Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રમાં વર્ષ ર૦૧૪ માં સત્તા પરિવર્તન થયું અને મોદી સરકારે સત્તા સંભાળી, તે પછી કેન્દ્રિય એજન્સીઓનો રાજકીય કારણોસર દુરૂપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપો વિપક્ષો કરતા રહ્યા છે અને દરેક ચૂંટણીમાં આ મુદ્દો અગ્રીમ હરોળમાં હોય છે. કેન્દ્રિય તપાસ એજન્સીઓ સીબીઆઈ, ઈ.ડી., આઈ.ટી. ઉપરાંત કેટલીક અન્ય બંધારણીય ઓથોરિટીઝ અને સંસ્થાઓનો પણ રાજકીય દૃષ્ટિકોણથી ઉપયોગ (દુરૂપયોગ) થતો હોવાનું અવારનવાર ચર્ચાતું હોય છે, અને તેના પ્રત્યાઘાતો પણ નેશનલ-ઈન્ટરનેશનલ ક્ષેત્રે પડતા હોય છે.
આમ તો સરકારો દ્વારા કેન્દ્રિય તપાસ એજન્સી તથા બંધારણીય સંસ્થાઓના દુરૂપયોગના આક્ષેપો કાંઈ નવા નથી અને ભૂતકાળમાં પણ આ પ્રકારના આક્ષેપો હાલમાં સત્તારૂઢ પાર્ટીઓ તથા નેતાઓ તે સમયની સરકાર સામે કરતા હતાં અને સુપ્રિમ કોર્ટે પણ તે સમયે સીબીઆઈને સરકારનો 'પોપટ' ગણાવીને કટાક્ષ કર્યો હતો, જેનો અત્યારે પણ વરંવાર ઉલ્લેખ થતો રહે છે. હવે સીબીઆઈ ઉપરાંત ઈ.ડી.ને લઈને અદાલતી ટકોરની ચર્ચા પણ થઈ રહી છે, અને અદાલતે ઈ.ડી.ને કરેલી ટકોરના શબ્દાર્થો, ભાવાર્થો તથા સુચિતાર્થો વર્ણવાઈ રહ્યા છે. આ સંદર્ભે થતા આક્ષેપો-પ્રતિઆક્ષેપો પછી સવાલ એ ઊઠે કે આમાં સાચું કોણ અને ખોટું કોણ?
તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટમાં એક સુનાવણી ચાલી રહી હતી. હમણાંથી અદાલતોમાં ચાલતા પોલીટિકલ કેસોનો રાજકીય પ્રચાર માટે પણ ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે, તેથી પ. બંગાળના એક રાજનેતાએ કરેલી અરજીના સંદર્ભે સર્વોચ્ચ અદાલતમાં થયેલી સુનાવણી દરમિયાન અદાલતે કરેલી ટકોરની ચર્ચા પણ કાનૂની ક્ષેત્ર તથા રાજકીય ગલિયારાઓમાં જોરશોરથી થઈ રહી છે અને જુદા જુદા અર્થઘટનો કરવામાં આવી રહ્યા છે.
હકીકત. બંગાળમાં પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ગોટાળાના એક કેસની સુનાવણી ચાલી રહી હતી. પ. બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી અને તે પછી તેઓ જેલભેગા થયા હતાં.
હમણાંથી પ. બંગાળ પણ વિવિધ મુદ્દે હેડલાઈન્સમાં રહે છે. કેન્દ્રિય એજન્સીઓ સાથે ઘર્ષણ હોય કે પછી મોદી સરકાર પર તડાપીટ બોલાવવાની હોય, પ. બંગાળના મુખ્યમંત્રી હંમેશાં તેજાબી વક્તવ્યો આપતા હોય છે. તાજેતરમાં પેટાચૂંટણીઓમાં પણ તેમની ઝળહળતી વિજયયાત્રાને ભાજપ ભેદી શક્યો નથી. કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગના મુદ્દે પણ મમતા બેનર્જી તડાપીટ બોલાવતા રહ્યા છે. તેણીએ કોંગ્રેસને પણ ટકોર કરી છે કે હવે ઈન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ બદલવું જોઈએ, એટલે કે તૃમણુલ કોંગ્રેસને મળવું જોઈએ.!!!
હવે મૂળ વાત પર આવીએ તો, આ કેસ તો લાંચ-રૂશ્વતનો હતો, પરંતુ તેના અનુસંધાને ઈ.ડી.એ ચેટર્જી સામે મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો હતો, અને આરોપીને જેલમાં મોકલાયા હતાં. આ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા પાર્થ ચેટર્જીએ જામીન અરજી દાખલ કરી હતી, તે અંગેની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કરેલી ટકોર પછી આ મુદ્દો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સર્વોચ્ચ અદાલતે કેસ ચાલુ થયા વિના જ આરોપીને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવાની પ્રક્રિયા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સવાલ ઊઠાવ્યો હતો કે 'આરોપીને કેટલા લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય? આ કેસમાં આરોપી બે વર્ષથી લાંબા સમયથી કસ્ટડીમાં છે, અને જો તે દોષિત નહીં ઠરે તો શું થશે? બે-ત્રણ વર્ષ સુધી આરોપી દોષિત ઠરે તેની રાહ જોવી, તે ખૂબ લાંબો સમય કહી શકાય.'
સર્વોચ્ચ અદાલતે આ સુનાવણી દરમિયાન જ ઓગસ્ટ મહિનામાં સંસદમાં અપાયેલા એ નિવેદનને ટાંકીને મની લોન્ડરીંગના કેસોમાં કોન્વિકિશન રેટ નીચો હોવાના મુદ્દે ટકોર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પીએમએલએ હેઠળ પાંચ હજાર જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, અને છેલ્લા દસ વર્ષમાં માત્ર ૪૦ (ચાલીસ) કેસોમાં જ આરોપીઓ સાબિત થયા છે. કોન્વિકિશન રેટ એટલે કે સજાનું પ્રમાણ ઘણું જ ઓછું હોવાની સર્વોચ્ચ અદાલતની આ ટકોરને ટાંકીને એજન્સીઓની કાર્યપદ્ધતિ તથા કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય એજન્સીઓના દુરૂપયોગના આક્ષેપોને આંકડાકીય સમર્થન મળી રહ્યું હોય, તેમ નથી લાગતું?
જો પાંચ હજાર જેટલા મની લોન્ડરીંગના કેસોમાં અત્યાર સુધીમાં માત્ર ૪૦ કેસોમાં જ સજા થઈ શકી હોય અને લાંબા સમય સુધી આ કેસો ચાલે, તો જ્યાં સુધી આરોપો પૂરવાર ન થાય, અથવા ચાર્જશીટની સુનાવણીઓ સુધી રાહ જોવી પડે, તો તેને 'સિસ્ટમ'ની ખામી ગણવી, એજન્સીઓની કાર્યપદ્ધતિ સામે સ્થાપિત હિતોની મિલીભગત ગણવી, પોલિટિકલ પ્રેસર ગણવું કે સરકારી દબાણ ગણવું, તે મુદ્દે વ્યાપક ચર્ચાઓ ગઈકાલથી જ શરૂ થઈ ગઈ છે.
જો કે, સુપ્રિમ કોર્ટે એજન્સીની રોજીંદી કામગીરી અંગે કોઈ સવાલો ઊઠાવ્યા નથી, પરંતુ સજા થવાનું ઓછું પ્રમાણ અને પ્રક્રિયાત્મક વિલંબ અંગે ટકોર કરી છે, પરંતુ એ પણ હકીકત જ છે કે કેન્દ્રિય એજન્સીઓ દ્વારા વિપક્ષના નેતાઓ કે તેના નજીકના લોકો પર મહત્તમ દરોડા પડી રહ્યા છે, અને તેથી જ વિપક્ષો સરકારની રીતિનીતિ પર તડાપીટ બોલાવી રહ્યા છે. આજથી દોઢ-બે દાયકા પહેલા આ જ પ્રકારના આક્ષેપો વર્તમાન શાસકોના વર્તુળો-નેતાઓ લગાવતા હતાં, અને હવે હાલના વિપક્ષી નેતાઓ એટલે કે પૂર્વ શાસકો પણ એ જ પ્રકારના આક્ષેપો લગાવી રહ્યા છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે સાચું શું? અને ખોટું શું!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial