Advertisement
Author: નોબત સમાચાર

દેશની રાજધાની દિલ્હીએ ઓઢી ગાઢ ધુમ્મસની ચાદરઃ કાતિલ ઠંડી

વિઝિબિલિટી ઝીરોઃ ૧૨૦ ફલાઈટ અને ૨૬ ટ્રેનો થઈ મોડીઃ ૧૭ રાજયો પ્રભાવિત

નવી દિલ્હી તા. ૧૦: દેશની રાજધાની દિલ્હીએ જાણે ગાઢ ધુમ્મસની ચાદર ઓઢી હોય તેમ વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી, આ કારણે જનજીવન અને પરિવહન ઠપ્પ થયુ હતું. તે કાતિલ ઠંડી યથાવત રહી હતી.

દેશની રાજધાની દિલ્હીએ જાણે ધૂમ્મસની ચાદર ઓઢી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ફરી એકવાર પોતાનું તીવ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે સવારે દિલ્હી સહિત ઘણા રાજયોના આકાશમાં ધુમ્મસ હતું. ગાઢ ધુમ્મસના કારણે ફરી એકવાર લોકોના રોજિંદા જીવન પર અસર પડી. એવું લાગે છે કે કુદરતે દિલ્હીને ધુમ્મસની ચાદરથી ઢાંકી દીધું છે. આ ધુમ્મસની સાથે ઠંડા પવનો અને ખરાબ હવાની ગુણવત્તાએ પણ સામાન્ય લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સ્ટ્રીટ લાઈટ પણ દેખાતી નથી. કાતિલ ઠંડી પણ યથાવત છે. તાપમાન ૫ ડીગ્રીથી નીચે નોંધાયું છે. આજે સવારે દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં દૃશ્યતા શૂન્ય થઈ ગઈ. ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (આઈજી આઈ)એ ફલાઈટસ પર સંભવિત અસર અંગે જારી કરવી પડી એડવાઈઝરી. એવું લાગે છે કે દિલ્હી-એનસીઆરમાં આજે સિઝનનું સૌથી ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

દરેક વિસ્તાર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલો દેખાય છે. ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિલ્હીમાં અક્ષરધામ, મંદિર માર્ગ, સાકેત અને પુસા રોડ જેવા સ્થળોએ સવારે દૃશ્યતા ૧૦ મીટરથી ઓછી હતી. હવામાન વિભાગ મુજબ ગાઢ ધુમ્મસ દિલ્હીમાં લોકોને વધુ મુશ્કેલીમાં મૂકશે. આગામી દિવસોમાં ધુમ્મસની સ્થિતિ યથાવત રહેવાની ધારણા છે.

ધુમ્મસને કારણે વાહનો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. ઓછી દૃશ્યતાને કારણે ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. માત્ર ટ્રેનો જ નહીં પરંતુ ઘણી ફલાઈટસ પણ મોડી ઉડાન ભરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં, ધુમ્મસના કારણે સ્પાઈસજેટ, ઈન્ડિગો અને એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઈન્સની ફલાઈટસ પર અસર પડી છે.

ગાઢ ધુમ્મસની સાથે, હવાની ગુણવત્તા પણ ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ છે. શુક્રવારે સવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક ૪૦૯ નોંધાયો હતો, જે પ્રદૂષણનું ગંભીર સ્તર દર્શાવે છે. ધીમા પવનો અને ગાઢ ધુમ્મસને કારણે વાયુ પ્રદૂષણમાં વધુ વધારો થયો છે. કમિશન ફોર એર કવોલિટી મેનેજમેન્ટએ ત્રીજા તબકકા હેઠળ પ્રદૂષણ વિરોધી પગલાં તાત્કાલિક અમલમાં મુકવા સૂચનાઓ આપી છે.

ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રકોપ ચાલુ છે. સપ્તાહના અંતે શિમલા અને હિમાચલ પ્રદેશના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની શકયતા છે. કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી ૧૦.૪ ડિગ્રી નીચે પહોંચી ગયું છે. ચિલ્લા-એ-કલનના કારણે, ખીણમાં ઠંડી ચરમસીમાએ છે, અને આગામી દિવસોમાં વધુ બગાડ થવાની સંભાવના છે. પંજાબ અને હરિયાણામાં, મોગા ૨.૩ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ સ્થળ હતું, જયારે રાજસ્થાનમાં, ફતેહપુરનું તાપમાન ૩ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની શકયતા છે, જેના કારણે ઠંડીમાં વધુ વધારો થવાની શકયતા છે.

દેશના ૧૭ રાજયોમાં ગાઢ ધુમ્મસઃ પરિવહન ખોરવાયું

દેશમાં તીવ્ર ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે સવારે એમપી અને યુપી સહિત ૧૭ રાજયોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના કારણે ઘણા રાજયોમાં વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે. દિલ્હીમાં સ્મોગના કારણે ૧૨૦ ફલાઈટ અને ૨૬ ટ્રેન મોડી પડી હતી. ૪ ફલાઈટ કેન્સલ કરવી પડી હતી. તે જ સમયે ઘણી ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી દિલ્હી સ્ટેશન પહોંચી, જેના કારણે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી.

યુપીના તમામ ૭૫ જિલ્લામાં ધુમ્મસ છે. નોઈડામાં ઝીરો વિઝિબિલિટી નોંધાઈ હતી. આગ્રામાં તાજમહેલ ૨૦ મીટર દૂરથી દેખાતો નથી. કાનપુર અહીંનો સૌથી ઠંડો જિલ્લો હતો. લઘુત્તમ તાપમાન ૪.૪ ડિગ્રીએ પહોંચ્યું હતું.

હવામાન વિભાગે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં શનિવાર અને રવિવારે હિમવર્ષા થઈ શકે છે. બીજી તરફ કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે મોટાભાગની જગ્યાએ તાપમાન માઈનસમાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh