Advertisement
Author: નોબત સમાચાર

દેશમાં ફરી વકરતો કોરોનાઃ ૨૪ કલાકમાં ૭૦૦ થી વધુ કેસઃ ૪ના મોતઃ કેરળ મોખરે

દેશમાં દર કલાકે ૨૫ થી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છેઃ એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ હજારને પાર

નવી દિલ્હી ૨૩ઃ દેશમાં ફરીથી કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે અને ૨૪ કલાકમાં ૭૦૦ થી વધુ કેસ નોંધાયા છે. અને ૪ ના મૃત્યુ થયા છે. સંક્રમણમાં કેરળ મોખરે છે. એક્ટિવ કેસની સંખ્યા ૩૦૦૦ ને પાર પહોંચી ગયા છે.

વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેરનાર કોરોના મહામારીએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં દર એક કલાકે ઓછામાં ઓછા ૨૬ થી ૨૭ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેના પગલે ડરનો માહોલ સર્જાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૭૦૦ થી પણ વધુ કેસ નોંધાયા છે. જેમાં કેરળમાં સૌથી વધુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૫૨ નવા કેસ સામે આવ્યા છે અને ૪ લોકોના મૃત્યુ થયાં છે. આ સાથે જ સક્રિય કેસની સંખ્યા ૩૪૨૦ પર પહોંચી ગઈ છે. ડેટા અનુસાર કેરળમાં ૨૬૬, કર્ણાટકમાં ૭૦, મહારાષ્ટ્રમાં ૧૫, તમિલનાડુમાં ૧૩ અને ગુજરાતમાં ૧૨ સહિત ૧૭ રાજ્યોમાં કોવિડ - ૧૯ ના સક્રિય કેસ નોંધાયા છે. કોરોના કેસોમાં વધારો થતાં સરકારે કહ્યું હતું કે, ચિંતાનું કારણ નથી અને લોકોએ ગભરાવાની જરૃર નથી, જો કે, કેન્દ્ર સરકારે ગંભીર બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેમજ સતર્ક રહેવા કહ્યું છે.

કોરોનાની સૌથી વધુ ચિતા નવા વેરિયન્ટ જેએન-૧ થી વધી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોરોના કેસોમાં ઉછાળ જેએન-૧ વાયરસના કારણે છે, જે કોવિડ એમિક્રોન સંસ્કરણનો વંશ છે. કેરળમાં કોરોનાના સબ-વેરિયન્ટથી સંક્રમિત એક દર્દી મળી આવ્યો છે. જોકે, દેશના અન્ય હિસ્સામાં હજુ સુધી આ વાયરસની સંંક્રમણની પુષ્ટિ થઈ નથી. હાલમાં લગભગ ૪૧ દેશોમાં સબ-વેરિયન્ટનું સંક્રમણ જોવા મળ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુ એચઓ) એ માહિતી આપી છેકે છેલ્લા એક મહિનામાં વિશ્વભરમાં કોરોના વાયરસના કેસોમાં ૫૨ ટકાનો વધારો થયો છે.

નીતિઆયોગના આરોગ્ય સભ્યએ જણાવ્યું હતું કે, જેએન-૧ વેરિયન્ટના કારણે કોવિડ કેસોમાં વધારો થયો છે. પરંતુ, તેના કારણે ગંભીર કેસોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. આ એ જ વાઈરસ છે જે અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. ડબલ્યુએચઓ કહે છે, જેએન-૧ વેરિયન્ટની સ્વાસ્થ્ય પરની અસરો જાણવા માટે વધુ અભ્યાસની જરૃર છે. જેએન-૧ સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ અસર કરે છે. જે દેશોમાં ઠંડી હોય તેમણે પણ સાવચેતી રાખવી જોઈએ.

હાલમાં, જેએન-૧ વેરિયન્ટમાં કોવિડ-૧૯ના જ તમામ લક્ષણો જોવા મળે છે. સીડીસીના મત મુજબ, જેએન-૧ વેરિયન્ટ અન્ય વેરિયન્ટનું તુલનામાં નવા લક્ષણો સાથે ફેલાઈ પણ શકે છે અને નહીં પણ. એવામાં હાલ કોરોનાના દર્દીમાં સામાન્ય રીતે તાવ, નાકમાંથી પાણીનું આવવું, ગળામાં દુખાવો, માથાનો દુખાવો થવા જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક યોજીને કોરોના વાયરસ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગભરાવવાની જરૃર નથી. દેશમાં વૈજ્ઞાનિકો નવા વેરિયેન્ટનું એનાલિસીસ કરી રહ્યા છે.તેમને રાજ્યોને ટેસ્ટિંગ વધારવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા વેરિયન્ટની ટ્રેકિંગની સુવિધા માટે તમામ કોરોના કેસના સેમ્પ્લ આઈએનએસએસીઓજી લેબમાં મોકલવાની સલાહ આપી હતી. આ સાથે રાજ્યોને જાગૃકતા ફેલાવવા, મહામારી મેનેજમેન્ટ કરવા અને તથ્યાત્મક રીતે યોગ્ય અને સાચી જાણકારી જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh