Advertisement
Author: નોબત સમાચાર

કાચા-પાકા બાંધકામોના ગેરકાયદે દબાણો હટાવવા તડામાર તૈયારી

આવતીકાલે હાથ ધરાશે મેગાડિમોલીશનઃ

જામનગર તા. ૧૦: દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ-દ્વારકામાં આવતીકાલે ગેરકાયદે દબાણો હટાવવા માટે સંબંધિત તંત્રો દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત દ્વારકા કોરીડોર સંદર્ભમાં આવડપરા વિસ્તારના દબાણો તેમજ રૂપેણ બંદરના મીની ધારાવી ગણાતા શાંતિનગરમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે જોરદાર ગતિવિધિ ચાલી રહી છે.

આ મેગા ડિમોલીશન માટે રાજય સરકારના આદેશ મુજબ વહીવટી તંત્ર, નગરપાલિકા, જિલ્લા કલેકટર કચેરી, પીજીવીસીએલ, પોલીસ વિભાગ સહિતના વિભાગો વચ્ચે સંકલન કરી દબાણો હટાવવાની કામગીરી માટે જાણવા મળતી વિગતો પ્રમાણે આજે બપોરે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાનાર છે.

આવતીકાલે સવારથી આ મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવનાર છે. જે માટે કાનૂની જોગવાઈ મુજબ દબાણકર્તાઓને નિયત સમય મર્યાદામાં દબાણો હટાવી લેવાની નોટીસો પણ આપવામાં આવી હતી. જેની મુદત પૂર્ણ થઈ ગઈ છે.

બેટ-દ્વારકામાં ગત વરસે ગેરકાયદે દબાણો દૂર થયા હતા ત્યાં ફરીથી દબાણો થઈ ગયા હોય તે તમામ દબાણો પણ દૂર કરવામાં આવશે. બેટ-દ્વારકાના બાલાપર નામના વિસ્તારમાં ગેરકાયદે કાચા-પાકા મકાનો, કોમર્શીયલ બાંધકામો થઈ ગયા છે. આ તમામ દબાણો દૂર કરવામાં આવશે.

આવતીકાલે હાથ ધરનારા આ મેગા-ડિમોલીશન માટે અત્યારથી જ બેટ-દ્વારકામાં જેસીબી, બુલડોઝર, ટ્રેકટરો, વગેરે યંત્ર સામગ્રીને સજજ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં આ કાર્યવાહી માટે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ એક હજાર જેટલા પોલીસ સ્ટાફનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમામ સંબંધિત

વિભાગના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ અને ઉપસ્થિતિમાં આ કામ પાર પાડવાનો તખ્તો ઘડાઈ ગયો છે. અને કોઈપણ અનિચ્છિનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી સાથે ઓપરેશન પૂર્ણ કરવા માટે તંત્રએ ફુલપ્રુફ પ્લાન તૈયાર કર્યો હોવાનું જાણવા મળે છે.

દરિયાઈ સીમાથી ઘૂસણખોરી અને દેશની સુરક્ષાના મુદાને ધ્યાને લઈને આ વિસ્તારમાંથી તમામ ગેરકાયદે દબાણો હટાવવા તંત્રએ કમર કસી છે. અને આવતીકાલે બેટ-દ્વારકા તેમજ રૂપેણ બંદર અને આવડપરાના દબાણો દૂર કરવા માટેની કામગીરી સુરક્ષા બંદોબસ્ત અને કડક પોલીસ વ્યવસ્થા સાથે હાથ ધરવામાં આવનાર છે.

કરોડોની જમીનોના દસ્તાવેજમાં સ્ટેટસ કવો યથાવત

ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી આગામી તારીખ ૩૦ જાન્યુઆરીએ

જામનગર તા. ૧૦: સમગ્ર જામનગરમાં ચર્ચા જગાવનાર કરોડો રૂપિયાની કિંમતની જમીનોના દસ્તાવેજ પ્રકરણમાં જમીનના કેટલાક સહમાલિકોની જાણ બહાર, સહી-સહમતી વગર દસ્તાવેજો થઈ ગયા હોવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં અદાલતે વધુ સુનાવણી માટે આગામી તા. ૩૦ જાન્યુઆરીના મુકરર કરી છે. અને ત્યાં સુધી સ્ટેટસ કવોનો આદેશ ચાલુ રહેશે.

જામનગરના મોટા ગજજાના બિલ્ડર, કેબિનેટ મંત્રી તથા ધારાસભ્યના સગાના નામે વેચાણ-દસ્તાવેજના મામલે સંબંધિતોમાં ભારે દોડધામ મચી ગઈ છે. અને જે વધુ બે-ત્રણ જમીનોના દસ્તાવેજ માટે કરારો થયા હતા તેના દસ્તાવેજ કરવામાં બ્રેક લાગી ગઈ હોવાની જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh