Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે તે વખતે પીએસઆઈને કરાયા હતા ફરજમોકૂફઃ આગામી દિવસોમાં વધુ કડાકા ભડાકાની શક્યતાઃ
જામનગર તા. ૨૩ઃ જોડિયાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીઆરડીના એક મહિલા કર્મચારીએ ત્રણેક મહિના પહેલાં પોતાની જાતીય સતામણી કરાતી હોવાની રજૂઆત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ અરજીના માધ્યમથી કરતા મચેલા ખળભળાટ વચ્ચે તત્કાલિન પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા. તે પછી દ્વારકા જિલ્લાના ડીવાયએસપીને તેની સોંપાયેલી તપાસમાં આ પ્રકરણના કેટલાક તથ્યો ઉભરીને બહાર આવી રહ્યા છે. ત્યારે ફોજદારનું સસ્પેન્શન, આ પ્રકરણમાં કઢાવાયેલી કેટલીક કોલ ડીટેઈલ વગેરે બાબતો ચર્ચામાં આવી રહી છે.
જોડિયાના પોલીસ મથકમાં ફરજ બજાવતા ગ્રામરક્ષક દળના એક મહિલાએ ગયા સપ્ટેમ્બર મહિનામાં પોતાની જાતીય સતામણી કરાતી હોવાની રજૂઆત સાથે આ પોલીસ મથકના ફોજદાર તેમજ અન્ય વ્યક્તિઓના નામ સાથે જામનગરના જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ તંત્રમાં અરજી કરી હતી.
તે અરજી પછી મચી ગયેલા ખળભળાટ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ફોજદાર આર.ડી. ગોહિલને તાકીદના ધોરણે ફરજમૌકૂફ કરવાનો હુકમ કરાયો હતો. તે પછી ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશથી તેની તપાસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી રાઘવ જૈનને સોંપાઈ હતી.
તે પછી શરૃ થયેલી ખાતાકીય તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે. ફરિયાદી મહિલાએ કરેલી અરજી પછી તેની સાથે ફરજ બજાવતી અન્ય મહિલાઓ તેમજ હોમગાર્ડઝના જવાનો, પીએસઆઈ આર.ડી. ગોહિલ અને જોડિયા પોલીસ મથકના જે તે વખતના પોલીસ કર્મચારીઓના ફોનની કોલ ડીટેઈલ કઢાવવા સહિતની તલસ્પર્શી તપાસ કરાતા કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થશે તેમ લાગી રહ્યું છે. પોલીસ વર્તુળમાંથી જાણવા મળ્યા મુજબ અરજદાર મહિલા તેમજ પાંચ જેટલા પોલીસ કર્મચારીઓ વચ્ચે અરજીની જે તારીખ છે તેની પહેલાંના સમયમાં મોટી સંખ્યામાં ફોન કોલ આવ્યા ગયાની વિગતો બહાર આવી રહી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ જે તે વખતે જોડિયા પોલીસ મથકમાં આ મહિલા જીઆરડી કર્મચારીની સાથે ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીઓમાંથી પાંચેક જેટલા પોલીસ કર્મચારીઓ સાથે સંખ્યાબંધ વખત આઉટ ગોઈંગ તથા ઈનકમીંગ થયાના કોલ ડીટેઈલે પુરાવા આપ્યા છે. ત્યારે અગાઉ આ પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં અન્ય પોલીસ મથકોમાં બદલી કરીને મુકી દેવામાં આવેલા આ પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં ભરવામાં આવશે કે કેમ? તે આગામી સમયમાં સ્પષ્ટ થશે અને તેઓ કઈ રીતે આ અરજદાર મહિલા સાથે સંકળાયેલ હતા તેની પણ તપાસ કરવી ઘટે.
જે તે વખતે ચર્ચામાં આવેલા આ પ્રકરણમાં જોડિયાના ફોજદારને સસ્પેન્ડ કરાયા હતા. તે પછી જ્યારે હવે આ પ્રકરણમાં કેટલીક વિગતો બહાર આવી રહી છે તે રીતે ત્રણેક વર્ષ પહેલાં આ મહિલા અરજદાર જીઆરડીમાં ભરતી થયા હતા. તે પછી તેમના દ્વારા કેટલાક પગાર બીલ બનાવાયા હોય તેમાં ફોજદારને શંકા પડતા તેઓએ આમ નહીં કરવા સુચના આપતા વૈમનસ્ય રાખી અરજી કરાઈ હોવાનું પણ માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે ત્યારે આગામી દિવસોમાં ફોજદારનું સસ્પેન્શન અને અન્ય પોલીસકર્મીઓ સામેના પગલાં તથા અરજીમાં મુકાયેલા આક્ષેપની ખરાઈ સહિતના મુદ્દાઓ પર મીટ મંડાયેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial