Advertisement
Author: નોબત સમાચાર

રાવલ ચોતરફ પૂરમાં ઘેરાયું હોવાથી ડેન્જરમાં: નજગરજનો સંપર્ક વિહોણા

પીજીવીસીએલની ઘોર બેદરકારીઃ મોબાઈલ નેટવર્ક ઠપ્પઃ હોસ્પિટલમાં ગોઠણડૂબ પાણીઃ નગરજનોમાં ફફડાટ

રાવલ તા. ર૯: રાવલની સ્થિતિ વરસાદી ૫ાણીથી ભયજનક બની રહી છે, ત્યારે તંત્રો બેફિકર જણાય છે. રાવલમાં છેલ્લા ૪૮ કલાકથી વીજપુરવઠો તદ્દન ખોરવાયો છે, ટેલિફોન નેટવર્ક પણ ઠપ્પ છે, અને ચારે તરફ પૂરના પાણીની ઘેરાયેલું રાવલ સંપર્ક વિહોણું બનતા અન્યત્ર રહેતા રાવલના પરિવારજનો ચિંતામાં મૂકાયા છે, જ્યારે ચારે તરફથી પૂરના પાણી વહી રહ્યા હોવાથી લોકોમાં ફફડાટ છે. છેલ્લા ૩૬ કલાકથી પૂરની પરિસ્થિતિ છે, ત્યારે પીજીવીસીએલની ઘોર બેદરકારી પણ સામે આવી છે. અમારા રાવલના પ્રતિનિધિનો સંપર્ક થઈ શક્યો ન હોતો, ત્યારે જેમ તેમ કરીને જાણકારી મેળવતા ઘણાં કલાકોથી રાવલ રામભરોસે હોવાના વાવડ મળ્યા હતાં.

મળતી વધુ વિગતો મુજબ રાવલની સરકારી હોસ્પિટલમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. રાવલના હનુમાનધાર અને બારિયાધાર જેવા વિસ્તારોનો સંપર્ક થઈ રહ્યો નથી. વર્તુ નદીના પાણી ગાળમાં મહાજનવાડીથી આગળ સુધી ઘુસી ગયા છે, જ્યારે બીજી તરફથી સાની નદીના ફલોની સામે સતત વરસાદથી આજે સવારે મેળવેલી વિગતો મુજબ રાવલની સ્થિતિ કફોડી બની ગઈ છે. અંદાજે વીસેક હજારની વસતિ ધરાવતુ આ નગર ચોતરફથી પાણીથી ઘેરાઈ જતાં ત્યાંના રહીશોમાં ફફડાટ વ્યાપ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે, ત્યારે તંત્રો દ્વારા પણ ત્યાં પહોંચવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના દાવાઓ પણ થઈ રહ્યા છે.

રાવલ ડેન્જરમાં છે....

રાવલમાં એક તરફ ભારે વરસાદ તથા નદીઓમાં પૂરની પરિસ્થિતિ તો બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી વીજ પુરવઠો તદ્દન ખોરવાઈ જતાં લોકો ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. મોબાઈલના નેટવર્ક પણ ખોરવાઈ જતાં આ છેવાડાનું નગર લાંબા સમય સુધી સંપર્ક વિહોણું થઈ જતાં અન્યત્ર વસવાટ કરતા રાવલના રહીશોના પરિવારજનો પણ ચિંતામાં મૂકાયા છે. રાવલની ચારે તરફ પૂરના પાણી છે અને પાણી વધી રહ્યું હોવાથી રાવલ    ડેન્જરમાં છે.

રાવલમાં પીજીવીસીએલની કચેરી કાગળ પર શરૂ થઈ ગઈ હોવાથી રાવલની ફરિયાદો કલ્યાણપુરની પીજીવીસીએલની કચેરી સાંભળતી જ નથી, જ્યારે રાવલમાં આવી કોઈ નિયમિત કચેરી શરૂ જ થઈ નથી પરંતુ માત્ર ફોલ્ટ નોંધતું કેન્દ્ર જ હતું, તેથી આ પ્રકારનું તંત્રોનું તિક્કડમ ચાલી રહ્યું હતું જે વરસાદની આફત તથા પૂરની સ્થિત દરમિયાન પ્રકાશમાં આવી ગયું હતું અને માત્ર કાગળ પર ચાલતી પીજીવીસીએલની કાયમી કચેરી રાવલમાં કયાં આવેલી છે અને તેનું એડ્રેસ તથા અધિકારીનું નામ-ટેલિફોન નંબર વગેરે જાહેર કરવાની માંગણી પણ ઉઠી રહી છે. સોલાર યોજના માટે પણ રાવલના લોકોને કલ્યાણપુરથી રાવલની કચેરીનો સંપર્ક સાધવાનું જણાવાય છે, જ્યારે રાવલમાં આ કચેરી કયાં છે, તે રાવલના જ રહીશોને ખબર ન હોય, તો તે કેવું બખડજંતર કહેવાય...?

નેતાઓ, ઉચ્ચ તંત્રોને કરશે રજૂઆત

રાવલ જેવું નગર જ્યારે આફતમાં ઘેરાયેલું હોય, ત્યારે દિવસો સુધી તેનો વીજ પુરવઠો જ બંધ કરી દેવો, તે પ્રકારની વીજતંત્રની હરકત સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે, તો નગરપાલિકા અને નેતાઓ દ્વારા પણ આ મુદ્દે તત્કાળ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને પીજીવીસીએલને આ નગરપ્રત્યે ઓરમાયું વર્તન રાખવા અંગે ખુલાસો પુછાશે, તેમ જાણવા મળે છે.

જામરાવલમાં જળકર્ફ્યુઃ આર્મીની ટીમ પહોંચી

તાજા અહેવાલો મુજબ ભારે વરસાદ પછી જામરાવલમાં જળકર્ફ્યુ સર્જાતા રાહત-બચાવની કામગીરી માટે આર્મીની ટૂકડી પહોંચી છે.

રાવલમાં દ્વારકા જિલ્લાના ઈતિહાસમાં પહેલી વખત મરીન કમાન્ડોની ટીમ મુકવામાં આવી છે. રાવલના ઘણાં ઘરોમાં ચાર ફુટથી વધુ પાણી ભરાયા છે. પાણી ઓશરતા જ રાહત બચાવ માટેની ટીમો તૈયાર રખાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh