Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીના ત્રીજા મહિલા સીએમ બનશે આતિશી

સાંજે સાડાચાર વાગ્યે કેજરીવાલ એલજીને સોંપશે રાજીનામુઃ

નવી દિલ્હી તા. ૧૭: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એલ.જી. ને સાંજે સાડાચાર વાગ્યે રાજીનામુ આપશે, તેના સ્થાને આમ આદમી પાર્ટી દ્વારા આતિશી માર્લેનાસિંહને વિધાયક દળના નેતા બનાવ્યા હોવાથી તેઓ દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનશે.

આજે સવારે ૧૧-૩૦ વાગ્યે આમ આદમી પાર્ટી (આપ) ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં દિલ્હીના નવા સીએમ તરીકે આતિશી માર્લેનાસિંહની પસંદગી કરવામાં આવી છે. ધારાસભ્ય દળના નેતા તરીકે તેમને પસંદ કરાયા છે. આ બેઠકમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે ૪-૩૦ વાગ્યે રાજ્યપાલ (એલજી) વીકે સકસેનાને મળશે. આ દરમિયાન કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. રાજીનામાની સાથે ધારાસભ્ય દળના નેતાના નામનો પત્ર પણ એલજીને સુપરત કરશે.

તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનિષ સિસોદીયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદીયા હવે જનતા વચ્ચે જઈશુ અને અમે ગુનેગાર કે પ્રામાણિક, એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શકય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો 'આપ'ને ભરપૂર વોટ આપજો.

અરવિંદ કેજરીવાલે ગત ૧પ સપ્ટેમ્બરના દિવસે ૪૮ કલાક બાદ મુખ્યમંત્રીની ખુરશી છોડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ દિલ્હીના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી કે, હવે દિલ્હીના નવા  મુખ્યમંત્રી કોણ બનશે. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસ પર આજે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આ અંતિમ નિર્ણય લેવાયો હતો.

સિસોદીયા જેલમાં ગયા પછી આતિશીને દિલ્હીના નવા શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતાં. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી છે. આ પહેલા સુષ્મા સ્વરાજ અને શીલા દીક્ષિત આ પદ પર રહી ચૂક્યા છે.

ર૦ર૦ ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આતિશીને પાર્ટીની ટિકિટ પર કાલકાજી પ્રદેશમાંથી ચૂંટણી જીતી હતી. ભાજપના ઉમેદવારને ૧૧ હજારથી વધુ મતોથી હરાવ્યા હતાં. તેઓ અરવિંદ કેજરીવાલના નજીકના અને વિશ્વાસુ ગણાય છે. કાલકાજીના આપ ધારાસભ્ય, આતિશીએ પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્ય હોવા ઉપરાંત ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh