Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે યુએઈના રાષ્ટ્રપતિ સાથે બપોર પછી અમદાવાદમાં યોજાશે રોડ-શોઃ ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ-શો ઃ બેઠકોનો ધમધમાટ
ગાંધીનગર તા. ૯ઃ આજથી વાયબ્રન્ટ ગુજરાત સમીટના સંદર્ભે વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે અને ગઈ મોડી રાત્રે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓ-સીઈઓ સાથે તબક્કાવાર વાટાઘાટો શરૂ કરી છે. તેઓ બપોર પછી યુએઈના રાષ્ટ્રપતિ સાથે અમદાવાદમાં રોડ-શો કરશે તે પહેલા ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડશો ખુલ્લો મૂકાશે.
આજથી ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ ર૦ર૪ નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે મોડી રાત્રે ગુજરાત આવી પહોંચ્યા હતાં અને તેઓ રાજભવનથી મિટિંગો માટે મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં તિમોર લેસ્ટેના પ્રેસિડન્ટ જોસ રામોસ હોરતા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે.કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકાત બેઠકમાં જોડાયા હતાં. તે પછી અન્ય રાષ્ટ્રોના વડાઓ, નેતાઓ તથા વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાને તબક્કાવાર દ્વિપક્ષી મંત્રણાઓ શરૂ કરી છે.
ગુજરાત સરકાર દ્વારા આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ-ર૦ર૪ પૂર્વે આજે બપોરે ગ્લોબલ ટ્રેડ શો નું ઉદ્ઘાટન પીએમના હસ્તે થશે. આ પહેલા આજે સવારે વડાપ્રધાન મોદીએ ગ્લોબલ નેતાઓ સાથે મુલાકાતોનો દોર શરૂ કર્યો છે. સાંજે યુએઈના પ્રેસીડેન્ટ સાથે રોડ શો નું આયોજન થયું છે. આ સમિટને લઈને પીએમ ત્રણ દિવસ ગુજરાતમાં મુકામ કરશે.
પીએમ આજે સવારે ૯-૩૦ વાગ્યાથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓને મળવાનું શરૂ કર્યું છે. તેઓ વિશ્વના નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે. ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે પણ તબક્કાવાર બેઠકો યોજાવા જઈ રહી છે. પીએમ મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હાજર રહ્યા છે.
નોંધનીય છે કે, સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહાત્મા મંદિર અને હેલિપેડ ગ્રાઉન્ડ પર યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ટ્રેડ શોની આખરી તૈયારીઓની સ્થળ પર જઈને સમીક્ષા કરવામાં આવી હતી.
વડાપ્રધાન સહિતના મહેમાનોના સ્વાગત માટે ગુજરાતના પાટનગર ગાંધીનગરને શણગારાયું છે. કાર્યક્રમના મુખ્ય સ્થળ મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગીફટ સિટી, ગિફટ સીટી સર્કલ, ચ-રોડ, ઘ-ર સર્કલ, રક્ષાશક્તિ ફલાયઓવર અને ઉદ્યોગ ભવન સહિત વિવિધ સરકારી કચેરીઓને રંગ-બેરંગી મૂન લાઈટ અને વિવિધ થીમ આધારિત રોશની-લેઝર લાઈટથી શણગારવામાં આવી છે. ગાંધીનગરની રાત્રીના આ નયનરમ્ય નજારો નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
વડાપ્રધાનના હસ્તે બપોરે ૩ કલાકે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડમાં ગ્લોબલ ટ્રેડશોના ઉદ્ધાટન પછી તેઓ સાંજે પ કલાકે અમદાવાદ એરપોર્ટ પર યુએઈ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદનું સ્વાગત કરશે. એરપોર્ટથી બંને નેતાઓ સાબરમતી આશ્રમ સુધી લગભગ ૭ કિલોમીટર લાંબો રોડ શો કરશે. સાબરમતી આશ્રમમાં લગભગ ર૦ મિનિટ રોકાયા બાદ સાંજે ૭ વાગ્યે બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે ૧૦ વાગ્યે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ વિશ્વભરમાંથી ગુજરાત પહોંચેલા ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને સંબોધશે. આ દરમિયાન ૪ રાષ્ટ્રધ્યક્ષો સાથે ૩ર ભાગ લેનારા દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. પછી આવતીકાલે સાંજે પ વાગ્યે તેઓ ગાંધીનગરમાં તૈયાર થઈ રહેલા ગિફટ સિટીમાં ગ્લોબલ ફિટનેક સીઈઓ કોન્ફરન્સને સંબોધશે.
ગુજરાત સરકાર પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતીય ઉદ્યોગપતિઓ ઉપરાંત બ્રિટન, યુએઈ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપ્બલિક, ઈજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઈન્ડોનેશિયા, જાપાન, કેન્યા, નેધરલેન્ડ, મલેશિયા, માલ્ટા સહિતના ઉદ્યોગપતિઓ પણ છે., મોરોક્કો, નેપાળ, નોર્વે, પોલેન્ડ વિયેતનામ, દક્ષિણ કોરિયા, રવાન્ડા, સિંગાપોર, થાઈલેન્ડ, ઉરૂગ્વે, ધાના, તાન્ઝાનિયા અને મોઝામ્બિકના અગ્રણી ઉદ્યોગપતિઓ સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે.
આ વાઈબ્રન્ટ સમિટમાં તમામની નજર ગુજરાતના ઓટો સેકટર પર છે. સમિટમાં ટેસ્લાના ગુજરાતમાં આગમનની જાહેરાત પણ થઈ શકે છે. આ સાથે મારૂતિ અને દેશની અન્ય ઈવી વાહન ઉત્પાદક કંપનીઓ તરફથી મોટી જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સિવાય સેમિકન્ડકટર કંપનીઓ પણ મોટી જાહેરાતો કરી શકે છે. આજે ગાંધીનગરના વાયબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial