Advertisement
Author: નોબત સમાચાર

રતન ટાટાની અંતિમ વિદાયથી ઘેરો શોકઃ અંતિમ દર્શનમાં લોકો ઉમટ્યા

પી.એમ. મોદીએ નોએલ ટાટાને ફોન કરી સાંત્વના આપીઃ અમિત શાહ સરકાર તરફથી અંતિમ યાત્રામાં:

મુંબઈ તા. ૧૦: દિગ્ગજ ઉદ્યોગપતિ અને મુઠી ઉંચેરા માનવી રતન ટાટાની અંતિમ વિદાયથી દેશભરમાં શોકની લાગણી ફેલાવા પામી છે. આજે સવારથી તેઓના પાર્થિવ દેહના દર્શને લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં. બપોરે તેમની અંતિમ યાત્રામાં વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો ઉપરાંત ભારત સરકાર તરફથી ગૃહમંત્રી અમિત શાહ જોડાયા છે.

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનથી દેશભરમાં શોક ફેલાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ટોચની હસ્તીઓએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રતન ટાટાના પાર્થિવ દેહને સવારે ૧૦-૩૦ વાગ્યાથી એનસીપીએમાં અંતિમદર્શન માટે રાખ્યા પછી બપોર પછી તેમના પાર્થિવ દેહન વર્લીના સ્મશાનમાં અંતિમસંસ્કાર થઈ રહ્યા છે.

રતન ટાટાના નિધનથી ઉદ્યોગથી માંડીને મનોરંજન, રાજનીતિ, ખેલજગત અને રાજનીતિ ક્ષેત્રે શોકનો માહોલ છે. પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર માટે અનેક દિગ્ગજોએ હાજરી આપી છે. મરીન ડ્રાઈવને બંધ કરવામાં આવ્યો છે. અંતિમ સંસ્કાર માટે લોકો ઉમટી પડ્યા છે.

ટાટા સન્સના માનદ્ ચેરમેન રતન ટાટાએ ૮૬ વર્ષની વયે ગત્ રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધા હતા. દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન પર દેશભરની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. તેમના નિધન પર દેશ-વિદેશમાં વસતા ભારતીયોએ પણ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ સહિત ઘણાં રાજ્યોમાં એક દિવસનો રાજકીય શોક રાખવામાં આવ્યો છે.

પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોએલ ટાટા સાથે ફોન પર વાત કરી અને શોક વ્યક્ત કર્યો. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ભારત સરકાર વતી રતન ટાટાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી છે.

રતન ટાટાના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજું છે. રિલાયન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ રતન ટાટાને ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને પોરપકારી પુત્રોમાંથી એક ગણાવ્યા હતાં. મુકેશ અંબાણીએ તેમના શોક સંદેશમાં કહ્યું, 'ભારત અને ભારતીય ઉદ્યોગ માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. રતન ટાટાનું નિધન માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. વ્યક્તિગત સ્તરે, હું રતન ટાટાના નિધનથી ખૂબ જ દુઃખી છું, કારણ કે મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે.'

રતનટાટા ખૂબ જ સેવાભાવી અને દયાળું હતાં. તેમણે ટાટા ગ્રુપને જમીનથી ઉપર લઈ લીધું. તેમના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપે દરરોજ નવી ઊંચાઈઓને સ્પર્શી હતી. જો ટાટાને અમારા ઘર સુધી પહોંચે છે તો તે રતન ટાટાના કારણે છે. રસોડાથી લઈને બેડરૂમ સુધીની ટાટા વસ્તુઓ છે. આજે ટાટાનો પ્રભાવ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે. ચાથી લઈને જગુઆર લેન્ડ રોવર કાર સુધી અને મીઠું બનાવવાથી લઈને ઊડતા જહાજો અને હોટેલ્સનું જુથ ચલાવવા સુધી.

રતન ટાટાનું એક વિકસિત ભારતનું સ્વપ્ન હતું. તેણે આખી દુનિયાને પોતાના વિઝનનો પરિચય કરાવ્યો હતો. તેમના મૃત્યુનો એક વીડિયો સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રતન ટાટાના સપનાની ઝલક જોવા મળી રહી છે. તેણે કહ્યું હતું- હું કદાચ ત્યાં ન રહું, પરંતુ ભારત માટે મારૂ સપનું એક દિવસ સાકાર થશે

ભારતીય ઈતિહાસમાં રતન ટાટાનું નામ સૂવર્ણ અક્ષરે લખવામાં આવશે. ભારતમાં જ્યારે પણ ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ થાય છે રતન ટાટાનું નામ સૌથી પહેલા લેવામાં આવશે. તેમણે તેમના જીવનની સાર્થક યાત્રામાં ઘણાં ઐતિહાસિક કામો કર્યા હતાં.

અમિત શાહે રતન ટાટાના નિધન પર શોક વ્યકત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને સાચા રાષ્ટ્રવાદી શ્રી રતન ટાટા જીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેમણે આપણા રાષ્ટ્રના વિકાસ માટે નિઃસ્વાર્થપણે પોતાનું જીવન સમર્પિત કર્યું. હું જ્યારે પણ તેમને મળ્યો ત્યારે ભારત અને તેના લોકોની સુખાકારી પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા મને આશ્ચર્યચકિત કરી દેતી હતી. આપણા દેશ અને તેના લોકોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે લાખો સપના સાકાર થયા. સમય રતન ટાટાજીને તેમના પ્રિય દેશ પાસેથી છીનવી શકતો નથી. તે આપણા હૃદયમાં જીવશે.

ઉદ્યોગ જગતના ટાઈટન રતન નવલ ટાટાનું બુધવારે રાત્રે મુંબઈની એક હોસ્પિટલમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું. છ ખંડો પરના ૧૦૦ થી વધુ દેશોમાં કાર્યરત ૩૦ થી વધુ કંપનીઓ પર તેમનો ભારે પ્રભાવ અને નિયંત્રણ હોવા છતાં, તેઓ કયારેય અબજોપતિઓની યાદીમાં દેખાયા નથી.

ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ લખ્યું હતું કે ભારત અને વિશ્વએ એક વિશાળ હૃદય સાથે એક વિશાળ વ્યક્તિ ગુમાવ્યો છે. જ્યારે મને રાજદૂત તરીકે સેવા આપવા માટે નામાંકિત કરવામાં આવ્યો હતો, ત્યારે ભારત તરફથી સૌપ્રથમ શુભેચ્છા રતન ટાટા તરફથી આવી હતી, જેમણે બોર્ડમાં રહીને મારા વતનની ખૂબ સારી સેવા કરી હતી. સઘર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમણે આપણા દેશ માટે વધુ સમૃદ્ધિ અને સમાનતાનું ભવિષ્ય જોયું હતું.

નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક વ્યકત કર્યો હતો અને લખ્યું કે તેમનો વારસા, સમાજ પર સકારાત્મક અસર છોડી જશે.

રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ટાટા જૂથના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ટાટા ટ્રસ્ટના નેતા વરિષ્ઠ ઉદ્યોગસાહસિક રતનજી ટાટાના નિધનના સમાચારથી મને આઘાત લાગ્યો છે. રતનજીનું આખું જીવન પ્રેરણારૂપ રહ્યું. એક ઉદ્યોગસાહસિક તરીકે, તેમણે હંમેશા એક સફળ અને દૂરંદેશી ઉદ્યોગ સાહસિક તરીકે કામ કર્યું છે, તેથી જ મુંબઈ ટાટા ગ્રુપનું જન્મસ્થળ છે, તેમનું નિધન ભારતીય ઉદ્યોગ અને સમાજ માટે એક અપૂર્વીય ખોટ છે અને તેમની સાથે સંકળાયેલા તમામ લોકોને આ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh