Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામા મસ્જિદના સર્વે અને ભડકેલી હિંસાનો મામલોઃ સુપ્રિમ કોર્ટમાં આગામી સુનાવણી ૬ઠ્ઠી જાન્યુઆરીના થશેઃ
નવી દિલ્હી તા. ર૯: સંભલમાં જામા મસ્જિદ સર્વે તથા ભડકેલી હિંસાના મુદ્દે સુપ્રિમ કોર્ટે નીચલી અદાલતને હાઈકોર્ટના આદેશ વિના કોઈ કાર્યવાહી નહીં કરવાના નિર્દેશો આપ્યા છે, અરજદારને પૂછ્યું કે આ મુદ્દે તમે હાઈકોર્ટમાં અપીલ કેમ ન કરી? આ મુદ્દો હવે ૬ઠ્ઠી જાન્યુઆરીના સુપ્રિમ કોર્ટમાં વધુ સુનાવણી થશે.
સંભલમાં જામા મસ્જિદમાં સર્વેને લઈને ભડકેલી હિંસાનો મામલો હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે ટ્રાયલ કોર્ટે મસ્જિદના સર્વેની પરવાનગી આપી હતી જેના પર હવે સુપ્રિમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ આ મામલે કોઈ કાર્યવાહી ના કરે.
આ કેસ સુપ્રિમ કોર્ટ સમક્ષ પેન્ડીંગ રહેશે. સુપ્રિમ કોર્ટે આ સાથે યોગી સરકારને નિર્દેશ આપ્યો હતો કે, 'સંભલમાં શાંતિ સ્થાપિત કરવાની જવાબદારી તમારી રહેશે. બીજી બાજુ મસ્જિદની કમિટીને પણ કાનૂની અધિકારો મળી રહે તે સુનિશ્ચિત કરવા સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપ્યા હતાં.'
સુપ્રિમ કોર્ટે આ મામલે જિલ્લા કોર્ટને મધ્યસ્થતા કરીને થાળે પાડવા નિર્દેશ આપ્યો છે, અને અરજદારને પણ સવાલ કર્યો હતો કે આ મામલે તમે હાઈકોર્ટમાં અપીલ કેમ ન કરી? તેની સાથે ટ્રાયલ કોર્ટને સીજેઆઈએ કહ્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ તરફથી કોઈ નિર્દેશ આપવામાં ન આવે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરાશે નહીં. હવે આ મામલે આગામી ૬ જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ સાથે ટ્રાયલ કોર્ટને ૮ જાન્યુઆરી સુધી કોઈ પ્રકારનો આદેશ ન આપવા પણ સૂચન કરાયું હતું.
ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં રવિવારે જામા મસ્જિદમાં સર્વે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી હવે પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સતર્ક છે. શુક્રવારની નમાઝને લઈને છપ્પામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પહેલા ગઈકાલે પણ પોલીસે મસ્જિદ નજીકના વિસ્તારોમાં ફ્લેગ માર્ગ કરી હતી. સંભલમાં શુક્રવારની નમાઝ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ-પ્રશાસનના અધિકારીઓ જમીનથી આકાશ સુધી ચાંપતી નજર રાખી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ જામા મસ્જિદમાં કડક સુરક્ષા ચેકીંગ વિના નમાઝ પઢવા માટે પ્રવેશ કરી શકશે નહીં.
અધિકારીઓએ શહેરના મૌલાનાઓને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે. ઉપરાંત શહેરને ૧૮ સેક્ટરમાં વહેંચીને મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ દળ ઉપરાંત કંપની પીએસી અને એક બટાલિયન આરએએફ તૈનાત કરવામાં આવી છે.
સાવચેતીના પગલાં તરીકે જુમ્માની નમાઝ સલામત રીતે થઈ જાય તે માટે સાવચેતીના ભાગરૂપે ગુરુવારે જામા મસ્જિદમાં પોલીસ પ્રશાસન દ્વારા ર૦ સીસી ટીવી કેમેરા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં પોલીસે આઠ કેમેરા લગાવ્યા હતાં, પરંતુ હંગામા દરમિયાન બદમાશોએ તેને તોડી નાખ્યા હતાં. હવે સુરક્ષા માટે ર૦ નવા કેમેરા લગાવવામાં આવ્યા છે. નમાઝ પહેલા સમગ્ર મસ્જિદ વિસ્તાર પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.
મુરાદાબાદ શહેરને ૧૦ ઝોન અને ૪૩ સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે અને પોલીસ કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. જામા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં અને તેની આસપાસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ માટે પોલીસની સાથે પીએસી જવાનોની ડ્યુટી લગાવવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટમાં એક બાજુના પક્ષકાર શાહી જામા મસ્જિદનું પ્રબંધન છે, જ્યારે બીજી બાજુ હરિશંકર જૈન છે. મુસ્લિમ પક્ષે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે. સુપ્રિમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ એક અસાધારણ કેસ છે, તેથી કોર્ટે અસાધારણ પગલાં લેવા જોઈએ. હવે આ મુદ્દે ૬ઠ્ઠી જાન્યુઆરીના સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ન થાય ત્યાં સુધી પક્ષકારોએ રાહ જોવી પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial