Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના હરીપર-મેવાસામાં ફટાકડા ફોડવાની બાબતે ફાયરીંગઃ પાંચને ઈજા

ચાર શખ્સે બે હથિયારમાંથી કર્યા ભડાકાઃ અગાઉની અદાવત કારણભૂત હોવાની પણ શંકાઃ

જામનગર તા. ૯: કાલાવડના હરીપર-મેવાસા ગામમાં ગઈરાત્રે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી પછી ચાર શખ્સે એક પરિવાર પર બે હથિયારમાંથી ફાયરીંગ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. હથિયારમાંથી વછૂટેલા છરા બાળકી સહિત પાંચ વ્યક્તિના શરીરમાં ઘૂસી જતાં ઈજાગ્રસ્તોને જામનગર દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ એક યુવતીએ કરેલી આત્મહત્યા પછી બંને પક્ષ વચ્ચે વેરના વાવેતર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં રહેતા ફિરોઝભાઈ કાસમભાઈ હાલાણી તથા તેમના પરિવારના બાળકો ગઈકાલે રાત્રે દસેક વાગ્યે તેમના ઘર પાસે ફટાકડા ફોડતા હતા. આ પ્રૌઢની પુત્રીના બાળકોએ જીદ્દ કરતા નાના ફિરોઝભાઈ પણ ફટાકડા ફોડાવવામાં સાથે હતા ત્યારે તેમના ઘરથી થોડે દૂર રહેતો યુનુસ તૈયબ હાલેપોત્રા નામનો શખ્સ આવ્યો હતો.

તેણે શેરીમાં ફટાકડા ન ફોડવા માટે કહેતા ફિરોઝ ભાઈએ બાળકો ફટાકડા ફોડે છે તેમ કહ્યું હતું. તેથી ઉશ્કેરાયેલા યુનુસે ઉભો રહેજે, હમણા ભડાકો કરૂ છું તેમ કહી સ્થળ છોડી દીધુ હતું. તે પછી થોડી વારમાં સ્કોર્પિયોમાં યુનુસ તૈયબ હાલેપોત્રા, આસિફ તૈયબ, આમીન યુનુસ હાલેપોત્રા, મામદ નાથા સમા નામના ચાર શખ્સ બાર બોરની બંદૂક સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા.

આ શખ્સોએ મોટરમાંથી ઉતર્યા પછી ફટાકડા ફોડી રહેલા ફિરોઝભાઈ તથા બાળકો સામે અગ્નિશસ્ત્ર તાકી ભડાકા શરૂ કર્યા હતા. તેમાંથી વછૂટેલી ગોળીના છરા ફિરોઝ ભાઈ, તેમના ભાભી, અન્ય બે મહિલા અને એક બાળકીના શરીરમાં ઘૂસી ગયા હતા.

ફટાકડા ફૂટવાના અવાજ વચ્ચે ફાયરીંગ થવા લાગતા દોડધામ મચી હતી. છરા વાગવાથી ઘવાયેલા વ્યક્તિઓ લોહીલુહાણ બની ગયા હતા. તેઓને સારવાર માટે જામનગર દવાખાને ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને કાલાવડથી ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ એન.બી. ડાભી સહિતનો સ્ટાફ ધસી આવ્યો હતો.

પાંચેય ઈજાગ્રસ્તને મોડીરાત્રે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા પછી સારવાર શરૂ કરવામાં આવી હતી. રાત્રે બે વાગ્યે ફિરોઝભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ડીવાયએસપી (ગ્રામ્ય) આર.બી. દેવધા પણ દોડી આવ્યા હતા. ફરિયાદમાં જણાવાયા મુજબ યુનુસ તૈયબ હાલેપોત્રા તથા તેના ભાઈ આસિફ, પુત્ર આમીન અને મામદ નાથાએ ફટાકડા ફોડવા બાબતે પથ્થરોના ઘા કર્યા પછી યુનુસે ડબલ બેરેલની બંદૂકમાંથી અને આમીને કોઈ અન્ય હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. આ શખ્સોએ ગાળો ભાંડ્યા પછી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીના સગડ દબાવ્યા છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ આરોપી પક્ષની એક યુવતીએ બે વર્ષ પહેલાં આત્મ હત્યા કરી હતી. તે યુવતી ફિરોઝભાઈના પરિવારના એક યુવક સાથે પ્રેમસંબંધમાં હતી તેવી શંકા સામા પક્ષને પડી હતી જેના કારણે હાલનો આરોપી પક્ષ અવારનવાર ઝઘડા કરતો હતો. તે દરમિયાન ગઈકાલે રાત્રે ફટાકડા ફોડવા જેવી નાની બાબતે ફાયરીંગ થયું હતું.

ફાયરીંગમાં વપરાયેલુ એક હથિયાર પરવાનાવાળુ?

હરીપર-મેવાસામાં ગઈરાત્રે ફટાકડા ફોડવા જેવી ક્ષુલ્લક બાબતે ફાયરીંગનો બનાવ બન્યો છે. તેમાં વપરાયેલુ હથિયાર પરવાનાવાળુ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તે બે હથિયારમાંથી ફાયરીંગ થયાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે ડબલ બેરેકની લાયસન્સવાળી બંદૂક ઉપરાંત અન્ય ક્યા હથિયારમાંથી ફાયરીંગ થયું? તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh