Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સજાના હુકમ સમયે રાજકુમાર સંતોષી ગેરહાજરઃ
જામનગર તા. ૧૭ઃ હિન્દી ફિલ્મજગતના જાણીતા દિગ્દર્શક અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષીને રૂા.૧ કરોડના ચેક પરતના કેસમાં જામનગરની અદાલતે બે વર્ષની કેદની સજા અને રૂા.ર કરોડનો દંડ ફટકાર્યાે છે. જામનગરના ઉદ્યોગપતિ અશોક લાલે વર્ષ ૨૦૧૭માં આ કેસ નોંધાવ્યો હતો.
જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને શીપીંગના વ્યવસાયી અશોકભાઈ લાલ પાસેથી હિન્દી ફિલ્મજગતના જાણીતા દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ વર્ષાે પહેલાં રૂા.૧ કરોડ સંબંધદાવે હાથઉછીના મેળવ્યા હતા. તેની પરત ચૂકવણી માટે રૂા.૧૦ લાખના એવા ૧૦ ચેક આપ્યા હતા.
અગાઉ ઘાયલ, ઘાતક, દામિની જેવી હીટ ફિલ્મનું દિગ્દર્શન કરનાર રાજકુમાર સંતોષીના દસેય ચેક નક્કી કરેલા સમયે અશોકભાઈ દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવતા તમામ ચેક અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફર્યા હતા. તેથી નોટીસ પાઠવાઈ હતી. આમ છતાં બાકી લેણું ચૂકવવામાં આવ્યું ન હતું.
ત્યારપછી વર્ષ ૨૦૧૭માં જામનગરની કોર્ટમાં રાજકુમાર સંતોષી સામે નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ ૧૩૮ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ અંગે રાજકુમાર સંતોષી સામે સમન્સ જારી થયું હતું પરંતુ તે સમન્સ રાજકુમાર બજવા દેતો ન હતો. આ બાબતે ફરિયાદીના વકીલ પિયુષ ભોજાણીએ અદાલતનું ધ્યાન દોરતા જામનગર કોર્ટે મુંબઈના પોલીસ કમિશનરનો ખુલાસો પૂછ્યો હતો. તે પછી સમન્સ બજ્યું હતું.
ઉપરોક્ત તમામ કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજકુમાર સંતોષીને તકસીરવાન ઠરાવી તેને ચેક પરતની નક્કી કરાયેલી પુરેપુરી સજા-બે વર્ષની કેદ તથા રૂા.૨ કરોડનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે તાત્કાલિક ચુકવવાનો હુકમ થયો છે. ફરિયાદી તરફથી ભોજાણી એસો.ના એડવોકેટ પિયુષ ભોજાણી, ભાવિન ભોજાણી, ભાવિન રાજદેવ, કિશોર ભટ્ટ, પ્રકાશ કંટારીયા, સચિન જોષી, અર્ષ કાશમાણી, અલ્કા નથવાણી રોકાયા હતા. સજાના હુકમ સમયે કોર્ટમાં રાજકુમાર સંતોષી હાજર ન હોવાથી તેની સામે સજાનું વોરંટ ઈસ્યુ થયું છે.
રાજકુમાર સંતોષીએ પોતાના બચાવ માટે કર્યા હતા ધમપછાડા
આ કેસ નોંધાયો તે પછી સરકારે જે શહેરનો ચેક હોય ત્યાં ફરિયાદ કરવાનો પરિપત્ર રજૂ કર્યાે હતો. તેના આધારે રાજકુમાર સંતોષીએ તમામ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી કરી હતી. તે દરમિયાન જ ઉપરોક્ત પરિપત્ર રદ્દ થતાં જામનગરની અદાલતમાં જ કેસ ચલાવવાનો હુકમ થયો હતો. તે ઉપરાંત આરોપીએ ડિસ્ચાર્જ થવા માટે અરજી કરી ધમપછાડા કર્યા હતા પરંતુ તેમાં પણ તેને લપડાક મળી હતી. વધુમાં આરોપીએ ચેકમાં તારીખ લખ્યા પછી તેની ઝેરોક્ષ કરાવી તે ઝેરોક્ષ રજૂ કરી બચાવ લેવાનો પણ નિષ્ફળ પ્રયત્ન કર્યાે હતો પરંતુ આરોપીની કોઈ કારી ફાવી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial