ મહિના ઠંડક રહે છે. ગુજરાતમાં કેલેન્ડર પ્રમાણે ચાર મહિના શિયાળો ગણાય, પરંતુ કડકડતી હિમાલયન ઠંડી માત્ર ગણતરીના દિવસોમાં જ પડે છે.

'નોબત'ના વાચકો અને ચાહકો ઠંડા ઠંડા કુલ કુલ દિવસોની ભરપૂર મજા માણે તેવી શુભેચ્છા અને લીલા શાકભાજી વધુ પ્રમાણમાં આરોગે તેવી વિનંતી.

૫ેરશ છાંયા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh