Advertisement
Author: નોબત સમાચાર

સત્તાધારી ભાજપના કોઈ નેતા તો સત્તાવાર જાહેર કરો કે શહેરના માર્ગો ક્યારે સરખા થશે?

રસ્તા રીપેરીંગ અભિયાન ક્યારે?

જામનગર તા. ૧૭: આજે વડાપ્રધાનના જન્મ દિવસથી ગુજરાતભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાનનો આરંભ થઈ રહ્યો છે.

આ અભિયાન છે...ક ૩૧ ઓક્ટોબર સુધી ચાલનારૂ અભિયાન છે, અને સરકારી કાર્યક્રમ જાહેર કરાયો છે. તેથી સરકારના સંલગ્ન તંત્રો, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના અધિકારીઓ, કર્મચારીઓને અભિયાન અંતર્ગત જાહેર થયેલા વિવિધ અનેક કાર્યક્રમોમાં સહભાગી થવાનું રહેશે... અર્થાત્ સરકારના જાહેર થયા મુજબ નાગરિકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ મળી રહે તેવા કાર્યક્રમો દોઢ મહિના સુધી યોજાતા રહેશે. સ્વાભાવિકપણે જ હાલ ગુજરાતમાં રાજ્ય સરકાર ભાજપની છે, મોટાભાગની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયતોમાં ભાજપનું શાસન હોવાથી આ સરકારી અભિયાન આડક્તરી રીતે ભાજપનો મેગા કાર્યક્રમ બની જાય તો નવાઈ નહીં. (હર વખતની જેમ!). આ પ્રકારના જાહેર થયેલા સરકારી કાર્યક્રમોમાં સત્તાધારી ભાજપના ચૂંટાયેલા નેતાઓ, પક્ષના સંગઠનના પદાધિકારીઓ માટે પ્રસિદ્ધિ માટેનો મહાઉત્સવ બની રહે છે! ફોટો સેશન, સરકારની વાહવાહના ભાષણોનો દોર ચાલશે... પણ ખરેખર આ પ્રકારના અભિયાન પૂર્ણ થયા પછી વાસ્તવિકરૂપે તેમાં કેટલા લોકોને સુવિધા કે તત્કાલ સેવા મળે તેના આંકડા જાહેર કરવા જોઈએ.

ચાલ્યા કરે... આવું તો ચાલ્યા જ કરવાનું છે... ભાજપનું સદસ્યતા અભિયાન થયું, હવે ભાજપ શાસિત સરકારનું સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલશે... આ પ્રકારના અભિયાનથી ચોક્કસપણે કોઈને તો નાનો-મોટો લાભ મળતો જ હશે... પણ હાલના સંજોગોની વાત કરીએ તો જામનગર શહેર સહિત સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ધોરીમાર્ગો, મુખ્ય માર્ગો સહિતના રસ્તાઓ તૂટી-ફૂટી ગયા છે.

જામનગર શહેર તો રીતસર ખાડાનગર બની ગયું છે. આ ખાડાઓ ક્યારે પુરાશે? જામનગરના બિસ્માર માર્ગો ક્યારે રીપેર થશે?

જામનગર મહાનગરપાલિકાના કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓ અને ઈવન ધારાસભ્યો કે સાંસદ પણ જામનગરના રસ્તા રીપેર ક્યારે થશે તે અંગે મૌન રાખીને બેઠા છે! કોઈને નગરની સાત-આઠ લાખ આમપ્રજાની પીડાનો શું ખ્યાલ જ નથી?

સ્વચ્છતા હી સેવા અભિયાન ભલે સરકારી ધોરણે ચલાવાય, પણ અત્યારે તો સૌથી ટોચની પ્રાથમિક્તા શહેરના માર્ગોને રીપેર કરવાની છે. શહેરના ખાડાઓ-ચિરોડાઓ વ્યવસ્થિત પૂરી રસ્તાઓને સમથળ અને સરળ તેમજ રાહતરૂપ કરવાની જરૂર છે. ખરેખર તો મહાનગરપાલિકાએ આજથી નગરના રસ્તા રીપેરીંગ, ખાડા-ચિરોડા પૂરવાનું મહાઅભિયાન યુદ્ધના ધોરણે ચાલુ કરી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી પ્રજાને મોટી રાહત આપવાનો નિર્ણય કરવો જોઈએ. દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ, પક્ષના પદાધિકારીઓ અને રાજકીય નેતાઓએ હાથમાં સાવરણી લઈ સ્વચ્છતા ઝુંબેશના ફોટા પડાવવાના બદલે પોતાના વિસ્તારના શેરી-ગલ્લી, મુખ્ય ચોક, મુખ્ય માર્ગોનું રીપેરીંગ તાકીદે થાય તે માટે કાર્યરત થવાની જરૂર છે.

જેમ સ્વચ્છતા હી સેવા અભિયાનની મુદ્દત દોઢ મહિનો નક્કી થઈ છે તેમ રસ્તા રીપેરીંગ અભિયાન જાહેર કરી તેને દિવાળીના તહેવારો પહેલા પૂર્ણ કરવાનો સંકલ્પ લેવાની જરૂર છે.

બાકી તો હમણાં નવરાત્રિના તહેવારો આવશે, અને ત્યારપછી દિવાળીના તહેવારો... સત્તાધારી પક્ષ પક્ષના અને સરકારી મેળાવડાઓ, ઉદ્ઘાટન સમારોહ, મિટિંગો, નવરાત્રિના આયોજનોમાં અતિથિ તરીકે વ્યસ્ત રહેવાના છે તે નક્કી છે.

જોઈએ... જામનગરની પ્રજા પ્રત્યે આપણા સતતાધિશો કેવી તત્પરતા સાથે કમ-સે-કમ રસ્તા રીપેરીંગ-ખાડા પુરવાના પ્રશ્ને કેવી અને કેટલી સંવેદના દર્શાવે છે!

ઘર આંગણા પાસેના ખાડા પૂરાશે ?

સરકારી અભિયાનમાં લોકોને ઘર આંગણે સરકારી સેવા મળશે તેવી જાહેરાત થઈ છે... તો પછી દરેક લોકોના ઘર પાસેના ખાડા પૂરાશે કે નહીં. રહેણાંક વિસ્તારોના રસ્તાઓ રીપેર થશે કે નહીં? આ સરકારી સેવા ગણાય કે નહીં? જેનાથી પ્રજાને મોટી રાહત થાય...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh