Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાનીએ
ખંભાળિયા તા. ૧૦: પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાનીને સલાયા-ખંભાળિયા નગરપાલિકાની ઓચિંતી મુલાકાત લઈ સ્ટાફ મિટિંગો યોજી વિકાસકામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા સલાયા નગરપાલિકાની ઓચિંતી મુલાકાતે પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાની (આઈ.એ.એસ.) ગઈકાલે આવ્યા હતાં.
ખંભાળિયા પાલિકામાં દરેક વિભાગના વડા સાથે ખાસ ચર્ચા બેઠક તથા તેમના વિભાગની કામગીરીનો રીવ્યુ તેમણે લીધો હતો તથા વિકાસ સપ્તાહ અંતર્ગત તમામ કર્મચારીઓ સાથે તેમણે પણ પ્રતિજ્ઞા લીધી હતી.
ખંભાળિયા પાલિકા વિસ્તારમાં ત્રણેકવર્ષમાં થયેલા વિવિધ વિકાસ કાર્યો ટાઉહનોલ, રોડ-રસ્તા, ઓડીટોરિયમ, ફિલ્ટર પ્લાન, હેરિટેજ ગ્રાન્ટથી ચાલતા કામો, હાપા સ્ટેશન વિગેરે સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી હતી તથા કામગીરી અંગે સમીક્ષા પણ કરી હતી.
ખંભાળિયા પાલિકાને રાજ્ય સરકાર દ્વારા રીવરફ્રન્ટ માટે ૪૦ કરોડ, ભૂગર્ભ ગટર માટે ૩૧ કરોડ, ગંદા પાણીના નિકાલ માટે રર કરોડ તથા અન્ય વિકાસકાર્યો માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હોય, તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારની મદદથી શહેરમાં પ્રવેશતા સ્થળો પર ઓવરબ્રીજ તથા અંડરબ્રીજ તથા ખામનાથ પુલ વિગેરે ભાવિ આયોજનોના સ્થળની પણ તેમણે મુલાકાત લીધી હતી. જેમની સાથે ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન.આર નંદાણિયા પણ જોડાયા હતાં. પ્રાદેશિક નિયામક દ્વારા ફાયરસ્ટેશનની પણ મુલાકાત લઈને કર્મચારીઓ તથા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચોમાસામાં ખંભાળિયામાં ભારે વરસાદ વખતે પાણી પુરવઠો બંધ થઈ જતા પાલિકાએ કરેલી ઈમરજન્સી કાર્ય તથા ફૂલવાડી વોટર વર્કસ ઘી નદી, ખામનાથ રીવરફ્રન્ટ તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ તેમણે મુલાકાત લીધી હતી.
એક મુલાકાતમાં પ્રદેશિક ન.પા. નિયામક મહેશભાઈ જાનીએ જણાવેલ કે ખંભાળિયા જિલ્લાનું વડુ મથક છે તથા હાલ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો મંજુર થયેલી છે. જેના ઉપયોગ વડે ખંભાળિયા આગામી સમયમાં અમદાવાદ, સુરત જેમ સુંદર સવલતોવાળું શહેર બનશે. જે માટે તેઓએ તમામ પ્રકારની મદદ કરવા પણ જણાવ્યું હતું.
શહેરના ત્રણેક વોર્ડ વિસ્તારોમાં તેમના દ્વારા સફાઈ સ્વચ્છતા અંગે પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું તથા પાલિકાની આર્થિક સ્થિતિ સુધારવા સૂચનો કર્યા હતાં તથા વર્તમાન સમસ્યાઓ અંગે જાણકારી પણ મેળવી હતી તથા સલાયા પાલિકા ઓફિસ તથા બંદરની પણ મુલાકાત લીધી હતી.
તાજેતરમાં ખંભાળિયા પાલિકાની નબળી આર્થિક સ્થિતિ, વીજબીલ ભરવા માટે લોનની માંગણી, સફાઈ કામદારોના આંદોલનની ચિમકી, ચોરી કરવેરા વસૂલાત વિગેરે મુદ્દાઓની ચર્ચામાં આવેલી ખંભાળિયા નગરપાલિકાની ઓચિંતી પ્રાદેશિક નિયામકની મુલાકાત અનેક રીતે માર્ગદર્શક બની રહી હતી.
બે વર્ષ પહેલા પ્રાદેશિક નિયામક ધીમંતભાઈએ પણ આવી રીતે મુલાકાત લીધી હતી.
અમારા સલાયાના પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે તે મુજબ સલાયા નગરપાલિકાની ગુજરાત રાજ્ય પ્રાદેશિક નગરપાલિકા નિયામકે ઓચિંતી લીધેલી મુલાકાત દરમિયાન તેમણે નગરપાલિકાની કામગીરીનું જીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો, અને સરકાર દ્વારા વિકાસ કાર્યો અર્થે આવેલ ગ્રાન્ટ તેમજ ફરિયાદો બાબતે પણ નગર પાલિકાને જરૂરી સૂચનાઓ આપી હતી અને સલાયા નગર પાલિકા દ્વારા વેરાની વસૂલાત બાકી છે તે બાબતે તુરત ઝડપી કાર્યવાહી નિયમ અનુસાર કરવા જણાવ્યું હતું. અંદાજે ૧ કરોડથી ઉપરના વેરા બાકી હોઈ, નગરપાલિકાએ આખરી નોટીસો પણ બજવી દીધી છે. જે બાબતે કડક કાર્યવાહી કરવા કમિશનરે સૂચનો આપ્યા હતાં. આ સમયે સલાયાના બે સામાજિક કાર્યકર અવેષ બ્લોચ તેમજ સબિર ભોકલે સલાયાના પડતર પ્રશ્નો ભૂગર્ભ ગટર, પાણી વિતરણ અને કર્મચારીના પગાર બાબતે રજૂઆત કરી હતી. તે બાબતે પણ યોગ્ય કરવા કમિશનરે ખાતરી આપી હતી. તેઓએ સલાયાના અમુક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial