Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિમોલીશનની બહાદુરી સામે યક્ષ પ્રશ્ન...
જામનગર તા. ર૭: જામનગર શહેર-જિલ્લાની જ વાત કરીએ તો છેલ્લા થોડા મહિનાથી અનેક સ્થળે 'દાદાનું બુલડોઝર'ના શિર્ષક હેઠળ ગેરકાયદે દબાણો હટાવવા, તોડપાડ કરવાના મેગા ડિમોલીશન ચાલી રહ્યા છે. ખૂબ જ સારી અને આવકારદાયક બાબત છે કે સરકારી જમીનો, મહાનગરપાલિકાની જમીનો પર ગેરકાયદે ખડકાયેલા કાચા-પાકા બાંધકામો સહિતના દબાણો દૂર થઈ રહ્યા છે અને કિંમતી જમીનો ખુલ્લી થઈ રહી છે.
પણ... આટલી મોટી સંખ્યામાં, આટલા મોટા દબાણો ક્યારે થયા? આ દબાણો ઊભા થવાની, પાકા બાંધકામો, મકાનો, બંગલાઓ બનવાની શરૂઆત થઈ ત્યારે જવાબદાર તંત્ર શું કરતું હતું? જે તે વખતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારી અને તેનો સ્ટાફ શું નિદ્રામાં હતો? હરગિઝ નહીં, કારણ કે આવા દબાણો જે તે સમયના વિભાગની 'મીઠી નજર' વગર શક્ય જ નથી. સરકારી કે મનપાની જમીનો પર મસમોટા દબાણો ખડકાય જાય, લાઈટના કનેક્શન મળી જાય, સાચા-ખોટા દસ્તાવેજો બની જાય, જેવી પ્રક્રિયાઓ અધિકારી અને સ્ટાફની સંડોવણી વગર થઈ શકે નહીં, અને જે તે વિભાગના જે તે સમયના ઉચ્ચ અધિકારી, તેમના વિભાગનો સ્ટાફ સાવ મફતમાં મીઠી નજરની કૃપા વરસાવે નહીં જ... અર્થાત્ દબાણો ખડકાયા, ખડકાઈ ગયા પછી સમગ્ર મામલે અતઃ થી ઈતિ સુધી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની શંકા અસ્થાને નથી. ધાર્મિક સ્થાનોને હટાવવાની કામગીરી અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સૌથી અચરજ પમાડે તેવું એક અંદાજે બે લાખ ચોરસ ફૂટની વાડીના દબાણનું કૌભાંડ હવે છેક ર૦-રપ વર્ષે તંત્રના ધ્યાનમાં આવ્યું. નદીના પટમાં, નદીના પાણીનો ભરપૂર ઉપયોગ કરી વર્ષોથી લાખો-કરોડોની ઉપજ મેળવી માલેતુજાર શખ્સના દબાણ અંગે અત્યારે તો તંત્રએ માત્ર આ મસમોટું દબાણ હટાવવાની અને નદીનો પટ ખુલ્લો કરવાની કામગીરી જ કરી છે. તો પછી આ દબાણ કરનાર શખ્સ સામે કાયદેસરના પગલાં કોણ લેશે? તંત્ર દ્વારા આ બાબતે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અરે, તે શખ્સનું નામ સુદ્ધા જાહેર કરવાની દરકાર પણ ડિમોલેશન કરનારા તંત્રએ કરી નથી. બે લાખ ચોે. ફૂટ જેટલી વિશાળ જમીન પરનું દબાણ હવે છેક નજરે ચઢ્યું.!!
છેલ્લા રપ-૩૦ વર્ષોથી રાજ્યમાં અને જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું ધીંગી બુહમતિ સાથે શાસન પ્રવર્તે છે, ત્યારે આ ગેરકાયદે બાંધકામો સાથેના અનેક સ્થળે થયેલા દબાણો માટે જે તે વિભાગના અધિકારી અને સ્ટાફ ઉપરાંત તે સમયના ચૂંટાયેલા પદાધિકારીઓ, સત્તાધીશો પણ એટલા જ જવાબદાર ગણી શકાય.
શું સરકાર આવા દબાણો જે તે સમયે સર્જાયા અને તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરવા સંદર્ભમાં તત્કાલિન અધિકારી અને સ્ટાફ સામે પગલાં લેશે? સરકારે ચોક્કસ રીતે સમગ્ર દબાણો માટે જવાબદાર હોય તેમની સામે પણ આકરા પગલાં લેવાની જરૂર છે.
બાકી, આ તો એવો ખેલ છે કે કોઈ ચૂંટાયેલ વ્યક્તિ કે અધિકારી દબાણો ઊભા થાય ત્યારે નાણાકીય લેવડ-દેવડ કરી લ્યે... અત્યારે તે ક્યાંક અન્ય સ્થળે નોકરી કરતા હોય, ચૂંટાયેલ વ્યક્તિ પણ કોઈ પદ પર ન હોય, અને જલ્સા કરતા હોય, આવા સંજોગોમાં અત્યારના અધિકારીઓને તથા ચૂંટાયેલા વ્યક્તિઓને તો 'દાદાનું બુલડોઝર' નામે બહાદુરી બતાવવાનો અવસર મળી જાય છે અને આમ દબાણો થાય ત્યારે, દબાણો ચાલુ રહે ત્યારે અને દબાણો હટાવવાના મામલે એમ તમામ બાબતે માત્ર નાણા અને જશ ખાટવાની જ કવાયત ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial