Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ જળાશયો ઓવરફ્લોઃ વૃક્ષો-થાંભલા ધરાશાયીઃ શાળા-કોલેજો બંધઃ મેળો કરાયો બંધઃ સ્થળ ત્યાં જળનું નિર્માણઃ ચાર દિ'માં જિલ્લો જળબંબોળ
જામનગર તા. ર૯: જામનગર જિલ્લામાં મેઘરાજાએ અનરાધાર વરસતા બારે મેઘ ખાંગા થયા હોય તેમ છેલ્લા ચાર દિવસમાં ૧૮ થી રપ ઈંચ જેટલો વરસાદ થયો છે, ત્યારે વરસાદની વ્યાપક ખાનાખરાબી સર્જાય છે. અનેક વિસ્તારો પાણીમાં જળમગ્ન બની ગયા છે. અસંખ્ય લોકો પાણીમાં ફસાઈ જતા તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવી પડી હતી. તમામ જળાશયો ઓવરફ્લો થઈ જવા પામ્યા છે. અનેક સ્થળે વિજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. જામનગરના સાતમ-આઠમના મેળા રદ્ કરવાની ફરજ પડી હતી,તો શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, અને જિલ્લાનું સમગ્ર તંત્ર બચાવ-રાહત કામગીરીમાં જોતરાયું છે. એકંદરે સ્થિતિ ખરાબ થવા પામી છે, જો કે આજે વરસાદનું જોર ધીમુ પડ્યું છે.
જામનગર શહેર-જિલ્લામાં સોમવારથી મેઘરાજાનું આગમન થયું અને જાણે જિલ્લામાં મૂકામ કર્યો હોય તેમ સુપડાધારે વરસાદ વરસ્યો હતો. સોમવારે પૂરા થતાં ર૪ કલાકમાં જામનગરમાં ર૧ મી.મી., મંગળવારે ૧૧૬ મી.મી., બુધવારે ૩૮૭ અને ગુરુવારે ૧૦૭ મી.મી. વરસાદ મળી ચાર દિવસમાં ૬૩૧ મી.મી. એટલે કે રપ ઈંચ વરસાદ પડી જતા સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. તેવી જ રીતે અનુક્રમે મંગળથી ગુરુવાર સુધીમાં જોડિયામાં ૧૬૦ મી.મી., ૧પ૦ મી.મી. અને ૬૬ મી.મી. મળી કુલ ૪૬૮ મળી કુલ ૧૮ ઈંચ અને રવિવારના ૯ર મી.મી. ઉમેરતા કુલ રર ઈંચ વરસાદ વરસી જતા જોડિયા પંથક પાણી પાણી થઈ ગયું હતું. તેવી જ રીતે ધ્રોળમાં મંગળવારે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં ૧૪૧ મી.મી., બુધવારે ૧૦૯ મી.મી. અને ગુરુવારે ૬૩ મી.મી. ઉપરાંત સોમવારના પપ મી.મી. વરસાદ થતા ર૦ ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે કાલાવડ પંથકમાં સોમવારે ૪૬ મી.મી., મંગળવારે ર૧૯ મી.મી., બુધવારે ર૮૪ મી.મી. અને ગુરુવારે સવારે વધુ ૧૭ર મી.મી. નોંધાતા કુલ ૩૧ ઈંચ જેટલો વરસાદ વરસી પડતા કાલાવડ પંથકની સ્થિતિ ભારે ખરાબ થઈ હતી. તો લાલપુરમાં સોમવારે રર મી.મી. પછી મંગળવારે ૧૮૦ મી.મી., બુધવારે ૩ર૪ મી.મી. અને ગુરુવારે ૧૬૮ મી.મી. મળી કુલ ર૯ ઈંચ વરસાદ વરસી ગયો હતો અને જામજોધપુર પંથકમાં મંગળવારે ૬૯ મી.મી., બુધવારે ૩ર૯ અને ગુરુવારે ર૧૮ મી.મી. વરસાદ નોંધાતા કુલ ૬રપ મી.મી. એટલે કે રપ ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં સતત વરસેલા વરસાદથી સાતમ-આઠમનો મેળો રદ્ કરવાની ફરજ પડી હતી, તો તમામ શાળા-કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં તો સંખ્યાબંધ લોકો પાણીમાં ફસાતા તંત્ર દ્વારા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં. શહેર-જિલ્લામાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે, તો ટ્રેન-બસ સેવાને પણ અસર થવા પામી છે. અનેક ટ્રેનો રદ્ અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવી છે. બસ સેવાની પણ એવી જ હાલત છે.
આજે ધીમે ધીમે પાણી ઉમટી રહ્યા છે. આથી લોકોને રાહત મળી રહી છે, અને જનજીવન થાળે પડી રહ્યું છે, જો કે હજુ પણ અનેક વિસ્તારની સ્થિતિ દયાજનક છે. શહેરની અનેક સંસ્થાઓએ માનવતા મહેકાવી અને ફૂડ પેકેટ તૈયાર કરી તંત્રને સુપ્રત કર્યા હતાં. જેનું વિતરણ કરાયું હતું.
જિલ્લામાં આવેલા વ્યાપક વરસાદથી તમામ જળાશયો છલકાઈ ગયા છે. ઉપરાંત નદી, નાળા, ચેકડેમ, તળાવો પણ લબાલબ થઈ ગયા છે.
ભારે વરસાદના કારણે જામનગરથી અન્ય જિલ્લા તરફના માર્ગો બંધ થઈ ગયા હતાં, તે હવે ખુલ્લી રહ્યા છે. એકંદરે સ્થિતિ થાળે પડતી જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial