Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર શખ્સ ઝ૦પાયા, દસ શખ્સની શોધખોળઃ
જામનગર તા. ૯ઃ ખંભાળિયામાં એકાદ મહિના ૫હેલાં થયેલી ઘરફોડ તથા વાહનચોરીની તપાસમાં લાગેલી એલસીબીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ધસી જઈ ત્યાંથી કિંગ ગેંગના ચાર સદસ્યને ઉપાડી લીધા છે. આ ટોળકીએ છેલ્લા એકાદ વર્ષમાં દ્વારકા ઉપરાંત પાંચ જિલ્લા અને મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ ૧૪ ઘરફોડ ચોરી અને વાહનચોરી કર્યાની કબૂલાત આપી છે. ચોરાઉ દાગીના, સાત બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. દસ શખ્સની શોધ કરાઈ રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હરસિદ્ધિનગરમાં એકાદ મહિના પહેલાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીનો બનાવ બન્યો હતો. જેની તપાસ દ્વારકા એલસીબીએ પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી શરૂ કરી હતી. પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. ગરચર અને સ્ટાફે બનાવના સ્થળથી છેક તારાપુર ચોકડી સુધીના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા.
આ વેળાએ ચાર શખ્સની બાઈક સાથે શંકાસ્પદ હિલચાલ જણાઈ આવતા તપાસ સઘન બનાવાઈ હતી. જેમાં સ્ટાફના ભરતભાઈ ચાવડાને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુકશી તાલુકાના ગામડાના કેટલાક લવરમુછીયા સૌરાષ્ટ્રમાં આવી ઘરફોડ તથા વાહનચોરીને અંજામ આપી રહ્યા છે. તે બાતમીના આધારે પીએસઆઈ એસ.વી. કાંબલીયા તથા ભરતભાઈ અને પ્રકાશ ચાવડાને વર્કઆઉટ શરૂ કર્યું હતું. પોકેટકોપમાં સર્ચ કરાતા ચાર શખ્સના નામ અને તેના સાગરિતોની વિગતો મળી આવી હતી. તેથી એસપી નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. ગરચરની જુદી જુદી ટીમ ધાર જિલ્લામાં પહોંચી હતી.
ત્યાં લાંબી જહેમતના અંતે ગોરડીયા ગામના સંજય સુમલસિંગ વસનીયા, વિનોદ કાલુ મસાણીયા, સુરેશ ભુરસીંગ મસાણીયા, સોહન કમલસીંગ માવી નામના ચાર શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે, જામનગર જિલ્લામાં પાંચ, અમરેલી જિલ્લામાં બે, રાજકોટ શહેરમાં એક, સુરેન્દ્રનગર જિલ્લામાં બે, મોરબી જિલ્લામાં એક, મહારાષ્ટ્રના પુણેમાં એક મળી કુલ ૧૪ ઘરફોડ ચોરી તથા બાઈક ચોરીઓ કર્યાની વિગત ઓકી નાખી હતી. આ શખ્સોના કબજામાંથી રૃા.૩૩૬૬ રોકડા રૃા.૧,૦૮,૫૬૦ની કિંમતના દાગીના, રૃા.૧ લાખ ૮૫ હજારના સાત વાહન, ત્રણ મોબાઈલ, એક લેપટોપ, એમ્પલીફાયર મળી કુલ રૃા.૩,૨૬,૬૨૬નો મુદ્દામાલ કબજે કરાયો છે.
આ ચારેયને ખંભાળિયા પોલીસ મથકમાં લાવવામાં આવ્યા પછી શરૂ કરાયેલી ઘનિષ્ઠ પૂછપરછમાં કિંગ ગેંગથી ઓળખાતી આ ટોળકીના વધુ દસ સાગરિતના નામ મળ્યા છે. એલસીબીએ વિકાસ ઉધનસીંગ ભાભર, રાજુ થાવરે ભાભર, અંતરસીંગ ખુરબસીંગ મસાણીયા, સુખરામ કંગરસીંગ, વિશાલ જવરસીંગ, ખુમાનસીંગ થાઉ બામણીયા, આરમસીંગ લીમસીંગ પસાવા, શંકર ભંગુ મસાણીયા, સોમલા બદનસીંગ મંડલોઈ, મહેશ કાલુ ભુરીયાની શોધ શરૂ કરી છે.
આ શખ્સો કોઈપણ શહેર કે ગામમાં ચોરી કરવા જતા ત્યારે રેલવે ટ્રેક નજીક આવેલી કોલોનીને નિશાન બનાવતા હતા. નજીકમાંથી જ સહેલાઈથી પથ્થરો મળી શકે તે માટે તેઓ રેલવે પાટા પાસેની સોસાયટી પર પસંદગી ઉતારતા હતા. તે પછી જે તે મકાનમાં ચોરી કરી નજીકમાં પડેલા વાહનો પણ ઉઠાવી જતાં હતા. એલસીબીએ ચારેય શખ્સોના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial