Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા-સલાયા રેલવે વ્યવહાર પુનઃશરૂ કરવા કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં આનંદની લાગણી

વર્ષ-૧૯૮૦ માં બે ટ્રેન ચાલતી અને ખંભાળીયાની ટિકિટ રપ પૈસા જ હતી...!

ખંભાળીયા તા. ૧૭ઃ આખરે ખંભાળીયા-સલાયા વચ્ચે રેલવે લાઈન પૂર્વવત બનાવવાનું કામ શરૂ થયું છે. સાંસદ પૂનમબેનને વધુ એક સફળતા મળી છે. આ પહેલા વર્ષ-૧૯૮૦ માં ટ્રેન વ્યવહાર ધમધમતો હતો.

હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હાલાર તથા દ્વારકા વિસ્તારમાં રેલવે સુવિધા વધારવા અનેક પ્રયત્નો સફળ થયા છે. જેમાં ખંભાળીયાથી સલાયા રેલવે લાઈન પૂર્વવત કરીને રેલવે વ્યવહાર ફરી શરૂ કરવાનો પ્રયાસ શરૂ કરતા લોકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે.

ખંભાળીયા સલાયા વચ્ચે ૧૯૮૦ માં ટ્રેઈન વ્યવહાર ચાલતો હતો. સલાયા વિસ્તારમાં ત્રણ સોલ્ટ વર્કસ આવેલા હોય, તેમાંથી મીઠાના રેક ભરાતા તથા મીઠુ અન્ય સ્થળે રેલવેના વેગનમાં જતું તથા રોજ સલાયાથી મઠડી ટ્રેઈનના લગેજમાં છેક મુંબઈ સુધી જતી હતી, પણ ધીમે-ધીમે મુસાફરો ઘટતા તથા ઔદ્યૌગિક વપરાશ પણ ઓછો થતા આ લાઈન જે મીટર ગેજ હતી તે બ્રોડગેજ ના થઈ અને બ્રોડગેજ ઓખા વીરમગામ થયા પછી આ સ્ટેશન જ બંધ થઈ ગયું અને ધીમે-ધીમે રેલવે ટ્રેક પરથી પાટા પણ નીકળી ગયા અને સ્ટાફને પણ અન્ય સ્થળે મૂકી દેવાયો...!!

દબાણો હટાવાશે

૪૪ વર્ષથી સલાયા-ખંભાળીયા રેલવે લાઈન બંધ હોય, સલાયા રેલવે સ્ટેશન કે જ્યાં પહેલાના રેલવે સ્ટેશનનું માત્ર માળખું જ ઉભું છે ત્યાં મોટી સંખ્યામાં દબાણો થઈ ગયા છે તથા ઝુંપડપટ્ટી તથા કેટલાક પાકા-કાચા મકાનો થઈ ગયા છે તો આ રેલવે ટ્રેક નજીક પુલીયા પાસે પણ સલાયા - ખંભાળીયા ટ્રેક પર દબાણો થઈ ગયા છે, જે દૂર કરવા રેલવે તંત્ર દ્વારા આયોજન થયું છે.

આ રૂટ પર રેલવે સેવાના જૂના સંસ્મરણો

સલાયાના વેપારી અગ્રણી તથા પત્રકાર ભરતભાઈ લાલે જુના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, સલાયાથી રોજ સવારે પાંચ વાગ્યે તથા બપોરે એમ બે વખત ટ્રેઈન જતી તથા આવતી જેને સલાયા ટ્રોલી કહેવાતું જે લોકલ ટ્રેઈન રાજકોટ સુધી જતી અને તેનું ભાડું ત્યારે ખંભાળીયાનું માત્ર રપ પૈસા હતું અને મીઠા તથા માછીમારીમાં મૂળ ઉપયોગી થતી.

ભવિષ્ય માટે આ ટ્રેક ખૂબ ઉપયોગી

સલાયામાં મોટા પ્રમાણમાં માછીમારી થાય છે, જે મુંબઈ રોજ પહોંચાડાય છે તથા મીઠાના કારખાના આવેલા છે તથા નજીકમાં કોલસા આધારીત ભાવિ ૩૧ર૦ એમ.ડબલ્યુનો સલાયા પાવર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સલાયા પાસે એસ્સાર દ્વારા બંદર બનાવાયું છે જે કોલ ટર્મીનલ તરીકે વિકાસ પામી રહ્યું છે તથા ગ્લોબલ એનર્જી મોનીટર તરીકે ભવિષ્યમાં વિકાસ પામનારૃં છે તથા હાલમાં જ રાજય તથા કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં પણ મત્સ્યોદ્યોગથી પુષ્કળ વિદેશી હુંડીયામણ પ્રાપ્ત થતું હોય, આ ઉદ્યોગ વિકસાવવા ખાસ જોગવાઈઓ પણ કરી છે ત્યારે સલાયા-ખંભાળીયા રેલવે લાઈન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અગાઉ વ્યાસ પરોઠા હાઉસ પાસે રેલવે ફાટક હતું તે પણ હવે બનશે.

ખંભાળીયા ફરીથી જંકશન થશે ?

રેલવેની ભાષામાં જે રેલવે સ્ટેશનેથી અન્ય રેલવે સ્ટેશન જવા જુદી લાઈન પડતી હોય, ટ્રેઈન બદલવી પડે તેને જંકશન કહેવાય છે, અગાઉ ખંભાળીયા જંકશન હતું. સલાયા જવા અહીં ટ્રેઈન બદલવી પડતી હતી તે હવે જંકશન થાય તો નવાઈ નહીં. અગાઉ મીટરગેજ ટ્રેઈન હતી, હવે બ્રોડગેજ અને તે પણ ઈલેક્ટ્રીક થશે. ખંભાળીયા સ્ટેશનથી જુની રેલવે લાઈન સલાયાના ટ્રેક પર કામ શરૂ થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh