Advertisement
Author: નોબત સમાચાર

મેઘરાજાના વરસી રહેલા કોપ વચ્ચે સેંકડો ભૂખ્યા લોકો માટે પોલીસ મસીહા બની

દાતાઓની સહાયથી પોલીસે ભૂખ્યાઓને ભોજન આપ્યું:

જામનગર તા. ૨૯: જામનગર પોલીસે સતત ત્રણ દિવસ સુધી વરસેલા મેઘરાજાના કોપ વચ્ચે ખરા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર છે તે યુક્તિ ખરી ઠેરવી બતાવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે જુદા જુદા દાતાઓને સંપર્કમાં લઈ તેમના માધ્યમથી સેંકડો ભૂખ્યા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંતરડી ઠારી આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. સતત ત્રણ દિવસ સુધી પોલીસે ભોજનની વ્યવસ્થા કરાવી હતી.

જામનગરમાં મંગળવાર અને બુધવારના દિવસોમાં તમામ વ્યક્તિઓએ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોયું. રૂવાડા ઉભા કરી નાખે તેવા ગાજવીજ વચ્ચે સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ઉપરવાસના વરસાદના કારણે જામનગર શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ડેમમાંથી વછૂટેલા પાણી ફરી વળતા ત્રણ ફૂટથી વધુ પાણી જામનગર શહેર તથા આજુબાજુમાં આવેલી નવી સોસાયટીઓમાં ફરી વળતા જનજીવન ભારે પ્રભાવિત બન્યું હતું.

એક તરફ આકાશમાંથી વરસી રહેલા અનરાધાર પાણી વચ્ચે જામનગર શહેરના નાગરિકો પીવાના પાણી, દૂધ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓથી વંચિત થતાં જતા હતા અને રોજેરોજનું કમાઈને રોજેરોજનું કરી ખાતા ગરીબ વર્ગના લોકોની તો હાલત જ કહી શકાય તેમ નથી, આવી પરિસ્થિતિમાં જામનગરની પંચ કોશી બી ડિવિઝન પોલીસ જાણે કે અમૂક વિસ્તારના લોકો માટે ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને આવી પહોંચી હતી.

આ પોલીસ મથકના પીએસઆઈ ચંદ્રેશ કાંટેલીયા તથા સ્ટાફે સતત બે દિવસ સુધી કમરથી વધુ સુધીના પાણીમાં ઉતરીને લોકોને રેસ્ક્યુ કરવા ઉપરાંત દરેડ તેમજ મસીતિયા રોડ પર ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરતા ગરીબ લોકોની હાલત જોઈને મસીહા સ્વરૂપ બની સેંકડો લોકોની ભૂખથી કકડતી આંતરડીને ઠારી લાખો આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.

આ પોલીસ મથકના સ્ટાફે જરૂરિયાતમંદ લોકોને જમવાનું મળી શકે તે માટે ખાસ વિચારણા કર્યા પછી મંગળવારના દિને બપોરે ૭૦૦ લોકો માટે તથા સાંજે ૧૨૦૦ લોકો માટે દરેડના સંઘ પરિવારનો સહયોગ મેળવી જમવાની વ્યવસ્થા ઉભી કરી હતી. જેનો તમામ લોકોએ લાભ લીધો હતો.

ત્યારપછી બુધવારના દિવસે પણ પોલીસ સામે ભૂખ્યા પેટથી આશાભરી નજર રાખીને બેસેલા લોકો માટે પંચકોશી બી ડિવિઝન પોલીસે સંજરી હોટલના સહયોગથી ૭૦૦ લોકો માટે સવારના ચા-નાસ્તાની વ્યવસ્થા ગોઠવી આપી હતી. તે ઉપરાંત બપોરના ૮૦૦ લોકો માટે સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓ. સોસાયટીનો સહયોગ મેળવી ભોજનની વિતરણ વ્યવસ્થા કરી હતી.

આટલુ જ નહીં બુધવારની સાંજે પણ હાપા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર જમનભાઈ ભંડેરીના સહયોગથી પોલીસે જમવાની વ્યવસ્થા ગોઠવી પોલીસ ખરા અર્થમાં જરૂરિયાત મંદ લોકો માટે હરહંમેશ ઉપસ્થિત છે તે યુક્તિ સાર્થક કરી બતાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh